તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat's Nature loving Woman Develop Her Own Home As Garden, Saves Rs 1.5 Lakh A Year By Cooking Fruits And Vegetables Organically

આજની પોઝિટિવ સ્ટોરી:સુરતની પ્રકૃતિપ્રેમી મહિલાએ ઘરને જ બનાવી દીધું ગાર્ડન, ઓર્ગેનિક રીતે ફળો-શાકભાજી પકાવીને વર્ષે 1.5 લાખની બચત કરે છે

સુરતએક મહિનો પહેલાલેખક: પંકજ રામાણી
પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધતાં અનુપમાબહેને ઘરને જ ગાર્ડનમાં પરિવર્તિત કરી દીધું છે.
  • સાતેક વર્ષથી ઘરઆંગણે જ કુંડાઓમાં ખેતી કરીને શુદ્ધ અને સાત્ત્વિક શાકભાજી અનુપમાબેન દેસાઈ મેળવે છે
  • ટેરેસ ગાર્ડનિંગ બાળકોને પ્રકૃત્તિ સાથે પ્રેમ કરતાં શીખવવાનો શ્રેષ્ઠ રસ્તો છેઃ અનુપમાબહેન

ઘરની અંદર હર્યુંભર્યું ગાર્ડન પરિવારને તંદુરસ્તીની સાથે ઓર્ગેનિક આહારપ્રદાન કરે છે. બજારમાં મળતાં શાક-ભાજી મોટે ભાગે રસાયણયુકત ખાતરોથી અને જંતુનાશક દવાઓના વપરાશથી ઉત્પાદિત કરવામાં આવે છે. ઘરઆંગણે ઉગાડવામાં આવેલાં શાક-ભાજીનો સ્વાદ કંઈક અલગ પ્રકારનો હોય છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ટેરેસ પર શાક-ભાજીની ખેતી કરતા સુરતના ભટાર વિસ્તારના અનુપમાબહેન દેસાઈ કહે છે કે કિચન ગાર્ડન એટલે એક એવો બગીચો, જે અન્ય બગીચા કરતાં ખૂબ અલગ હોય છે. તમે ઘરની અગાસી પર ઉગાડેલાં શાક-ભાજીને ઘરના કિચનમાં ઉપયોગમાં લઈ શકો છો. મારા ઘરની આગાસી અને આંગણા તથા જ્યાં સૂર્યપ્રકાશ આવે તે તમામ જગ્યાએ શાકભાજી અને ફળાઉ છોડ રોપ્યાં છે, જેથી વર્ષ દરમિયાન શાક-ભાજી કે ફ્રૂટ ખરીદવાં પડતાં નથી, જેથી વાર્ષિક 1.5 લાખ જેટલો સીધો ફાયદો તો થાય છે. પરંતુ સ્વાદ અને સ્વાસ્થ્યની સાથે પ્રકૃતિપ્રેમમાં પણ વધારો થયો છે.

કીટાણુમુક્ત, પ્રદૂષણમુક્ત સ્વાસ્થ્યવર્ધક શાક-ભાજી ઘરઆંગણે મળી રહે છે.
કીટાણુમુક્ત, પ્રદૂષણમુક્ત સ્વાસ્થ્યવર્ધક શાક-ભાજી ઘરઆંગણે મળી રહે છે.

સાત વર્ષ અગાઉ કિચન ગાર્ડનિંગની શરૂઆત કરી
અનુપમાબેન દેસાઈ કહે છે કે, સાતેક વર્ષ અગાઉ મેં ઘરની ખાલી જગ્યામાં કુંડા લાવીને ખેતી કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં નવસારી કૃષિ યુનિ.ના સુરતના પનાસ ખાતે કાર્યરત કે.વી.કે. દ્વારા બહેનોને કિચન ગાર્ડનિંગની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ લીધા બાદ મને ખ્યાલ આવ્યો કે, કઈ સિઝનમાં કયા છોડને કેવી રીતે ઉગાડી શકાય. દવાથી લઈને ઉછેર સુધીની તમામ માહિતી આ તાલીમ દ્વારા મળી છે. તાલીમ પહેલા હું મારા ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ તથા ગુલાબ, મોગરો જેવા છોડથી ગાર્ડનિંગ કરતી હતી. તાલીમ બાદ ઘરની અગાસી પર અનેક પ્રકારના શાકભાજી, ફળાઉ વૃક્ષોનું વાવેતર કરતી થઈ છું.

ટેરેસ ગાર્ડનિંગ બાળકોને પ્રકૃત્તિ સાથે પ્રેમ કરતાં શીખવવાનો શ્રેષ્ઠ રસ્તો હોવાનું અનુપમાબહેન જણાવે છે.
ટેરેસ ગાર્ડનિંગ બાળકોને પ્રકૃત્તિ સાથે પ્રેમ કરતાં શીખવવાનો શ્રેષ્ઠ રસ્તો હોવાનું અનુપમાબહેન જણાવે છે.

શાકભાજી કે ફળ માટે બજારમાં જવું પડતું નથી
અનુપમાબેનના કિચન ગાર્ડનમાં 18 જાતના ફળ આપતા છોડ છે. જેમાં ચીકુ પણ છે અને ડ્રેગન ફ્રૂટ પણ છે. ફળની સાથે સાથે લગભગ 20થી 25 પ્રકારના શાકભાજી પણ પકવવામાં આવે છે. સિઝનેબલ શાકભાજી ઘરની જરૂરીયાત પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. જેમાં કારેલા, કંટોલા, મેથીની ભાજી, ફૂદીનો, તુલસી, સક્કરટેટી, સીતાફળ, શેતુર, ટામેટા, લાલ ભીંડા, શક્કરીયા, નાગરવેલ જેવા છોડ ઉછેરીને ત્રણ ટાઇમનું શાકભાજી મેળવી આરોગ્યપ્રદ ભોજન બાબતમાં અનુપમાબેન દેસાઈનો પરિવાર આત્મનિર્ભર બન્યો છે.

ઘરમાં કિચન ગાર્ડનિંગનો પ્રોજેકટ ખૂબ ઓછા ખર્ચમાં બની શકે છે.
ઘરમાં કિચન ગાર્ડનિંગનો પ્રોજેકટ ખૂબ ઓછા ખર્ચમાં બની શકે છે.

કુદરત સાથે ઘર તાદાત્મ્ય સાધે છે
અનુપમાબેન કહે છે કે, મારા માટે ટેરેસ ગાર્ડનિંગ કુદરત સાથે તાદાત્મ્ય સાધવાનું માધ્યમ બન્યું છે. પ્રકૃત્તિ સાથે ઓતપ્રોત થઈ જવાની મને ખૂબ ખુશી છે. બાળકો પ્રકૃત્તિના વિવિધ તત્વોથી પરિચિત થાય છે. આજના બાળકો મોબાઈલની કાલ્પનિક દુનિયામાં ખોવાયા છે. હાલ શહેરી બાળકો શાકભાજી કે ફૂલછોડને ઓળખી શકતાં નથી. તેઓ તુલસી, હળદર, મીઠા અને કડવા લીમડાની ઉપયોગિતા શું છે એ વિષે પણ માહિતગાર હોતા નથી. ટેરેસ ગાર્ડનિંગ બાળકોને પ્રકૃત્તિ સાથે પ્રેમ કરતાં શીખવવાનો શ્રેષ્ઠ રસ્તો છે. આવનારી પેઢીને સ્વચ્છ અને શુદ્ધ હવા, પાણી અને ખોરાક આપવાની આપણી જવાબદારી છે. ટેરેસ ગાર્ડનનો એક મોટો ફાયદો એ છે કે તમને કીટાણુંમુક્ત, પ્રદૂષણમુક્ત સ્વાસ્થ્યવર્ધક શાકભાજી ઘરઆંગણે મળી રહે છે એમ તેઓ ઉમેરે છે.

કિચનમાં પણ અનુપમાબહેને બોટલમાં થઈ શકે તેવી વેલ ઉગાડી છે.
કિચનમાં પણ અનુપમાબહેને બોટલમાં થઈ શકે તેવી વેલ ઉગાડી છે.

કોરોના ઘરથી દૂર રહ્યો
ઓક્સિજનના ઉત્પાદક સમા વૃક્ષો અને છોડના કારણે ઘરની હવા પણ શુદ્ધ રહિ હોવાનું ઉમેરતા અનુપમાબહેન કહે છે કે, પાંચ સભ્યોનો પરિવાર છે. મોટી દીકરી ગાયનેકનો અભ્યાસ બેંગાલુરૂમાં કરે છે. જો કે પતિ અને એક દીકરો તથા દીકરી ઘરે જ હતાં. કોરોના કાળ અને લોકડાઉનમાં અમે આસપાસમાં શાકભાજી આપતાં હતાં. અમે અગાસી પર ઉછેરેલા તુલસી, ગળો, બેઝિલ, હળદર અને નાગરવેલના પાનમાંથી બનાવેલો ઉકાળો નિયમિત રીતે પીતા હતાં. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધી હોવાનો અહેસાસ થયો હતો. આ ઉકાળો નિર્દોષ અને સ્વાસ્થ્યવર્ધક છે, જે કોઈ પણ ઋતુમાં પી શકાય છે.કુદરતની દેન કહો કે, પ્રકૃતિના સાનિધ્યનો ફાયદો કોરોનાની બન્ને લહેરમાં અમારા ઘરનો એકપણ સભ્ય કોરોના સંક્રમિત થયો નથી.

ઘરના દરેક ખુણે પ્લાન્ટસના કુંડા મૂકી દેવામાં આવ્યાં છે.
ઘરના દરેક ખુણે પ્લાન્ટસના કુંડા મૂકી દેવામાં આવ્યાં છે.

અન્ય લોકોને પણ માર્ગદર્શન આપે છે
આધુનિક યુગમાં ખેતીવાડીમાં ઉછેરવામાં આવતાં શાકભાજી રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગના કારણે પ્રદુષિત હોય છે, બજારમાં મળતા આ પ્રકારના શાકભાજી હવે આપણા આરોગ્યને હાનિકર્તા બને છે, એટલે જ ઘરમાં કિચન ગાર્ડનિંગનો પ્રોજેકટ ખૂબ ઓછા ખર્ચમાં થતો હોવાથી મેં કિચન ગાર્ડનિંગને શોખરૂપે અપનાવ્યો હોવાનું જણાવતાં અનુપમાબેન દેસાઈએ ઉમેર્યું કે, રોજના બે ત્રણ કલાકના ગાર્ડનિંગના કામમાં કસરત પણ થઈ જાય છે.લોકોમાં જાગૃતિ આવતી જાય છે. મારી શેરીમાં ઘરની સામે જ મેં નર્સરી નાની એવી શરૂ કરી છે. જેમાં બપોરના ત્રણ ચાર કલાક હું લોકોને માર્ગદર્શન મફતમાં આપું છું. લગભગ 2000 જેટલા લોકો મુલાકાત પણ કરી ગયા છે.

કિચન ગાર્ડનિંગ કરવા ઈચ્છતાં લોકોને અનુપમાબેન માર્ગદર્શન પણ આપે છે.
કિચન ગાર્ડનિંગ કરવા ઈચ્છતાં લોકોને અનુપમાબેન માર્ગદર્શન પણ આપે છે.
અન્ય સમાચારો પણ છે...