સુરતના વધતા વ્યાપ-વસ્તીની સાથે હવે ધંધાકીય ગતિવિધિ પણ ઝડપથી વધી રહી છે. કોરોના કાળના અત્યાર સુધીના અઢી વર્ષમાં શહેર-જિલ્લામાં કુલ 1 લાખ નવા GST નંબર લેવામાં આવ્યા છે. જીએસટી વિભાગના સૂત્રો કહે છે કે ઓનલાઇન ધંધો કરનારાઓએ વધુ નંબર લીધા છે ત્યારબાદ ખાણી-પીણી અને રેડિમેડ ગારમેન્ટસનો પણ સમાવેશ થાય છે.
એકલા કોરોના કાળમા 2021ના વર્ષમાં જ 40 હજાર જેટલાં નવા નંબર ઇશ્યુ થયા છે. જ્યારે વર્ષ 2022ના ચાર જ મહિનામાં દસ હજાર નવા વેેપારીઓ વધ્યાં છે. સી.એ. બિરજુ શાહ કહે છે કે શહેરની વસ્તી વધી રહી છે, વ્યાપ વધી રહ્યો છે અને નવા એરિયામાં નવી દુકાનો વધે છે ઉપરાંત યુવાનો પગભર થઈ રહ્યા છે જેથી જ નવા જીએસટી નંબરની ઇન્કવાયરી વધુ છે.
નવા નંબર માટે શરતો હળવી કરાઇ,આ વર્ષે નવા GSTનંબરનો આંક 70 હજારથી પણ વધુ પહોંચી શકે છે
નવા રજિસ્ટ્રેશનની સાથે જીએસટી વિભાગને હવે આવક વધવાની પણ શક્યતા દેખાઈ રહી છે. કોરોના વધવાની સાથે રજિસ્ટ્રેશન પણ વધ્યાં છે એવું જીએસટીના રેકર્ડ પર આવ્યું છે. વર્ષ 2020-21ની વાત કરીએ તો શહેર-જિલ્લામાં 45 હજાર જેટલાં નવા નંબર લેવાયા હતા જેમાં સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીનો સમાવેશ થાય છે જ્યારે વર્ષ 2021-22મા આ ફિગર વધીને 55 હજારની ઉપર ગયા છે. જ્યારે વર્ષ 2022માં એપ્રિલ સુધીના ફિગર જોઇએ તો દસ હજાર જેટલાં નંબર લેવાયા છે. અધિકારીઓને આશા છે કે વર્ષ 2022માં નવા નંબરનો આંક 70 હજારને વટાવી જશે.
ઓનલાઇન ધંધો વધ્યો, કોટ વિસ્તારમાં સંખ્યા ઓછી, સિટીલાઇટ પર નંબર લેનારા વધ્યા
નવા નંબર માટેની કેટલીક શરતો હળવી કરાઇ છે એટલે જ નંબર લેવામાં વેપારીઓને સરળતા રહે છે. અગાઉ ઘરમાંથી કોઈ ધંધો કરવા ઇચ્છે તો નંબર અપાતા નહતા. હજારથી વધુ આવી અરજીઓ રદ કરાયાની માહિતી સૂત્રો આપી રહ્યા છે. ઓનલાઇન ધંધો કરનારાઓ મોટી માત્રામાં નંબર લઇ રહ્યા છે. કોટ વિસ્તારમાં હાલ નંબર લેનારાઓની સંખ્યા ઓછી છે જ્યારે VIP રોડ, સિટી લાઇટ,વરાછા સહિતના એરિયામાં નંબર વધ્યાં છે.
સ્ટાર્ટઅપ-ઓનલાઇન બિઝનેસના લીધે સંખ્યા વધી: સીએ દીપ ઉપાધ્યાય
સી.એ. દિપ ઉપાધ્યાય કહે છે કે, હાલ ઓનલાઇન કારભાર વધ્યો છે. જેના લીધે પણ નવા રજિસ્ટ્રેશન વધી રહ્યા છે. આ ઉપરાંત સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ હબ છે એટલે આ ધંધાઓમાં પણ વેપારીઓની અવર-જવર રહેતી હોય છે. ઉપરાંત હીરાબુર્સ પણ સુરતમાં શરૂ થવા જઇ રહ્યો છે. નંબર શિફ્ટિંગ હોય કે નવા નવા નંબર હોય બધુ જ વધી રહ્યું છે. જે એક રીતે સુરતના વ્યાપારિક રીતે વધી રહેલાં વ્યાપને દર્શાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.