પ્રધાનપદ આપવાનું ગણિત:સુરતનો રાજકીય દબદબો વધ્યો, 'આપને'કાબૂમાં રાખવા ભાજપે એક કેબિનટ અને ત્રણને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતમાંથી (ડાબે હર્ષ સંઘવી અને જમણે પૂર્ણેશ મોદી)ને પ્રધાન મંડળમાં સ્થાન અપાયું છે. - Divya Bhaskar
સુરતમાંથી (ડાબે હર્ષ સંઘવી અને જમણે પૂર્ણેશ મોદી)ને પ્રધાન મંડળમાં સ્થાન અપાયું છે.
  • કાશિરામ રાણા બાદ સી.આર.પાટીલના સમયમાં સુરતનો રાજકીય દબદબો વધ્યો

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવા એકદમ ફ્રેશ(નવા ચહેરા સાથેના) પ્રધાનમંડળની રચના કરવામાં આવી છે. ચાલુ સરકારમાં આ પ્રકારની ઘટનાઓ બહુ રેર કેસમાં જોવા મળતી હોય છે. ત્યારે ભાજપના હાઈકમાન્ડે સમગ્ર ગુજરાતને ચોંકવતા નવું પ્રધાનમંડળ રચ્યું છે. જેમાં જાતિ-જ્ઞાતિ-ઊંમર-અનુભવ તથા વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ સુરતનો આ તમામ બાબતોમાં રાજકીય દબદબો વધ્યો હોય તે રીતે સુરત જાણે પ્રધાનોનું શહેર બની ગયું હોય તે રીતે ત્રણ રાજ્ય કક્ષાના મંત્રી અને એક કેબિનેટ મંત્ર બનાવવામાં આવ્યાં છે. જ્યારે એક કેન્દ્રિય મંત્રીનો પણ છે. કાશિરામ રાણાના સમય બાદ સી.આર.પાટીલના સમયમાં સુરતનો દબદબો રાજકીય ક્ષેત્રે ખૂબ વધ્યો છે. જો કે, સુરતમાંથી પ્રધાનો બનાવવા પાછળ રાજકીય તજજ્ઞો આમ આદમી પાર્ટીની સુરતમાં વધતી તાકાતને કાબૂમાં રાખવા માટેની રાજનીતિ હોવાનું પણ ગણાવી રહ્યાં છે.

રાજ્યમાં સુરતના ચાર પ્રધાન એક કેન્દ્રમાં
રાજ્ય સરકારના નવા પ્રધાન મંડળમાં પૂર્ણેશ મોદીને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. જ્યારે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, ઓલપાડના મુકેશ પટેલ અને કતારગામના વિનુ મોરડીયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યાં છે. જ્યારે થોડા સમય અગાઉ કેન્દ્રીય પ્રધાન મંડળના વિસ્તરણ વખતે સુરતના સાંસદ દર્શના જરદોષને કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી બનાવીને સુરતને એક સાથે રાજ્યના ચાર અને કેન્દ્રમાં એક મંત્રી બનાવવામાં આવ્યાં છે.

સુરત હેવી વેઈટ બની ગયું
સુરતનું રાજકીય લેવલ પર કાશિરામ રાણા વખતે ભારે મહત્વ હતું. ત્યારબાદ સતત કેન્દ્ર અને રાજ્યમાં અવગણના થતી હતી. જો કે, આ સૌ પ્રથમ વખતે એવી ઘટના બની છે. જ્યારે સુરતમાંથી રાજ્યમાં એક સાથે ચાર પ્રધાનો બનાવવામાં આવ્યાં હોય. સુરતમાંથી એક સાથે ત્રણ રાજ્ય કક્ષાના અને એક કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવતાં સમગ્ર રાજ્યનું ધ્યાન હવે સુરતની રાજનીતિ તરફ પણ ગયું છે.

આપને કાબૂમાં રાખવાનું ગણિત
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાંથી આપનો ઉદય થયો હતો. સુરત મહાનગરપાલિકામાં આપની 27 જેટલી બેઠકો છે. સુરતમાં આપ મજબૂત બની રહ્યું છે. આપ પાર્ટીને કાબૂમાં રાખવા માટે ભાજપ દ્વારા નવા પ્રધાન મંડળમાં ચાર ચહેરાઓને પ્રભુત્વ આપવામાં આવ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાં સુરતમાંથી મોટી સંખ્યામાં પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે પ્રધાનપદ આપીને આપને કાબૂમાં રાખવા ભાજપે પ્રધાનપદ આપ્યાં હોવાનું રાજકીય તજજ્ઞોનો માની રહ્યાં છે.

કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાને પણ પ્રધાન બનાવાયા છે.
કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાને પણ પ્રધાન બનાવાયા છે.

પાટીદારોને કાબૂમાં રાખવાની પણ ચાલ
સુરતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર હોવા છતાં ભાજપ તેમની 12 સિટો અકબંધ રાખવામાં સફળ રહ્યું હતું. જો કે ત્યારબાદ માત્ર એક જ રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યાં હતાં. આર્થિક પાટનગર સમાન સુરતમાંથી રાજકીય નેતાઓને એટલું પ્રભુત્વ આપવામાં આવતું નહોતું. જોકે, આમ આદમીમાં પાટીદારો વળતાં કુમાર કાનાણીની જગ્યાએ આ વખતે પાટીદાર નેતા અને સ્વચ્છ છાપ ધરાવતાં વિનુ મોરડીયાને પ્રધાનપદ આપવામાં આવ્યું છે.

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યાં છે.
ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યાં છે.

આંતરિક કલહ શાંત કરવા પ્રયાસ
શહેરના ત્રણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવાની સાથે જ ભાજપના સંગઠનમાં પણ નવો પ્રાણ ફૂંકાયો છે. પોતાના વિસ્તારના ધારાસભ્યોને રાજ્ય સરકારમાં જે સ્થાન મળ્યું છે તેના કારણે હવે સંગઠનાત્મક રીતે પણ ખૂબ જ મજબૂતાઈથી કામ થાય તેવી અપેક્ષા સંગઠનમાં સેવાઈ રહી છે. અત્યારની સ્થિતી જોતા આંતરિક ખેંચતાણ ને નેવે મૂકી હવે સંગઠનની રીતે આગામી વિધાનસભાની ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની સામે લડત ઝીલવા માટે સંગઠન તૈયાર થશે. ત્રણ મંત્રીઓએ પદ આપ્યા બાદ આંતરિક કલહ અને પણ આવવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે.