રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ સુરતીઓ ડરના માર્યા જાગી ગયા હતા. ખખડતી બારીઓ અને વરસાદ કે વીજળી વગરના વાવાઝોડાના અવાજથી જાગેલા સુરતીઓએ આકાશમાં જોયું તો સમગ્ર નભ લાલ થઈ ગયું હતું, જેથી ડરના માર્યા સુરતીઓએ ભૂકંપ આવ્યો હશે કે કેમ એવા ભયના માર્યા તર્કવિતર્ક શરૂ કરી દીધા હતા, જેમાં આખરે ખબર પડી હતી કે ONGC કંપનીમાં ગેસલાઈનમાં બ્લાસ્ટ થતાં આગ લાગી ગઈ છે. જોકે આગની જ્વાળા અને ધુમાડા અડાજણથી પણ સ્પષ્ટ દેખાતાં હતાં.
આખી કોલોની જાગી ગઈ
પીપલોદમાં રહેતા ડિમ્પલબેન પરમારે જણાવ્યું હતું કે,રાત્રિના લગભગ 3 વાગ્યાની આસપાસ થયેલા પ્રચંડ ધકાડાના અવાજને કારણે હું જાઈ ગઈ હતી. જાગીને ઘરની બહાર નીકળ્યા તો મારી જેમ જ આખી કોલોની જાગી ગઈ હતી ખૂબ ખરાબ વાતાવરણને ઘરની બહાર નીકળીને જોયું હતું. ડરનો માહોલ છવાયો હતો. અમને શરૂઆતમાં ભૂકંપ આવ્યો હોય તેવું લાગ્યું હતું, પરંતુ બાદમાં હજીરા તરફથી લાલ પ્રકાશ દેખાતો હતો, એટલે કોઈ દુર્ઘટના કંપનીમાં બની હોવાનું લાગ્યું, પરંતુ પછી અમને જાણ થઈ કે ONGC કંપનીમાં આગ લાગી છે.આવી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર તકેદારી રાખે એ જરૂરી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
હજીરા રહેતા મિત્રોને ફોન કરીને માહિતી મેળવી
પાલનપુર રહેતા રાહુલ ગાયવાલાએ જણાવ્યું હતું કે અમને ભૂકંપ જેવો અનુભવ થયા પછી હજીરાની કોઈ કંપનીમાં આગ લાગ્યાનો અંદાજ આવતાં જ હજીરા રહેતા મિત્રોને ત્રણ સાડાત્રણ વાગ્યાની આસપાસ ફોન લગાવ્યા હતા. એ લોકો પણ ભરનિંદરમાંથી જાગી ગયા હોઈ અને ONGC કંપનીમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડા ઊઠતાં હોવાનું તેમણે કહ્યું હતું. પછી એક વાત નક્કી થઈ કે ભૂકંપ નથી, પરંતુ ધીમે ધીમે માહિતી મળતી ગઈ તેમ ડર ઓછો થતો ગયો હતો.
ફાયરની ગાડીઓના અવાજથી આગ લાગ્યાની જાણ થઈ
અડાજણ વિસ્તારમાં રહેતા મોહિત પટેલે કહ્યું હતું કે અમને કંઈ ખબર નહોતી, પરંતુ અચાનક અમારા વિસ્તારમાંથી ફાયરબ્રિગેડની ગાડીઓના અવાજ આવવા લાગ્યા હતા, એટલે કંઈક અઘટિત થયું હશે એમ લાગ્યું હતું. જાગીને બહાર આવ્યા તો હજીરા બાજુથી આગની જ્વાળાઓ અને ધુમાડા ઊઠતાં હોવાનું દેખાતાં ત્યાં કંઈક દુર્ઘટના થઈ હશે તેમ લાગ્યું અને પછી એના વિશે માહિતી મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.