સુરતના કડોદરા GIDCમાં વહેલી સવારે વિવાહ પેકેજિંગ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. બેઝમેન્ટ-ગ્રાઉન્ડ ફ્લોર અને પાંચ માળની આ ઈમારતમાં 125થી વધુ લોકો હાજર હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હોવાના કારણે પાંચ માળમાં રહેલા કારીગરોમાં ભયનો માહોલ છવાયો હતો. આ આગમાં હિંમત કરીને બચી જનાર અબ્દુલ્લા સમસુદીન શેખે જણાવ્યું હતું કે, સાથી કારીગરો જીવ બચાવવા ત્રીજા માળેથી નીચે કૂદી રહ્યા હતા. મેં પણ કૂદકો મારી દીધો તો બચી ગયો પણ કમર તૂટી ગઈ.
ત્રીજા માળેથી કૂદ્યો, કમર તૂટી ગઈ પણ જીવ બચી ગયો
અબ્દુલ્લા સમસુદીન શેખ (ઉ.વ. 30, રહે. આસામ) એ જણાવ્યું હતું કે 2 વર્ષથી સિલાઈ ખાતામાં કામ કરુ છું. પહેલી વાર જીવનમાં આવી દુર્ઘટના જોઈ, ત્રીજા માળે કામ કરી રહ્યો હતો. અચાનક ધુમાડો જોઈ બધા જ ડરી ગયા, નીચે જોયું તો આગ લાગી હતી. સાથી કારીગરો જીવ બચાવવા ત્રીજા માળેથી નીચે કૂદી રહ્યા હતા. મેં પણ કૂદકો મારી દીધો તો બચી ગયો પણ કમર તૂટી ગઈ, બસ એટલામાં જ સ્થળ પર આવેલી 108માં મને બેસાડી હોસ્પિટલ લઈ જવાયો હતો. સ્મીમેર હોસ્પિટલમાં 108માં આવનાર હું પ્રથમ દર્દી હતો. ત્યારબાદ 25-30 મિનિટમાં 50થી વધુને લવાયા હતા.
આ પણ વાંચોઃ નીચે આગ અને ઉપર જીવ બચાવવા મથામણ, સળગતી આગમાં રેસ્ક્યૂ ઓપરેશન
પાંચમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હોવાનું સ્પષ્ટ દેખાયું
મોહમ્મદ મુસ્તુફા (સિલાઈ કારીગર) એ જણાવ્યું હતું કે પાંચમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું હતું. ધુમાડાએ આખું બિલ્ડીંગ ઘેરી લીધું હતું અને ભાગમભાગ થઈ ગઈ હતી. નીચે ઉતરતા ધુમાડો શ્વાસ નળીમાં ઘૂસી જતા શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ ગઈ હતી. ડર લાગતો હતો. દોડીને છઠ્ઠા માળે ચાલી ગયા હતા. એક ક્ષણ માટે તો એવો વિચાર આવ્યો હતો કે નીચે કૂદી જીવ બચાવીએ, પછી મિત્ર સંજય કનોજીયાને પાઇપ પકડીને નીચે ઉતરતા જોઈ મેં પણ હિંમત કરી અને અમે બન્ને 50-60 ફૂટ નીચે પાઇપ પકડીને ઉતર્યા તો બચી ગયા હતા.
ધુમાડો જોઈ દોડીને નીચે ઉતરી ગયા
હસન મોહમ્મદ (સિલાઈ કારીગર) એ જણાવ્યું હતું કે નોકરીને અઢી મહિના જ થયા હતા. સવારેની ઘટના હતી. ત્રીજા માળે કામ કરી રહ્યો હતો. ધુમાડો જોઈ દોડીને નીચે ઉતરી ગયો હતો. આગ અને ધુમાડા વચ્ચે બહાર નીકળ્યા બાદ મહેસુસ થયું કે જીવતો છું. જીવનમાં પહેલીવાર મોતને સામે જોયું ને મોત સામે લડીને બહાર નીકળ્યો, લગ્નને એક વર્ષ જ થયું છે. માતા-પિતા અને પત્ની વતનમાં રહે છે અને મારી રાહ જોઈને બેઠા છે.
ફાયર વિભાગ દ્વારા 125 જણાને બચાવી લેવાયા
કડોદરા GIDCમાં વિવાહ પેકેજિંગ કંપનીમાં આગમાં લાગતા સુરતની 25થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈ આગ ઉગ્ર બની હતી. જેને લઈ 5 ફ્લોર પર આવેલા એમ્બ્રોડરીના કારખાનાના કારીગરોમાં ભયનો માહોલ ઉભો થયો હતો અને ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક ધાબા પર દોડી ગયા હતા. એક કર્મચારી નીચે કૂદી પડતા એનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કર્મચારીનો મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. હાઇડ્રોલિક ક્રેનની મદદથી 100-125 જણાને બચાવી લેવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.