અનલોકમાં લોક:દિવાળી સુધીમાં સુરતનો સરથાણા નેચર પાર્ક-ઝુ ખુલે તેવી શક્યતા ઓછી, 50-60 લાખની આવકમાં માર પડવાની શક્યતા

સુરતએક વર્ષ પહેલા
સરથાણા નેચર પાર્કની ફાઈલ તસવીર - Divya Bhaskar
સરથાણા નેચર પાર્કની ફાઈલ તસવીર
  • કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી પાલિકાએ નેચર પાર્ક ખોલાવાનો નિર્ણય માંડી વાળ્યો
  • માર્ચ મહિનાથી લાગેલા લોકડાઉનના કારણે સરથાણા પ્રાણી સંગ્રહાલય સતત સાત મહિનાઓથી બંધ

રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારીની ગાઈડ લાઇન મુજબ અનલોક પાંચમાં વધુ છૂટછાટ આપતી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઇન મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલયને ખોલવાની વિચારણા ચાલી રહી હતી. પરંતુ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા પોતાનો આ નિર્ણય હાલ પૂરતો માંડી વાળવામાં આવ્યો છે. જેથી દિવાળી સુધીમાં સરથાણા નેચર પાર્ક સહેલાણીઓ માટે ખુલે તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી. જેથી દિવાળીના દિવસોમાં પાલિકાને માત્ર પાંચ દિવસ દરમ્યાન આશરે 50-60 લાખ જેટલી આવકમાં માર પડવાની શક્યતાઓ દેખાય રહી છે.

સહેલાણીઓમાં પણ ઉદાસીનતા
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલય સુરતવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર ગણવામાં આવે છે. સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં આવેલા જાતભાતના પશુ અને પક્ષીઓ જોવા સામાન્ય દિવસોમાં તો લોકોની અવરજવર રહેતી જ હોય છે. પરંતુ દિવાળીના તહેવારો હજારોની સંખ્યામાં અહીં સહેલાણીઓનો ઘસારો જોવા મળે છે. જોકે, માર્ચ મહિનાથી લાગેલા લોકડાઉનના કારણે આ પ્રાણી સંગ્રહાલય સતત સાત મહિનાઓથી બંધ પડ્યું છે. જેના કારણે અહીં આવતા સહેલાણીઓમાં પણ ઉદાસીનતા હોવાનું જાણવા મળે છે.

પ્રાણી સંગ્રહાલય દિવાળી સુધીમાં ખુલે તેવી શક્યતા ઓછી
કેન્દ્રની જાહેરાત બાદ રાજ્ય સરકાર દ્વારા અનલોક-5 માં વધુ છૂટછાટ સહિતની ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી હતી. જ્યાં સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલયને ફરીથી ખોલવા અંગેનો નિર્ણય પાલિકા દ્વારા લેવામાં આવ્યો હતો. પરંતુ સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે અને પ્રતિ દિવસ સુરત સહિત જિલ્લામાં 250થી પણ વધુ કેસો આવી રહ્યા છે. જે ગંભીર બાબતને ધ્યાનમાં લઈ પાલિકાએ પોતાનો નિર્ણય માંડી વાળ્યો છે. જેના કારણે સરથાણા પ્રાણી સંગ્રહાલય દિવાળી સુધીમાં ખુલે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી.

લાભ પાંચમ બાદ સરથાણા પ્રાણી સંગ્રહાલય ખુલે તેવી આશા
પાલિકા અધિકારીના જણાવ્યા પ્રમાણે, લાભ પાંચમ બાદ સરથાણા પ્રાણી સંગ્રહાલય ખુલે તેવી આશા છે. દિવાળીના દિવસોમાં 25 હજાર જેટલા લોકોનો ઘસારો રહે છે અને વર્તમાન સ્થિતિમાં પરિસ્થિતિ સંભાળી શકાય તેમ નથી. એટલુ જ નહીં પરંતુ પ્રાણી સંગ્રહાલયમાં લોકોના ભારે ઘસારાના કારણે સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે. જેથી હાલ પ્રાણી સંગ્રહાલયને ખોલવાનો નિર્ણય માંડી વાળવામાં આવ્યો છે. જેથી આ વખતે સુરત મહાનગરપાલિકાને દર દિવાળીના દિવસોમાં થતી 50 થી 60 લાખ જેટલી આવકમાં પણ મોટો માર પડવાની છે. જે વાત ને નકારી શકાય તેમ નથી.

સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં સહેલાણીઓનો ભારે ઘસરો રહેતો હોય છે
રાજેશ પટેલ (સુરત મહાનગરપાલિકા અધિકારી - સરથાણા પ્રાણી સંગ્રહાલય) એ જણાવ્યું હતું કે, દિવાળીમાં દિવસોમાં લોકો હરવા ફરવા માટે મોટી સંખ્યામાં પરિવાર સાથે બહાર નીકળતા હોય છે. તેમાં ખાસ સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં સહેલાણીઓનો ભારે ઘસરો રહેતો હોય છે.પરંતુ સુરતમાં પ્રવર્તી રહેલી કોરોનાની મહામારીના કારણે આ દિવાળીએ સરથાણા પ્રાણી સંગ્રહાલયને ખોલવાનો નિર્ણય પાલિકાએ બરતરફ કર્યો છે. જેને લઈ અહીં આવતા સહેલાણીઓમાં ઉદાસીનતા છવાઈ જવા પામી છે. જોકે, પાલિકાને પણ આ વખતે 50થી 60 લાખનો મોટો ફટકો પડવાની સંભાવના છે.