તપાસ:લાલુ જાલિમ પાસેથી નેપાળના શંકાસ્પદ ડોક્યુમેન્ટ મળી આવ્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાલુ જાલિમ અને નિકુંજ ચૌહાણ. - Divya Bhaskar
લાલુ જાલિમ અને નિકુંજ ચૌહાણ.
  • આરોપીઓને પકડનાર ટીમને સીપીએ 10 હજારનું ઇનામ આપ્યું
  • ક્રાઇમબ્રાંચે ગેંગસ્ટર લાલુ જાલિમને યુપીથી ઝડપી પાડ્યો હતો

હત્યા, લૂંટ, હત્યાની કોશિશ, ખંડણી, સરકારી ફરજમાં રૂકાવટ જેવા 24 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત ગેંગસ્ટર લાલુ જાલિમને ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. માથાભારે આરોપી લાલુ જાલિમ પાસેથી પોલીસને નેપાળને લગતા કેટલાક શંકાસ્પદ ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. આ ડોક્યુમેન્ટ કેટલા સંવેદનશીલ છે તેની તપાસ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર માથાભારે ગેંગસ્ટર લાલુ જાલિમનો ગુનાહિત ઇતિહાસ અને પ્રકૃતિ જોઈને લાલુ જાલિમ અને તેની ગેંગ વિરુદ્ધ 29 ડિસેમ્બર 2020ના રોજ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં લાલુ જાલિમ ગેંગના સાગરિતો જગદિશ ઉર્ફ ભાઉ ચોટલી,નિલેશ અવચીતે, શિવમ ઉર્ફ ફેનિલ, રવિ ઉર્ફ ધાનુ,નયન બારોટ અને શૈલેન્દ્ર શર્માની ધરપકડ કરી હતી. માથાભારે લાલુ જાલિમ અને નિકુંજ ઉમશ ચૌહાણ નાસતા ફરતા હતા. તેમને પકડવા માટે ક્રાઈમ બ્રાંચ 6 મહિનાથી પ્રયત્ન કરતી હતી. આખરે વારાણસી લાલુ જાલિમ અને ભરૂચથી નિકુંજ ઝડપાયો હતો. લાલુ જાલિમ પાસેથી નેપાળનું સીમ કાર્ડ ઉપરાંત નેપાળના કેટલાક ડોક્યુમેન્ટ મળ્યા છે. તે ડોક્યુમેન્ટ સેન્સેટીવ છે કે નહીં અને સેન્સેટીવ છે તો કેટલા સેન્સેટીવ છે તેની તપાસ ચાલી રહી છે.

લાલુ જાલિમને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમ છેલ્લા 6 મહિનામાં 3 વખત ઉત્તર પ્રદેશ જઈ આવી હતી. બંનેની ધરપકડ કરનાર ક્રાઈમ બ્રાંચની ટીમને પોલીસ કમિશનરે 10 હજાર રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...