સુરતના કલાકારે ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ લાવનાર નીરજ ચોપડાની 10 કલાકમાં 5.5 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી રંગોળી બનાવી છે. નીરજ ચોપડાની આદામ કદની રંગોળી બનાવી અભિવાદન કરનાર અખ્તર ટેલરએ જણાવ્યું હતું કે, દેશનું સમગ્ર વિશ્વમાં ભાલા ફેંકથી ગૌરવ વધારનાર નીરજ પ્રત્યે દરેક દેશવાસીઓ ગૌરવ વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે મેં પણ મારી કલા થકી નીરજનું અભિવાદન કર્યું છે.
10 કલાકની મહેનતના અંતે રંગોળી બની
આર્ટીસ્ટ અખ્તર ટેલરએ જણાવ્યું હતું કે, ટોક્યો ખાતે આયોજિત ઓલિમ્પિકમાં ભારતનું ગૌરવ વધારનાર નીરજ ચોપડાની વાહવાહી દેશભરમાં થઈ રહી છે. નીરજ ચોપડાના કારણે ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. દેશના લોકો પોતપોતાની રીતે નીરજનું અભિવાદન કરવા માંગે છે. ત્યારે હું આર્ટિસ્ટ તરીકે પાછળ કેમ રહું, ભલે મારી ઉંમર 47 વર્ષની હોય પણ જુસ્સો તો હજી 20 વર્ષની ઉંમરનો જ છે. બસ આ જ આત્મબળ મને નીરજના વધામણા અને અભિવાદન કરવા માટે ઉત્સાહી કરી રહ્યો હતો અને એક ખાસ રંગોળી બનાવી સુરતમાં પણ નીરજનું નામ સુવર્ણ અક્ષરમાં રહે એ માટે સતત 10 કલાકની મહેનત બાદ તેઓ આ રંગોળી તૈયાર કરવામાં સફળ થયા છે.
નીરજની ભાલો ફેંકતી અદાની રંગોળી બનાવી
અત્યાર સુધીમાં 400થી વધુ રંગોળી બનાવનાર અખ્તર ટેલરે ઉમેર્યું કે, નીરજ ચોપડા પર બનાવેલી રંગોળી તેમના અને દેશ માટે એક ખાસ રંગોળી અને યાદગાર રંગોળી રહેશે, તેવું કહી શકાય છે. આ રંગોળીમાં નીરજની ગોલ્ડ મેડલ માટે ભાલો ફેંકતી ક્ષણને કંડારી છે. ભાલો ફેંકતી વખતે જે હાવભાવની રચના થઈ હતી. એ રચનાને આ રંગોળીમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ ભારત માટે ગોલ્ડ મેડલ લાવ્યા છે અને આપણું પણ કર્તવ્ય બને છે કે, તેમને આપણે બિરદાવીએ, જેથી આ રંગોળી બનાવી છે.
25 વર્ષથી રંગોળી બનાવે છે
અખ્તર ટેલરે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ રંગોળી બીલિમોરામાં તાજ મહેલની બનાવ્યા બાદ લોકોનું આકર્ષણ જોઈ એમના દ્વારા મળેલી શુભેચ્છાઓ જ મારૂ પ્રોત્સાહન બન્યું હતું. 25 વર્ષમાં માત્ર ગુજરાતમાં અનેક એક્ઝિબિશન કર્યા છે. નેશનલ અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ સાથે રાજસ્થાન અને અજમેરમાં 5 એક્ઝિબિશનમાં ભાગ લઈ સુરતનું જ નહીં દેશનું ગૌરવ વધાર્યું છે.અત્યાર સુધીમાં યાદગાર રંગોળીઓમાં અમિતાભ બચ્ચન,ક્રિકેટર સચિન તેંડુલકર,ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા,અબ્દુલ કલામ,તાજ મહેલ,સુરતના ઐતિહાસિક હોપ પૂલ અને કિલ્લો,રાજસ્થાનનો કિલ્લો, નવસારી બજારની પૂતળી,ધોલાઈ બંદરના ઉદઘાટન દરમિયાન મોદીના રૂટ પર માછલીઓ અને સ્ટીમર વગેરે મુખ્ય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.