સોનાના ઘરેણાંની ચોરી:સુરતનું પરિવાર કેન્સરની સારવાર માટે ચેન્નઈ ગયું ને ચોર ઘરમાંથી હાથ ફેરો કરી ગયો, તસ્કર CCTVમાં કેદ

સુરત16 દિવસ પહેલા
એપાર્ટમેન્ટના સીસીટીવીમાં ચોર થેલીમાં ઘરેણાં લઈ જતો કેદ.

સુરતના રાંદેર ટાઉનના પિંજરવાડ ખાતે આવેલ માસ્કન સાલેહ એપાર્ટમેન્ટના એક ઘરમાંથી ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. પરિવાર કેન્સરની સારવાર માટે ચેન્નઇ ગયું હતું અને તે મોકાનો લાભ લઇ અજાણ્યો તસ્કર ઘરમાંથી 8 લાખના સોનાના ઘરેણાં લઈ ફરાર થઇ ગયો. પરિવાર ચેન્નઇથી પરત આવ્યો ત્યારે ઘરમાંથી ચોરી થયાની જાણ થતા રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ચોરની હરકત એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામા કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કબાટમાંથી તમામ સોનાના દાગીનાની ચોરી.
કબાટમાંથી તમામ સોનાના દાગીનાની ચોરી.

પરિવાર માટે પડ્યા પર પાટું સમાન
સુરતના રાંદેર ટાઉનમાં આવેલા પિંજરવાડમાં રહેતા શેખ પરિવાર પર પડ્યા પર પાટું સમાન જેવો ઘાટ થયો છે. પરિવારનો એક સભ્ય કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યો છે. જેની સારી સારવાર માટે અઝીઉમ અબ્દુલ કાસમ શેખ પરિવાર સાથે ચેન્નઇ સારવાર માટે ગયા હતા. ગત 7 સપ્ટેમ્બરે પરિવાર ચેન્નઈ જવા નીકળ્યો હતો અને 8 સપ્ટેમ્બરના રોજ તેમના ઘરને અજાણ્યા તસ્કરે નિશાન બનાવી દીધું હતું. અજાણ્યા ચોર દ્વારા પરિવારની હલચલ પર નજર રખાતી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. કારણ કે પરિવાર જેવો ઘર બંધ કરી બહાર ગયો અને તેના બીજા જ દિવસે ચોર ઈસમ તેમના ઘરને નિશાન બનાવી ઘરમાંથી આઠ લાખથી વધુના સોના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પરિવાર ચેન્નઈથી પરત આવ્યું અને ઘરની સ્થિતિ જોતા ઘરમાંથી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી તાત્કાલિક તેમણે રાંદેર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.

સીસીટીવીમાં તસ્કર કેદ થઈ ગયો.
સીસીટીવીમાં તસ્કર કેદ થઈ ગયો.

ચોરની હરકત એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ
સુરતના રાંદેર ટાઉનના પિંજારવાડમાં આવેલ માસ્કન સાલેહ એપાર્ટમેન્ટના ઘરમાં ગત 8મી સપ્ટેમ્બરના રોજ ચોરીની ઘટના બની હતી. 205માં રહેતું અઝીજુલ અબ્દુલ કાસમ શેખ પરિવાર ચેન્નઇ ગયું હતું. જેની જાણ અજાણ્યા ચોરને થઈ હતી. જેથી 8 સપ્ટેમ્બરે ચોરી કરવાના ઇરાદે બિલ્ડીંગમાં પ્રવેશ કર્યો હતો. ચોરીના ઈરાદે બિલ્ડિંગમાં પ્રવેશ કરતો હોવાની તમામ હરકત બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચોર બિલ્ડિંગમાં પ્રવેશ કરી બંધ ઘરનું ડુપ્લીકેટ ચાવી વડે કે અન્ય કોઈ રીતે દરવાજો ખોલીને ઘરના કબાટમાં રહેલ તમામ સોના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પરિવારના અંદાજ મુજબ ચોર ઘરમાંથી આઠ લાખથી વધુની કિંમતના દાગીનાની ચોરી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરિવાર 11 સપ્ટેમ્બરે સુરત આવ્યું ત્યારે પોતાના ઘરે ચોરી થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇ પરિવાર દ્વારા રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ફરિયાદ નોંધ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...