• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat's Textile Industry Is The Second Largest Employer In The Country After Agriculture, With An Investment Of Rs 54,000 Crore In 5 Years And 15 Lakh Jobs.

બિઝનેસ:સુરતનો કાપડ ઉદ્યોગ દેશમાં એગ્રિકલ્ચર પછી સૌથી વધુ રોજગાર આપે છે, 5 વર્ષમાં 54 હજાર કરોડનું રોકાણ ને 15 લાખને નોકરી

સુરત5 મહિનો પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
  • રોકાણ કરવામાં દેશનાં 95 ટિઅર-2 સિટીમાં સુરત પ્રથમ ક્રમે, આગામી 6 વર્ષમાં સુરતમાં 1.65 લાખ કરોડથી વધુનું રોકાણ થશે

દેશના 95 ટિઅર-૨ (શ્રેણી-2) એટલે કે, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઇ, કોલકાતા, હૈદરાબાદ, અમદાવાદ અને પૂના પછીનાં શહેરોમાં રોકાણ કરવામાં સુરત દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી 6 વર્ષમાં સુરતમાં ટેક્સટાઈલ, ડાયમંડ સહિતના સેક્ટરમાં કોરોડો રૂપિયાનું રોકાણ થશે. દેશમાં એક્સપોર્ટમાં ટોપ 30 જિલ્લાઓમાં સુરત બીજા ક્રમે છે.

સુરતનો કાપડ ઉદ્યોગ દેશમાં એગ્રિકલ્ચર પછી સૌથી વધુ રોજગાર આપી રહ્યો છે. આગામી 5 વર્ષમાં સુરતમાં 54 હજાર કરોડનું રોકાણ આવશે તથા વધુ 15 લાખ લોકોને રોજગારી પણ મળશે એવી ગણતરી છે. રાજ્યમાં નવા ઔદ્યોગિક એકમો (MSME) શરૂ કરવામાં સુરત નંબર 1 છે. કારણ કે, છેલ્લા 5 વર્ષમાં રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં 1.88 લાખ એકમો શરૂ થયાં છે, જેની સામે સુરતમાં 3 લાખ નવાં એકમો સ્થપાયાં છે.

રાજ્યમાં પણ સુરત પ્રથમ : 5 વર્ષમાં અમદાવાદમાં 1.88 લાખ, સુરતમાં 3 લાખ નવાં એકમો શરૂ થયાં

3,08,219 : MSME એકમો સુરતમાં વર્ષ 2015થી 2020 સુધીમાં 308219 સ્થપાયાં છે, જેની સામે સમગ્ર રાજ્યમાં 7,81,636 એકમો સ્થપાયાં છે.

50% : ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના એકમો શહેરનાં કુલ MSME એકમોમાંથી અડધોઅડધ એટલે 50 ટકા જેટલી સંખ્યા ધરાવે છે.

15 લાખ : ઉદ્યોગ આધાર મેમોરેન્ડમના ડેટા પ્રમાણે MSME અંતર્ગત 15 લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે.

1,99,555 : MSMEમાં સ્થપાયેલા 3,08,219 એકમોમાંથી 1,99,555 મેન્યુફેક્ચરિંગ એકમો છે, જેનાથી 12,05,287 લોકોને રોજગાર મળે છે.

1,08,664 : સુરતમાં સ્થપાયેલા MSME એકમોમાંથી 108664 એકમો સેવાક્ષેત્રનાં છે, જેનાથી 3,87,550 લોકોને રોજગારી મળે છે.

6000 : ઉદ્યમ રજિસ્ટ્રેશન ડેટા પ્રમાણે છેલ્લા 5 મહિનામાં સુરતમાં દર મહિને 6000 એકમો નોંધાઈ રહ્યા છે, જેમાં દર મહિને 30 હજારને રોજી મળે છે.

વિશ્વમાં ચીન પછી મોડર્ન વીવિંગનાં સૌથી વધારે એકમો સુરતમાં સ્થપાયાં છે
દેશમાં કાપડ વેપાર વિશ્વમાં બીજા ક્રમે છે. જ્યારે MEGPTથી લઈ ફેબ્રિક્સના ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે. ચીન પછી મોડર્ન વીવિંગના સૌથી વધારે એકમો સુરતમાં છે. દેશમાં દર વર્ષે 19 લાખ મેટ્રિક ટન પોલિએસ્ટર યાર્ન બને છે, જેમાંથી 50 ટકાથી વધુનો ઉપયોગ સુરતમાં થાય છે. નાયલોન અને વિસ્કોસ યાર્ન 90 ટકા સુરતમાં વપરાય છે. ડેનિમ અને લિનન ફેબ્રિક્સના ઉત્પાદનમાં સુરત દેશમાં બીજા ક્રમે છે. સુરતમાં એવરેજ રોજનું 4 કરોડ મીટર કાપડ બને છે. 450થી વધુ પ્રોસેસિંગ એકમો, 6 લાખ પાવર લૂમ્સ છે.

અંદાજે 5 લાખ કારીગરો વીવિંગ પ્રોસેસિંગ, 4 લાખ કારીગરો પ્રોસેસિંગ એકમો અને 2 લાખ ટેક્સટાઈલ ટ્રેડર્સ છે. ઉદ્યોગકારો અપગ્રેડ રહેવા વોટરજેટ, રેપિયર, એરજેટ, હાઈસ્પિડ વોર્પિંગ, નીડલ લૂમ્સ, સર્ક્યુલર નીટિંગ, વોર્પ નીટિંગ, પાવર લૂમ્સ, જેકાર્ડ, સહિતનાં મશીનો નવી ટેક્નોલોજી સાથે ઈન્સ્ટોલ કરી રહ્યાં છે. હાલ દરરોજ 12 કરોડ રૂપિયાના હાઈસ્પિડ જેકાર્ડ મશીન ઈમ્પોર્ટ થઈ રહ્યાં છે. આવનારા 8 મહિનામાં નવા 5 હજાર મશીનો ઈનસ્ટોલ થશે.

માત્ર 6 મહિનામાં જ 73 હજાર કરોડથી વધુના ગુડ્ઝ એક્સપોર્ટ સાથે સુરત દેશમાં બીજા ક્રમે
એક્સપોર્ટમાં દેશના ટોપ 30 જિલ્લામાં સુરત બીજા ક્રમે છે. 2021માં એપ્રિલથી સપ્ટેમ્બર ના 6 મહિનામાં કુલ 73 હજાર કરોડનું એક્સપોર્ટ થયું હતું. જેમાં જેમ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ અને ટેક્સટાઈલનું સૌથી વધારે છે.

પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, સીટ કવર, ખુરશી, મીઠાઈ, નમકીન, પાપડ, ચોકલેટ, બેકરી પ્રોડક્ટ્સ, બુટ-ચંપલ, લેધર બેગ, ઈમિટેશન જ્વેલરી, જિંગા, સોલાર પેનલ વગેરેનું એક્સપોર્ટ પણ થાય છે. છેલ્લા 6 મહિનાના 9770 કરોડનું એન્જિનિયરિંગ ગુડ્સ, 2525 કરોડનું મેનમેડ ફેબ્રિક્સ, 1971 કરોડનું ઓર્ગેનિક મટિરિયલ્સ, ઈનઓર્ગેનિક કેમિકલ, 1432 કરોડનું કોટન યાર્ન, હેન્ડલુમ પ્રોડક્ટ અને 51544 કરોડની જેમ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ થયુ છે.

મેગા ટેક્સટાઇલ પાર્ક અને ડાયમંડ બુર્સને કારણે 6 વર્ષમાં 1.65 લાખ કરોડનું રોકાણ શક્ય બનશે
​​​​​​​દેશના 95 ટિઅર-૨ સિટીમાં રોકાણ કરવામાં સુરત દેશમાં પ્રથમ છે. આગામી 6 વર્ષમાં સુરતમાં ટેક્સટાઈલ, ડાયમંડ, એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક, જ્વેલરી સહિતના સેક્ટરમાં કોરોડોનું રોકાણ થશે. કારણ કે, સુરતમાં પીએમ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવા રાજ્ય સરકારે 1000 એકર જમીન ફાળવી છે.

ઉપરાંત ખજોદમાં ડાયમંડ બુર્સનું ટૂંક સમયમાં જ ઉદ્દઘાટન થશે, જેથી ઈકોનોમીને બૂસ્ટ મળશે. આગામી 6 વર્ષમાં મેગા ટેક્સટાઈલ પાર્કમાં 25 હજાર કરોડનું રોકાણ, ટેક્ટાઈલમાં 40 હજાર કરોડનું રોકાણ, ડાયમંડમાં 45 હજાર કરોડનું રોકાણ અને હજીરાપટ્ટાની કંપનીઓ સહિતમાં 50 હજાર કરોડનું રોકાણ થવાની સભાવના છે. કુલ મળીને સુરતમાં 1.65 લાખ કરોડનું રોકાણ થશે.

​​​​​​​વિશ્વમાં વેચાતા દર 15 હીરામાંથી 14 સુરત તથા રાજ્યનાં અન્ય શહેરોના ​​​​​​​વિશ્વના 75 ટકા પોલિશ્ડ હીરા સુરતના હોય છે. દર 15 હીરામાંથી 14 સુરત અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પોલિશ્ડ કે કટ થઈ રહ્યા છે. દેશમાંથી 20-2021માં 13.41 બિલિયન ડોલર (અંદાજે 1 લાખ કરોડ રૂપિયા)ના કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ થઈ હતી, જ્યારે વર્ષ 21-2022માં કુલ 22 બિલિયન ડોલર (અંદાજે 1.67 લાખ કરોડ રૂપિયા)ની નિકાસ કરવામાં આવી છે. દેશની કુલ જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસમાં સુરત 58 ટકાથી વધારેનું યોગદાન આપી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...