સુરતના નવાગામ વાવ ટીપી નંબર 45માં રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. કામરેજ અને સુરતની વચ્ચે જે.બી.ડાયમંડ સ્કૂલની સામે આવેલા આ વિસ્તારમાં ઘણી સોસાયટીઓ બની ગઈ છે. રો-હાઉસથી લઈને લો રાઈઝ અને હાઈ રાઈઝ સહિતની ઈમારતોમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. ત્યારે અહીં 2021ના ઓક્ટોબર માસમાં રોડનું કામ ચાલુ થયું હતું. પરંતુ કોઈ કારણોસર રસ્તાનું કામ અટકી જતાં હજુ સુધી આ વિસ્તારમાં રોડની કામગીરી પૂર્ણ ન થતાં સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ રસ્તાનું કામ થયું હતું. જોકે. રસ્તા બન્યા ના એક મહિનામાં જ પડેલા વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા હતા. રસ્તા પર મોટા ખાડા પડ્યા છે અને વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે.
સ્થાનિકોને હાલાકી
સ્થાનિક રહીશ વિપુલ શિરોયાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારને જાણે કોઈ ગણતું ન હોય તેવી સ્થિતિ સર્જાય છે. અહીં રસ્તા બનતા નથી બને છે તો તેને કોઈ જ ધ્યાન ન અપાતું હોય તે રીતે રસ્તાઓ બન્યાના એક મહિનાની અંદર ઉખડી ગયા છે. રસ્તામાં ભ્રષ્ટાચારના ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે કોઈ જ કામગીરી ગંભીરતાપૂર્વક ન થયું હોય તેવા દર્શન અહીં થાય છે.
રસ્તા ઉડખાબડ
રસ્તામાં ડામર ઓછો અને ખાડાઓ વધુ પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉબડખાબડ રસ્તાના કારણે સ્થાનિકો અનેક રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે ઝડપથી નિરાકરણ આવે તેવી આશા સેવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.