મહિલા દિવસ વિશેષ:સુરતની દીકરીએ તાઇક્વાન્ડોની સ્પર્ધામાં શિખરો સર કર્યા, 17 ગોલ્ડ મેડલ મેળવીને દેશ-વિદેશમાં ભારતના પરચમ લહેરાવ્યો

સુરત5 મહિનો પહેલા
આકરી મહેનત કરીને ત્વિષાએ દેશ દુનિયાની સ્પર્ધામાં સફળતા મેળવી છે.
  • હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા રત્નકલાકારની દીકરી સ્પોર્ટ્સમાં ચમકી

સુરત શહેરના કતારગામ ખાતે રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા રત્નકલાકાર વિજયભાઈ કાકડિયાની 18 વર્ષીય દીકરી ત્વિષાએ તાઇક્વાન્ડો સ્પર્ધામાં 22 જેટલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલો મેળવીને સુરતનું ગૌરવ વધાર્યું છે.ઉપરાંત આંતરરાષ્ટ્રીય તાઇક્વાન્ડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અત્યાર સુધીમાં 17 ગોલ્ડ, 1 સિલ્વર, 4 બ્રોન્ઝ સહિત કુલ 22મેડલો પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું છે.ત્વિષાએ આ સફળતા મેળવવા માટે આકરી મહેનત પણ કરી છે.

ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરવાની સાથે છેલ્લા આઠ વર્ષથી તાઇક્વાન્ડો રમે છે.
ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરવાની સાથે છેલ્લા આઠ વર્ષથી તાઇક્વાન્ડો રમે છે.

આઠ વર્ષથી તાઇક્વાન્ડો રમે છે
મૂળ ભાવનગરના ઉમરાળા તાલુકાના તરપાળા ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલા કાકડિયા પરિવારની દીકરીએ રમતગમતની સંઘર્ષમય સફર ખેડીને સફળતા મેળવી છે. ત્વિષા ગજેરા વિદ્યાભવનમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરવાની સાથે છેલ્લા આઠ વર્ષથી તાઇક્વાન્ડો રમી રહી છે. જેણે દેશ-વિદેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક વિક્રમો પોતાના નામે કર્યા છે.

જિલ્લા ક્ષેત્રની સ્પર્ધામાં પ્રથમ ગોલ્ડ મેડલ મળતાં ઉત્સાહ બેવડાયો હતો.
જિલ્લા ક્ષેત્રની સ્પર્ધામાં પ્રથમ ગોલ્ડ મેડલ મળતાં ઉત્સાહ બેવડાયો હતો.

સેલ્ફ ડિફેન્સ શીખતા સ્પર્ધા જીત
ત્વિષા કાકડિયાએ પોતાની સંઘર્ષગાથા વિશે જણાવ્યું કે, હું 8 વર્ષની વયથી ટેકવેન્ડો રમું છું. રાજ્ય સરકારની યોજનાકીય સહાયથી મારી ટ્રેનિંગ વેસુ સ્થિત ડાયનામિક વોરિયર્સ એકેડેમીમાં ચાલી રહી છે. જેથી રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પીઠબળ મળ્યું છે. સેલ્ફ-ડિફેન્સ માટે માતા-પિતાએ મને સાત વર્ષની નાની ઉંમરે તાઇક્વાન્ડોની રમતમાં ભાગ લેવામાં માટે પ્રેરિત કરી હતી. શાળાના કોચે તાલીમ દરમિયાન મારી સુષુપ્ત પ્રતિભાને પિછાણીને આ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું., ખાસ કરીને માતા-પિતાએ મારી કારર્કિદીને નવી ઉડાન ભરવા માટે સજ્જ કરી હતી. તેમના સંપૂર્ણ સાથ સહકારથી જ મેં તાઇક્વાન્ડોની નિયમિત તાલીમ શરૂ કરી હતી. સૌપ્રથમ જિલ્લા ક્ષેત્રની સ્પર્ધામાં મને ટૂર્નામેન્ટનો પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો. જે મારા જીવનો મહત્વનો ટર્નિંગ પોઈન્ટ હતો, મારો ઉત્સાહ બેવડાતા સતત ત્રણ વર્ષ તાલીમ લઈ મધ્યપ્રદેશ ખાતે મારી પ્રથમ નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ત્રણ વર્ષ સુધી મેડલ ન મળવાં છતાં ત્વિષાએ નિરાશા અનુભવી નહોતી.
ત્રણ વર્ષ સુધી મેડલ ન મળવાં છતાં ત્વિષાએ નિરાશા અનુભવી નહોતી.

જોર્ડનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ
ખેલ જગતમાં ભારતનો દુનિયાભરમાં ડંકો વગાડનારી સુરતની તાઇક્વાન્ડો ગોલ્ડ મેડાલિસ્ટ ત્વિષા કહે છે,જીવનમાં એવા દિવસો પણ આવ્યા કે સતત તાલીમ કરવા છતાં ત્રણ વર્ષ મને એક પણ નેશનલ લેવલનો મેડલ પ્રાપ્ત થયો ન હતો. જેથી હું હતાશ થઈ ગઈ હતી. એવા સમયે પરિવાર અને કોચ દ્વારા મને આશ્વાસન આપી હિંમત વધારી હતી. અવિરત પ્રેક્ટિસના કારણે ત્રણ વર્ષ બાદ નેશનલ ટૂર્નામેન્ટમાં વધુ એક ગોલ્ડ જીતી શકી હતી, અને વર્ષ 2019માં જોર્ડન ખાતે યોજાયેલી 10મી એશિયન જુનિયર તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો. મારી કારકિર્દી માટે આ ઉજવવળ તક હોવા છતાં ઘરની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આ સ્પર્ધામાં ભાગ લેવો અસંભવ સમાન હતો. ત્યારે મારી એકેડમીના કોચ તથા મારી સાથે તાલીમ લેતા સાથીમિત્રોના પરિવારજનો મારી વ્હારે આવ્યા હતા. જેથી ફંડીગની સુવિધા થકી હું એશિયન ચેમ્પિયનશિપ રમવા ગઈ હતી. જેમાં ભારતનું પ્રતિનિત્વ કરી નેશનલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્યારથી લઈને હું સતત વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થઈ રહી છું.

દેશ વિદેશ સહિતની સ્પર્ધાઓમાં અનેક મેડલ મેળવ્યાં છે.
દેશ વિદેશ સહિતની સ્પર્ધાઓમાં અનેક મેડલ મેળવ્યાં છે.

ખૂબ સંઘર્ષ કર્યો
ત્વિષાએ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ પ્રાપ્ત કરવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. સવારે વહેલા 4 વાગ્યે ઉઠીને 25 કિમી દૂર વેસુ ખાતે પ્રેક્ટિસ માટે તેમના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા પિતા વિજયભાઈ ત્વિષાને લઈ જાય છે. ત્વિષાને સ્પોર્ટ્સમાં પુરતું ધ્યાન આપી શકે તે માટે મોબાઈલ અને ટીવીથી દૂર રહે છે. હોટલ અને રેસ્ટોરન્ટનું ફાસ્ટફૂડ અને જંકફૂડના બદલે ઘરનું સાત્વિક ભોજન કરે છે, અને દીકરીએ ઘરને ગોલ્ડ મેડલોથી ભરી દીધું હોવાનું ત્વિષાના પિતાએ જણાવ્યું હતું.

ત્વિષા હોટલ અને રેસ્ટોરન્ટનું ફાસ્ટફૂડ અને જંકફૂડ જમતી નથી.
ત્વિષા હોટલ અને રેસ્ટોરન્ટનું ફાસ્ટફૂડ અને જંકફૂડ જમતી નથી.

અલગ અલગ સ્પર્ધામાં મેદાન માર્યું
ત્વિષાએ સતત 8વખત ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જ્યારે ખેલ-મહાકુંભમાં 4 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવ્યા છે. કેડેટ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં 1 ગોલ્ડ, જૂનિયર ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં 1 ગોલ્ડ, નેશનલ સ્કુલ ગેમ્સમાં 1 ગોલ્ડ, 2 બ્રોન્ઝ, નેશનલ કેડેટ તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપમાં 1 ગોલ્ડ, ઈન્ડિયન ઓપન ઈન્ટરનેશનલ જી-1 ચેમ્પિયનશિપમાં 1 ગોલ્ડ, એશિયન જૂનિયર તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપમાં 1 બ્રોન્ઝ, ફેર ઓપન જુનિયર તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપમાં 1 બ્રોન્ઝ સહિત 17 ગોલ્ડ, ૧ સિલ્વર, 4 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શહેરનું નામ રોશન કર્યું હતું.

ત્વિષાને પરિવારનો પણ પૂરતો સપોર્ટ મળી રહે છે.
ત્વિષાને પરિવારનો પણ પૂરતો સપોર્ટ મળી રહે છે.

તાઇક્વાન્ડો ગેમ શું છે?
માર્શલઆર્ટ પ્રકારની તાઇક્વાન્ડો રમત મુળ દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય રમત છે. જેનો વર્ષ 2000થી બિજિંગ ઓલિમ્પિકથી ઓલિમ્પિક ગેમ્સમાં સમાવેશ કરાયો છે. હાથ અને પગની મદદથી રમાતી આ રમતમાં બે સ્પર્ધકોએ સર્કલમાં રમવાનું હોય છે. જેમાં સ્પર્ધક કમર પર બાંધેલા બેલ્ટથી નીચે મારી શકતો નથી. છાતી અને મોં પર હાથ અને પગ મારવાથી પોઈન્ટ મળે છે. જેમાં મોં પર કિક કે હાથ વાગતા 3 પોઇન્ટ જ્યારે પેટ પર હાથ કે પગ લાગતા 2 પોઇન્ટ મળે છે.