સૌરાષ્ટ્રનો " ગેટ - વે " સુરત:સુરત બનશે સત્તા પરિવર્તન અને સત્તા મેળવવાનું કેન્દ્ર,મતદારોની નારાજગી મોટો રાજકીય ઊલટફેર કરી શકે

સુરત5 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
ગુજરાતની ચૂંટણીઓમાં સુરતથી સૌરાષ્ટ્રને જીતવાની દરેક પક્ષ રણનીતિ ઘડી રહ્યો છે.
  • વરાછા વિસ્તારમાં વસતા સૌરાષ્ટ્રીયનો મોટો ઉલટફેર કરવા સક્ષમ

સુરત શહેર આર્થિક અને સામાજિક ક્રાંતિનું કેન્દ્ર બન્યું છે. સુરત શહેરમાં જે પણ સામાજિક આર્થિક અને રાજકીય સ્થિતિ હોય છે. તેની સીધી અસર સૌરાષ્ટ્રમાં થાય છે. તેથી રાજકીય રીતે પણ સુરત શહેર અને સૌથી અગત્યનું છે. રાજ્યના દરેક જિલ્લાના નાગરિકે સુરતમાં વસવાટ કરે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરતનો વરાછા અને કતારગામ વિસ્તાર સૌરાષ્ટ્રીયોની વસતી તરીકે જાણીતો છે. વરાછા, કાપોદ્રા, યોગીચોક, પુણા, સરથાણા, કતારગામ વગેરે વિસ્તારોમાં સૌરાષ્ટ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં રહે છે. તેથી સુરત શહેરનો કોઈપણ વિચાર એ સીધો સૌરાષ્ટ્રમાં સ્પર્શે છે. જેના થકી સુરત શહેરનું સામાજિક અને રાજકીય મહત્વ વધુ છે. વરાછા અને કતારગામના નારાજ મતદારોની સીધી અસર સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ પડી શકે છે.રાજકીય પક્ષોનેસૌરાષ્ટ્રમાં સફળ થવા માટે સુરતથી તેનો ગેટ - વે મળી શકે છે. સુરત શહેરનું મહત્વ તમામ રાજકીય પાર્ટી સમજે છે અને તેથી જ સુરતના માર્ગ અપનાવીને સૌરાષ્ટ્ર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

સત્તાપક્ષથી નાખુશ લોકોએ 27 બેઠકો 'આપ'ને આપી
સુરતમાં સત્તાપક્ષના કામકાજથી લોકોમાં નારાજગી વધી છે. જેના કારણે જ ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને 27 બેઠકોનું નુકસાન થયું છે. સાથે જ વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટીને પાછળ છોડીને સુરતમાં આમ આદમી પાર્ટીએ પોતાનું સ્થાન જમાવી દીધું છે. આજે સુરતમાં સ્થિતિ એવી થઇ રહી છે કે, સ્થાનિક મુદ્દાઓમાં વિશેષ કરીને પ્રાથમિક સુવિધાઓને લઈને જોવા મળતો રોષથી રાજકીય ફેરફાર થવાની શક્યતાઓને નકારી શકાય નહીં.

પ્રાથમિક સમસ્યાઓથી લોકો નારાજ
સુરતમાં અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જેથી લોકો સત્તાપક્ષથી નાખુશ છે. તેની પાછળનું કારણ સુરતના સરથાણા, પુણાગામ, યોગી ચોક, ડભોલી, સીમાડા વગેરે વિસ્તારોની અંદર આજે પણ રોડ રસ્તા ને લઈને ભારે હાલાકી છે. ક્યાંક ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જવાની વાત હોય, ખાડીની આસપાસના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય, ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ, પાણી વેરા, સોસાયટીઓના આંતરિક રસ્તાની બિસ્માર સ્થિતિ આવા અનેક સ્થાનિક સુવિધાઓના પ્રશ્નને લઇને ભાજપના શાસકો લોકોના નિશાને રહ્યા છે. તેના કારણે કોર્પોરેશનની ચૂંટણી કે જેમાં સૌથી વધારે સ્થાનિક મુદ્દાઓની ચર્ચા થતી હોય છે. તેમાં ભાજપને ધારણા કરતા ઓછી સફળતા મળી છે.

સુરતના વરાછામાં આપ પક્ષનો વિજય થતાં સૌરાષ્ટ્ર તરફ નજર દોડાવી છે.
સુરતના વરાછામાં આપ પક્ષનો વિજય થતાં સૌરાષ્ટ્ર તરફ નજર દોડાવી છે.

કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ
પાટીદાર વિસ્તારોમાં સૌથી વધુ આપને બેઠકો મળી છે. જે બતાવે છે કે, સૌરાષ્ટ્રવાસીઓ ભાજપની સ્થાનિક સત્તાથી નારાજ છે. આ તમામ વિસ્તારોમાં લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. કોર્પોરેશનની ચૂંટણીમાં પાટીદારોએ જ આપના ઉમેદવારોને મત આપીને વિજય બનાવ્યા છે. પાટીદાર ઈફેક્ટ સીધી રીતે કામ કરતી દેખાઈ રહી છે. વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટીને હાંસિયામાં ધકેલીને પાટીદાર મતદારોએ ભાજપને મત નહીં આપીને આમ આદમી પાર્ટીના નવા કોર્પોરેટરને ચૂંટીને કોર્પોરેશનમાં મોકલ્યા છે. ભાજપને પણ આ પ્રકારની સફળતા આમ આદમીને મળશે એવું વિચાર્યું નહોતું.

સુરતમાં વસતા લોકોની સીધી અસર સૌરાષ્ટ્રમાં થાય છે.
સુરતમાં વસતા લોકોની સીધી અસર સૌરાષ્ટ્રમાં થાય છે.

સુરતની સફળતાથી આપે સૌરાષ્ટ્રમાં નજર દોડાવી
પાટીદારોના ગઢમાં આપે સફળતા મેળવતાં હવે તેઓ સુરતથી સૌરાષ્ટ્ર તરફ નજર માંડીને બેઠા છે. આપ પાટીદારોમાં ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જાણે છે કે, પાટીદારો ભાજપથી વિમુખ થયા છે. તેનો લાભ લઈને હવે આમ આદમી પાર્ટીને આખે આખું સંગઠન સુરતના પાટીદાર વિસ્તારોમાં સક્રિય થઇ ગયું છે. જે પણ લોકો ભાજપના સત્તાધીશોથી દુઃખી છે. તેઓને પોતાની તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે, કોર્પોરેશનની ચૂંટણીમાં પાટીદારો રોજ સત્તા પક્ષ તરફ સીધો જોવા મળ્યો હતો. ભાજપના નેતાઓનો વિરોધ કે, તેમની કાર્ય કરવાની શૈલીનો પણ વિરોધ કરતા દેખાયાં હતાં.

વરાછા અને કતારગામના લોકો શાસક પક્ષથી નારાજ હોવાની છબી સામે આવી રહી છે.
વરાછા અને કતારગામના લોકો શાસક પક્ષથી નારાજ હોવાની છબી સામે આવી રહી છે.

પ્રાથમિક સુવિધાનો વર્ષોથી અભાવ
વરાછાના સ્થાનિક અજય પટેલે જણાવ્યું કે, વર્ષોથી સુરત કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. છતાં પણ આજે ચારે તરફ લોકો પ્રાથમિક સુવિધાને લઈને બૂમરાણ મચાવે છે. સુરતના સીમાડા યોગીચોક જેવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્ષોથી જોવા મળી રહ્યો છે. છતાં સત્તાધીશો દ્વારા તેને ગંભીરતાથી લેતા નથી. લોકો એ જ પાર્ટીને પસંદ કરે છે જે તેમની પડખે ઉભો રહે છે, અને તેમના કામોને પૂર્ણ કરે છે.

શહેરના સ્થાનિક પ્રશ્નોને લઈને લોકો સતાપક્ષથી નારાજ હોવાનું સામે આવ્યું છે.
શહેરના સ્થાનિક પ્રશ્નોને લઈને લોકો સતાપક્ષથી નારાજ હોવાનું સામે આવ્યું છે.

સુરત સત્તા પરિવર્તનનું કેન્દ્ર બનશે
પાટીદાર હિરેન પદમાણીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં સફળ થવું હશે, તો સ્વાભાવિક રીતે જ રાજકીય પાર્ટીએ સુરતમાં મતદારોને કામ કરીને રીઝવવા પડશે. સુરત એ રાજકીય એપી સેન્ટર બની ગયું છે. તેથી સુરતની અંદર આવતા ક્રાંતિની સીધી અસર સૌરાષ્ટ્રમાં થાય છે. ગુજરાતમાં સત્તા પરિવર્તન કેન્દ્ર પણ સુરત બનશે. વલ્લભભાઈ ચોથાણીએ જણાવ્યું કે, સુરતની જનતાની નારાજગી કોઈપણ રાજકીય પાર્ટી માટે ખૂબ મોટું નુકસાન પૂરવાર કરી શકે છે. સુરત આર્થિક સ્થિતિ અને સામાજિક સિદ્ધિની જો સીધી અસર સૌરાષ્ટ્રમાં થતી હોય તો રાજકીય આ રીતે પણ સુરતનો જે માહોલ હશે, તેવો જ મહત્વ સૌરાષ્ટ્રમાં બનશે. કેમકે દરેક બાબતોનો વિચાર ક્રાંતિનું કેન્દ્ર સુરત શહેર છે.

અન્ય સમાચારો પણ છે...