સુરત:મહિલા અને પુરૂષ બ્રેઈનડેડ જાહેર થયા બાદ અંગદાન કરાતા 10 વ્યક્તિઓને નવું જીવન મળ્યું

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડાબે) છાયાબેન ચેતનકુમાર દેસાઇ અને (જમણે) મનુભાઈ છીબાભાઈ પટેલના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
(ડાબે) છાયાબેન ચેતનકુમાર દેસાઇ અને (જમણે) મનુભાઈ છીબાભાઈ પટેલના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
  • અનાવિલ બ્રાહ્મણ અને કોળી પટેલ સમાજની બે વ્યક્તિઓના અંગદાન કરાયા
  • કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરીને માનવતા મહેકાવી નવી દિશા બતાવી

અનાવિલ બ્રાહ્મણ અને કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ છાયાબેન ચેતનકુમાર દેસાઇ અને મનુભાઈ છીબાભાઈ પટેલના પરિવારોએ તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું છે. જેથી જરૂરીયાત મંદ 10 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. આ પરિવારોએ માનવતા મહેકાવવાની સાથે સાથે સમાજને નવી દિશા બતાવી છે.

છાયાબેનની તબિયત અચાનક લથડેલી
17 જુલાઇના રોજ છાયાબેન જમીને રાત્રે 8 કલાકે ટીવી જોતાં હતા ત્યારે એકાએક તબિયત બગાડતાં તેમને તાત્કાલિક ઉધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે INS હોસ્પિટલમાં ન્યૂરોફિજીશિયન ડૉ.અનિરુધ્ધ આપ્ટેની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા.

એક્સિડન્ટમાં મનુભાઈને ઈજાઓ પહોંચેલી
બીજા બનાવામાં સોમવાર 20 જુલાઇના રોજ મનુભાઈ સાંજે સવા સાત કલાકે મોરા ગામેથી પોતાના ઘરે બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે ડાંભર પાટિયા, ત્રણ સસ્તા પાસે રસ્તો ક્રોસ કરવા માટે ઉભા હતા ત્યારે એક અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા મનુભાઈ પોતાની બાઈક પરથી ફંગોળાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમણે તાત્કાલિક નવસારીની પારસી હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની INSહોસ્પિટલમાં ન્યૂરોફિજીશિયન ડૉ.અનિરુધ્ધ આપ્ટેની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. બંને કેસમાં નિદાન માટે સિટીસ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું.  18 જુલાઇના રોજ ન્યૂરોસર્જન ડૉ.અશોક પટેલે છાયાબેનની ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો.

પરિવાર અંગદાન માટે આગળ આવ્યું
બુધવાર, 22 જુલાઇના રોજ ન્યૂરોસર્જન ડૉ.અશોક પટેલ, ન્યૂરોફીજીશિયન ડૉ.અનિરુધ્ધ આપ્ટે, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.દીક્ષિત પટેલ અને ડૉ. અંકિત ગજ્જરે છાયાબેન અને મનુભાઈને બ્રેનડેડ જાહેર કર્યા.એનેસ્થેટિસ્ટ ડૉ.સમીર દેસાઇ તેમજ ન્યૂરોફીજીશિયન ડૉ.અનિરુધ્ધ આપ્ટેએ સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફનો સંપર્ક કરી છાયાબેન અને મનુભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી છાયાબેનના પતિ ચેતનકુમાર, પુત્ર ઋત્વિક, ભત્રીજા કૌશલ, ચિરાયુ તેમજ મનુભાઈના પત્ની મંજુલાબેન, પુત્ર ધવલ, પુત્રી દીપિકા, જમાઈ પ્રશાંતભાઈ, ભાઈ મગનભાઈ, સાળા ઠાકોરભાઈ, ચંદુભાઈ તેમજ બંને પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું.

પરિવારે અંગદાન માટે નિર્ણય કર્યો
છાયાબેનના પતિ અને પુત્રએ જણાવ્યુ કે છાયાબેન ખુબજ ધાર્મિક અને સેવાભાવી હતા. મનુભાઈના પુત્રએ જણાવ્યુ કે મારા પપ્પા અમને શિખામણ આપતા કે આપણે જીવનમાં હંમેશા બીજી વ્યક્તિને મદદરૂપ થવું જોઈએ. આ બંને પરિવારોએ જણાવ્યું કે આજે જ્યારે અમારું સ્વજન બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. વધુમાં મનુભાઈના પુત્ર ધવલે જણાવ્યું કે પપ્પા શિખામણ આપતા કે જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવું જોઈએ તો તેમના અંગદાન થકી તેમની શિખામણને આપ ચરિતાર્થ કરો.

લિવર, કિડની અને આંખોનું દાન કરાયું
બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું.અમદાવાદની ઈન્સ્ટીટ્યુ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ના ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમે આવી છાયાબેન અને મનુભાઈના કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે બંને વ્યક્તિના ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું.