સુરતનો ડાયમંડ ઉદ્યોગ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર અત્યારસુધી સુરતના પોલિશ્ડ હીરા વખણાતા હતા. પરંતુ હવે સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ નવી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે. ઉગતા ડાયમંડની નગરીનું બિરુદ મેળવી ચૂકેલા સુરત શહેરમાં અત્યારે લેબગ્રોન ડાયમંડ બનાવતા કુલ 2500 મશીનો શરૂ છે. જેમાં દર મહિને 2 લાખ કેરેટ ડાયમંડ 'ઉગે' છે. 5 વર્ષમાં એક્સપોર્ટ 1400 કરોડથી 6 ગણો વધી 8500 કરોડ સુધી પહોંચી ગયું છે. તો ચાલો, આપણે લેબમાં ડાયમંડ ઉગવાથી માંડીને તેના વેચાણ સુધીની સફરને જોઈએ.
લેબગ્રોન ડાયમંડ સુરતને નવી ઓળખ આપશે
લાખો કરોડોના ડાયમંડ એક્સપોર્ટ સુરતથી થાય છે. સુરતમાં અત્યારસુધી નાની ઘંટીઓ ઉપર ડાયમંડ ઘસાતા હતા. હવે તે લેબગ્રોન ડાયમંડ સુધી પહોંચી ગયું છે. સુરતમાં વિશ્વભરમાંથી આવતા રફ ડાયમંડને ચમક આપવામાં આવે છે. પરંતુ હવે ડાયમંડ ઉદ્યોગ નવી ક્રાંતિ તરફ અગ્રેસર થઈ રહ્યું છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડનું પ્રોડક્શન અને તેનો એક્સપોર્ટ પાંચ વર્ષમાં છ ગણો વધી ગયો છે. આને કારણે સુરત શહેરને હવે નવી ઓળખ મળશે.
પાતળા લેબગ્રોન ડાયમંડ માટે ખૂબ વીજળી જોઈએ
સુરતમાં લેબગ્રોન ડાયમંડના પ્રોડ્કશનમાં આવનાર 1 વર્ષમાં 900% વધારો થશે. અત્યારે શહેરમાં કુલ 2500 મશીનો શરૂ છે, જે આંક 5000 પર પહોંચશે. અહીં મોટા યુનિટો કાર્યરત થઈ રહ્યા છે અને લેબગ્રોન ડાયમંડ બનાવતી મોટી 10 ફેક્ટરી છે. નાના યુનિટો 300 કરતા વધારે છે. હાલ 2 લાખ કેરેટ દર મહિને સુરતમાં બને છે. ઇન્ડિયન લેબગ્રોન જાડા હોય છે. જ્યારે ચીનના HPHT ડાયમંડ જાડા અને પાતળા હોય છે. ભારતમાં પાતળા લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવા વીજળીની ખુબ જરૂરિયાત હોય છે. ભારતને લેબગ્રોન પાતળા હીરા બનાવવા પરવડે તેમ નથી.
40% ફેક્ટરીમાં લેબગ્રોન ડાયમંડ કટીંગ કરવાનું શરૂ
સુરતની નામાંકિત હીરા કંપનીઓ પહેલા માત્ર નેચરલ ડાયમંડ કટીંગ કરતી હતી. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં લેબગ્રોન ડાયમંડની માગ વધતા 40% ફેક્ટરીઓ હવે ધીરે ધીરે લેબગ્રોન ડાયમંડ કટીંગ કરવાનું શરૂ કરી દીધું છે. જે સૂચવે છે કે હવે રિયલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડનું કામ કરવું પણ લાભકારક છે. ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી મોટી ફેક્ટરીઓ પણ હવે લેબગ્રોન તરફ આકર્ષાય રહી છે. આવનારા ત્રણ વર્ષમાં નેચરલ અને લેબગ્રોન બન્ને ડાયમંડમાં 70% ફેક્ટરી કામ કરતી થઈ જશે.
સુરતમાં રફ ડાયમંડની અછત ઊભી થશે નહીં
હીરા ઉદ્યોગમાં સમયાંતરે રફ ડાયમંડની ખૂબ અછતની સ્થિતિ ઉભી થતી હતી. હવે સુરતમાં રફ ડાયમંડની અછત ઊભી થશે નહીં. કારણ કે સુરતમાં જ મહિને લાખો કેરેટ ડાયમંડ પ્રોડક્શન થશે. જેથી ચીન કે રશિયા ઉપર વધુ પડતું અવલંબન રહેશે નહીં. હવે લેબગ્રોન ડાયમંડ સુરતમાં જ તૈયાર થાય છે અને સુરતમાં જ કટિંગ થશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અલરોસા જેવી કંપની ઉપર વૈશ્વિક સ્તરે પ્રતિબંધો લાગતા રફ ડાયમંડની અછત ઉભી થઇ હતી.
લેબગ્રોન ડાયમંડ 70થી 80% ઓછા ભાવે મળી જાય
લેબગ્રોન ડાયમંડ વૈશ્વિક સ્તરે જનરેશન 'ઝેડ' ખુબ પસંદ કરે છે. નેચરલ ડાયમંડ પૈકી ઘણા બ્લડ ડાયમંડ કે કોમ્ફલિક્ટ (સંઘર્ષ) ડાયમંડ તરીકે ઓળખાય છે. અમેરિકા જેવા યુવાવર્ગ પ્રકૃતિનું દહન કરીને કે લોકોનું શોષણ કરી મેળવવામાં આવતા હીરા કરતા લેબમાં તૈયાર થયેલા ઇકો ફ્રેન્ડલી ડાયમંડ વધુ પસંદ કરે છે. નેચરલ ડાયમંડ કરતા લેબગ્રોન ડાયમંડ 70થી 80% ઓછા ભાવે મળી જાય છે.
જ્વેલરીની માગની સામે માત્ર 10% જ ફેક્ટરીઓ
લેબગ્રોન ડાયમંડ સુરતમાં પોડક્શન થતા અહીં જ્વેલરી ઉદ્યોગ માટે સુવર્ણ તકો ઉભી થઈ છે. સુરત શહેર પોતે ડાયમંડનું પ્રોડક્શન કરશે, કટીંગ પણ કરશે અને જ્વેલરી પણ બનાવશે. સુરત શહેરમાં જ્વેલરી બનાવનારા કારીગરો પણ ખૂબ ઓછા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે જ્વેલરીની ખૂબ માગ વધી છે. સુરતમાં જ્વેલરી પ્રોડક્શન શરૂ કરવા માટે માગની સામે માત્ર 10% જ ફેક્ટરીઓ છે. જો સુરતમાં જ્વેલરી ફેક્ટરીઓ હજી નવી ઉભી થઈ તો મહિને હજારો કરોડનું વિદેશી હૂંડિયામણ રળી આપે તેવી શક્યતા છે.
સુરતમાં માત્ર 150 જ્વેલરી ફેક્ટરી રજિસ્ટર
લેબગ્રોન ડાયમંડ પ્રોડક્શનને કારણે ડાયમંડ કટિંગ કરવામાં અને જ્વેલરી બનાવવા માટે લાખો કારીગરોની જરૂરિયાત ઉભી થશે. હાલ સુરત શહેરમાં 4 લાખ જેટલા રત્નકલાકારો છે અને રાજ્યભરમાં 15થી 20 લાખ જેટલા છે. જે રીતે લેબગ્રોન ડાયમંડનું પ્રોડક્શન થઈ રહ્યું છે, તેના કારણે ડાયમંડ વર્કરોની માગ સર્જાશે. ડાયમંડ ઉદ્યોગ હજી પણ લાખો લોકોને રોજગારી આપી શકે તેવી સ્થિતિમાં દેખાશે. લેબગ્રોન ડાયમંડની જ્વેલરી ખુબ સસ્તા ભાવે બજારમાં આવવાથી તેની માગ વધશે. જોકે હાલ સુરતમાં માત્ર 150 જેટલી જ જ્વેલરી ફેક્ટરીઓ રજિસ્ટર થયેલી છે.
ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને રાસાયણિક રચનાનો કમાલ
કૃત્રિમ રત્ન એ જ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને રાસાયણિક રચનાવાળા માનવ રચિત ક્રિસ્ટલ છે. જે વિશિષ્ટ રત્ન બનાવવામાં આવી રહ્યા છે. તેથી લેબગ્રોન ડાયમંડએ કુદરતી હીરા જેવું જ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને કેમિકલ કમ્પોઝિશન ધરાવે છે. સિંગલ ક્રિસ્ટલ હીરા ઉગાડવાની બે ટેકનિક છે. પ્રથમ અને સૌથી જૂની એ હાઇ પ્રેશર હાઇ ટેમ્પરેચર (HPAT) ટેકનિક છે. આ પ્રક્રિયા હીરાની સામગ્રીના બીજથી શરૂ થાય છે. સંપૂર્ણ હીરાની જેમ પ્રતિકૃતિ અત્યંત ઉંચા દબાણ અને તાપમાન હેઠળ લેબમાં તૈયાર થાય છે.
પ્રક્રિયાઓ એ ખૂબ જ અદ્યતન તકનીક
કૃત્રિમ હીરા ઉગાડવાની નવી રીત એ કેમિકલ વરાળ ડિપોઝિશન તકનીક છે. એક ચેમ્બર કાર્બન સમૃદ્ધ વરાળથી ભરેલો હોય છે. કાર્બન અણુ બાકીના ગેસનો ઉપયોગ કરીને હીરા ક્રિસ્ટલના વેપર પર જમા થાય છે. જે સ્ફટિકીય માળખાને સ્થાપિત કરે છે. કારણ કે રત્ન એક સ્તર દ્વારા સ્તર વધે છે. લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા બનાવવામાં આવે છે. આ બંને પ્રક્રિયાઓ એ ખૂબ જ અદ્યતન તકનીકઓ છે. જે ચોક્કસ હીરાની જેમ જ રાસાયણિક બંધારણ અને ગુણધર્મો સાથેના સ્ફટિકોનું નિર્માણ કરે છે.
રિયલ ડાયમંડ કરતાં પણ લેબગ્રોન ડાયમંડ ખરીદવો ખૂબ પસંદ
જીતેશ પટેલ ગ્રીનલેબ માલિકે જણાવ્યું કે લેબગ્રોન ડાયમંડની માગ વિશ્વભરમાં ખૂબ મોટા પાયે વધી રહી છે. અમેરિકા જેવા દેશોમાં તો આ ડાયમંડની ખૂબ જ ડિમાન્ડ વધી છે. રિયલ ડાયમંડની સરખામણીએ તે ખૂબ જ સસ્તો છે. મહત્વની બાબત એ છે કે જે રિયલ ડાયમન્ડ છે તે ખાણમાંથી કાઢવામાં આવે છે જેના કારણે અનેક મુશ્કેલી ઊભી થતી હોય છે. પર્યાવરણને પણ નુકસાન થાય છે અને ઘણી વખત ખાણમાં કામ કરતા કામદારોનું શોષણ થવાની વાતો પણ સામે આવતી હોય છે. તેવા સંજોગોમાં અમેરિકા જેવા દેશોમાં જે જનરેશન ઝેડ તરીકે ઓળખાય છે તે યુવા વર્ગ રિયલ ડાયમંડ કરતાં પણ લેબગ્રોન ડાયમંડ ખરીદવો ખૂબ પસંદ કરી રહ્યા છે.
જ્વેલરી ક્ષેત્રે લેબગ્રોન ડાયમંડની માગ ખુબ વધી
જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે લેબગ્રોન ડાયમંડનો વ્યાપ ખુબ વધી રહ્યો છે. સુરતમાં પણ તેના યુનિટો ખૂબ મોટા પ્રમાણમાં શરૂ થઈ રહ્યા છે. યુરોપિયન દેશોમાં અમેરિકા સહિતના દેશોમાં જ્વેલરી ક્ષેત્રે લેબગ્રોન ડાયમંડની માગ ખુબ વધી છે. સુરતની અંદર હવે આ ડાયમંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે મોટી રોજગારી ઊભી થશે અને મોદી સરકારનું જે મેકિંગ ઇન્ડિયાનું અને આત્મનિર્ભર ભારત બનવાનું સપનું છે તે દિશામાં આગળ વધી શકાશે.
આગામી પાંચ વર્ષની અંદર સ્થિતિ કલ્પના બહાર હશે
લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ જણાવ્યું કે હજારો કરોડનો બિઝનેસ ઊભો થઈ રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં અકલ્પનીય રીતે લેબગ્રોન ડાયમંડનો વેપાર સુરતમાં થશે. હાલ જે કંપનીઓ ડાયમંડ બનાવી રહી છે તેના કરતાં પણ વધુ યુનિટો આગામી પાંચ વર્ષમાં જ શરૂ થઈ જશે. મારા અંદાજ મુજબ માત્ર એક વર્ષમાં આ ઉદ્યોગ 900% જેટલો ગ્રોથ કરી શકે છે. તો આગામી પાંચ વર્ષની અંદર સ્થિતિ શું હશે તે કલ્પના બહાર છે. લેબગ્રોન ડાયમંડ એસોસિએશન આ ઉદ્યોગને વધુમાં વધુ વધારવા માટે સતત કેન્દ્ર સરકાર સાથે અને રાજ્ય સરકારને રજૂઆત કરી રહી છે. મહત્વની બાબત એ છે કે સરકાર પણ ખૂબ જ સારી રીતે આ ઉદ્યોગને આગળ લાવવા માટે વિચારી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.