ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ભાવ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી છે, જેમાં સુપ્રીમ કોર્ટે ખેડૂતોને બજાર ભાવ પ્રમાણે રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. જિલ્લા કલેક્ટર, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલ્યા બાદ DFTC કંપનીએ કામગીરી શરૂ કરી છે. આજથી ખેતરોમાં બુલડોઝર ચલાવીને કામ કરવામાં આવી રહ્યું છે, જેનો વિરોધ કરતાં ખેડૂતોએ કહ્યું હતું કે અમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ પ્રમાણે, બજાર ભાવ 15700ની જગ્યાએ માત્ર 2200થી 2500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે, સાથે જ અમે વિનંતી કરી કે હાલ શેરડીનો ઊભો પાક તૈયાર છે. 15 દિવસમાં શુગર ફેક્ટરી શરૂ થાય પછી અમે શેરડી લઈ લઈએ પછી કામગીરી શરૂ કરો, પરંતુ અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી. કંપની તરફથી કહેવાયું કે અમે ખૂબ લડત ચલાવીને કબજો મેળવ્યો છે. હવે અમારી જમીન છે, અમે તેના પર કામ કરી શકીએ છીએ..જોકે રડતી આંખે ઊભા પાક પર બુલડોઝર ફરતાં ખેડૂતોએ કહ્યું, થોડી તો માણસાઈ બતાવો..
સાડાત્રણ વર્ષથી લડત ચાલે છે
અનંતકુમાર પટેલએ જણાવ્યું હતું કે DFCC પ્રોજેક્ટ માટે ઉમરાથી ઉધના સુધીમાં 70થી 80 એકર જગ્યા ખેડૂતોની જગ્યા રિઝર્વેશન માટે મૂકી છે. ગુડઝ કોરિડોર માટે 100 જેટલા ખેડૂતો સાડાત્રણ વર્ષ હાઈ કોર્ટમાં મેટર ચાલી હતી. બજાર ભાવ પ્રમાણે વળતર માટે બાદમાં અમારી અરજી રદ થતાં અમે સુપ્રીમમાં ગયા હતા. ત્યાં આશરે બે વર્ષ કેસ ચાલ્યો હતો. હાલ નવા બજાર ભાવ પ્રમાણે ચુકવણાનો આદેશ સુપ્રીમ દ્વારા આપવામાં આવ્યો છે. 15700ની જગ્યાએ અમને 2200થી 2500 જેટલો રેલવે દ્વારા અવોર્ડ એટલે કિંમત ચૂકવવામાં આવી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને વધુ રૂપિયા ચૂકવાયા છે અને અમારી સાથે અન્યાય થયો છે.
અમને 15 દિવસ આપ્યા હોત તો પાક લઈ શકાયો હોત
ખેડૂત ધનસુખ પટેલનું કહેવું છે કે શુગર 15 દિવસ પછી શરૂ થવાની છે. હાલ લોકડાઉનમાં અમારે ઘણું સહન કરવું પડ્યું છે. ત્યારે હાલ શેરડીનો ઊભો પાક તૈયાર થઈ ગયો છે. દશેરા પછી શુગર શરૂ થશે. અમે વિનંતી કરી કે થોડા દિવસો આપો તો અમે પાક લઈ શકીએ, પરંતુ અમારી કોઈ રજૂઆત સાંભળવામાં આવી નથી.
અમે વધારાના પણ રૂપિયા ચૂકવ્યા છે- ઓથોરિટી
આર. કે. શ્રીધર (ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટર)એ જણાવ્યું હતું કે અમારી પાસે પજેશન આવી ગયું છે. રૂપિયા આપી દીધા બાદ અમે અમારી જમીન પર આ કામ કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડવામાં આવ્યો છે. 29થી 30 કરોડ રૂપિયા વધારાના પણ આપવામાં આવ્યા છે. અમે અમારા નિયમ મુજબ અવોર્ડ ખેડૂતોને આપ્યો છે. હવે અમે અમારી જમીન પર છીએ. ખેડૂતોને હજુ પણ વાંધો હોય તો તેઓ ફરિયાદ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.