ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ-2020 કરાવ્યું હતું. જેમાં ગુજરાતની આર્થિક રાજધાની સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો હતો. જેથી આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત સુરતને બીજા ક્ર્મ મેળવવા બદલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિના હસ્તે મેયર હેમાલી બોઘાવાલી અને શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા તથા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ સન્માન સ્વિકાર્યું હતું. સ્વચ્છતા એવોર્ડ આપવાની સાથે સાથે રાષ્ટ્રપતિએ કહ્યું કે, એવોર્ડ મેળવનારા તમામ શહેરોને મારી શુભેચ્છા છે. આ હવે તમારી જવાબદારી પણ છે કે, તમે સ્વચ્છતાને જાળવી રાખશો અને નવા માપદંડ ઉભા કરશો.
ઈન્દોરનો પહેલો નંબર યથાવત
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન એફર્સ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં 6000 માર્ક્સ રાખવામાં આવ્યા હતા જેમાંથી સુરતને 5519.59 માર્કસ મળ્યા હતા. ઇન્દોર પહેલા સ્થાને રહ્યું છે.ઈન્દોર સતત પાંચમાં વર્ષે પ્રથમ ક્રમે રહ્યું હતું. ટોપટેનમાં ગુજરાતના સુરતના બીજા ક્રમે રહ્યું હતું. જેથી આજે સુરત સહિતના નંબર મેળવનારા શહેરોના પ્રતિનિધિઓના સન્માન કરવામાં આવ્યાં હતાં.
સુરતે 1 લાખ દસ્તાવેજ અપલોડ કર્યા
સુરતને સર્ટીફીકેશન, સિર્વસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન અને સીટીઝન ફીડબેકના આધારે માર્કસ મળ્યા છે. એક લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં સુરતને બીજો ક્રમ મળ્યો હતો. ઉપરાંત ગાર્બેજ ફ્રી સ્ટાર રેટીંગમાં ફાઈવ સ્ટાર તથા ઓડીએફ પ્લસ પ્લસનું પ્રમાણપત્ર પણ સુરતને અપાયું છે. તેમાં 1500માંથી 1300 માર્કસ મળ્યા છે. સર્વેક્ષણ અંતર્ગત મ્યુનિ.એ 1 લાખથી વધુ દસ્તાવેજો અપલોડ કર્યા હતા. તેમાં સુરતને 1500માંથી 1350 માર્કસ મળ્યા છે. સ્વચ્છતા એપ તથા અભિપ્રાય માટેની કામગીરીમાં 1500માંથી 1369 માર્કસ મળ્યા છે.મહત્વપૂર્ણ છે કે,2019માં ડોક્યુમેન્ટેશન અને સિટીઝન ફીડબેકમાં પાછળ રહેતા 14માં ક્રમે ધકેલાઇ ગયેલા સુરતને હાલમાં કોરોનાકાળમાં બીજો ક્રમ મળતા કર્મચારીઓના મનોબળમાં વધારો થયો હતો.
રી યુઝ અને રીસાઈકલમાં નોંધપાત્ર કામગીરી
સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં રીયુઝ અને રીસાઈકલની કામગીરી પણ ઘણી જ અગત્યની છે જેમાં સુરત મ્યુનિ. દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. ખજોદ ખાતે ઈકોલોજીકલ સાઈટ બનાવી છે જેથી કચરાનું ઉત્સર્જન ઘટયું છે અને કન્ટેનર પણ હટાવી દેવાયા છે. દેશના અન્ય શહેરોની સરખામણીમાં પે એન્ડ યુઝ પણ ઘણા સારા છે સુરતમાં સ્વચ્છતાં માટે જેટલો ખર્ચ થાય છે એટલી આવક પણ ઉભી કરાય છે. ઉપરાંત ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ઈન્ડસ્ટ્રીઝને પાણી આપીને આવક ઉભી કરે છે. આ પ્રક્રિયાથી ગંદુ પાણી નદીમાં જતું નથી અને સ્વચ્છતાં જળવાય છે.
સુરતીઓ માટે ગર્વની ક્ષણઃ મેયર
મેયર હેમાલી બોઘાવાલીએ જણાવ્યું હતુ કે, સિધ્ધિનો શ્રેય સુરતીઓ સાથે સુરત શહેરની સફાઈની કામગીરી કરતાં સફાઈ દુત છે. સુરત શહેર હાલના કપરા સમયમાં જે ફરજ બજાવી રહ્યું છે તેમાં ટીમ એસએમસી અને કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. સુરતનો બીજો ક્રમ તમામ સુરતીઓ માટે ગૌરવની વાત છે.સુરતીઓ માટે આ ગર્વની બાબત છે.
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં દેશમાં અવ્વલ 1 પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત પાલિકાએ દેશમાં સૌપ્રથમ ભટાર ખાતે પ્લાસ્ટિક પ્લાન્ટ શરૂ કર્યું હતું. 2 એર પોલ્યૂશન ઘટાડવા પાલિકાએ મિકેનિકલ સ્વિપર મશીનની સંખ્યા વધારી. આ કાર્ય રાતે 11 વાગ્યા પછી મધરાત સુધી શહેરમાં ચાલે છે. 3 સોસાયટીઓમાં જ ઓર્ગોનિક વેસ્ટ કન્વર્ટર ઇન્સ્ટોલ કરાયાં, આ કન્વર્ટર મશીનથી કચરો ખાતરમાં રૂપાંતર થયો. 4 પાલિકાના 21 હજાર કર્મીઓને પણ ઘરના એઠવાડને ઘરમાં જ કમ્પોઝ કરી તેનું ખાતર બનાવી બાગ-બગીચાઓને આપવાની પ્રતિજ્ઞા લેવડાવાઇ હતી. 5 ખજોદમાં કચરાના ડુંગરને સ્થળ પર જ ડમ્પિંગ કરી વેસ્ટ ઉપર જ પ્લાન્ટથી લેયર બનાવવામાં આવ્યાં છે. 6 સિટીઝન ફિડબેક મેળવવાની જાગૃતિ કેળવવા માટે વોલ તથા ટ્રિ પેઇન્ટિંગ્સ અસરકારક સાબિત થયાં. 7 ગંદકી અને એઠવાડની ફરિયાદ એક ક્લિક પર થાય અને ગણતરીના સમયમાં તેની સફાઇ કરવા બનાવેલી એન્ડ્રોઇડ સ્વચ્છતા એપથી લોકો પાલિકાની કામગીરી તરફ આકર્ષાયા છે. આ લોકોને એપ સાથે જોડી રાખવા પાલિકાએ દાખવેલી સક્રિયતા વધુ અસરકારક સાબિત થઇ છે.
ગંદા પાણીને ટ્રીટ કરી 140 કરોડની આવક
દૈનિક 115 MLD ગંદું પાણી ટ્રીટ કરી રિયૂઝ કરાય છે : સુરત પાલિકા સિવેઝ વોટરને વિવિધ ટર્સરી ટ્રિટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધ કરવામાં અને તેના રિયૂઝમાં પાવરધા સાબિત થયું છે. હાલમાં 115 એમએલડી ગંદા પાણીને પ્રોસેસના આધારે ઉપયોગમાં લેવાય છે. વર્ષે 140 કરોડ રૂ.ની આવક થઈ રહી છે.
ખાડીની 68હેક્ટર જમીનમાં 6 લાખ છોડ રોપી ગંદકી દૂર કરાઇ : અલથાણમાં સાડા ત્રણ કીલો મીટર લાંબી ખાડી કે જ્યાં એક સમયે લોકો નાક દાબી પસાર થતા હતાં ત્યાંની 68 હેકટર જમીનમાં પાલિકાએ 6 લાખ છોડવા અને અલગ અલગ પ્રકારના 85 વૃક્ષો રોપી બાયોડાયવર્સિટી પાર્ક બનાવ્યું છે.
સફાઇ કર્મીઓના સ્વાસ્થ્યની સંભાળ, હેન્ડ ગ્લોવ્ઝથી PPE કીટનું વિતરણ
સુરત સફાઇ કર્મીઓના સ્વાસ્થ્ય અંગે વિવિધ તબક્કે નવા નિયમો અમલી બનાવ્યાં છે. સફાઇ કર્મીઓની રાબેતા મુજબ આરોગ્ય રક્ષણ કીટનું વિતરણ કરાઇ રહ્યું છે.
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટઃ રોજ દોઢ લાખ દૂધની થેલી એકત્ર કરાય છે : દૈનિક 75 ટન પ્લાસ્ટિક વેસ્ટને રિસાઇકલ કરવામાં આવે છે. આ કાર્ય માટે સુમુલ ડેરી સાથે જોડાણ પણ કરાયું છે. દૈનિક દોઢ લાખ દૂધની થેલી એઠવાડથી વર્ગીકરણ કરવામાં આવે છે.
1 લાખથી વધુ દસ્તાવેજો અપલોડ કરાયા હતા
સ્વચ્છ સર્વેક્ષણ-21ની માર્ગદર્શિકા મુજબ સર્વિસ લેવલ પ્રોજેક્ટ કેટેગરીમાં સુરત શહેર દ્વારા કુલ 1 લાખથી વધુ દસ્તાવેજો અપલોડ કરયા હતાં. જેના આધારે 2400માંથી 2238.05 ગુણ પ્રાપ્ત થયા છે. જ્યારે સર્ટિફિકેશન કેટેગરીમાં વોટર પ્લસ અને 5 સ્ટાર રેટિંગ માટે 1800માંથી 1600ગુણ પ્રાપ્ત થયા છે. સિટીઝન વોઇસ કેટેગરીમાં નાગરીકોના પ્રતિભાવ, સ્વચ્છતા એપ, પ્રત્યક્ષ નિરિક્ષણ, ઇનોવેશન અને સિટીઝન એન્ગેજમેન્ટ હેઠળ કુલ 1800માંથી 1721.15 ગુણ પ્રાપ્ત થયાં છે.
14 હજાર સફાઇ સેવકો અને 23 મિકેનિકલ સ્વીપરથી રાત-દિવસ સફાઇ: શહેરમાં રોજ સવારે પાલિકાના 14 હજાર સફાઇ કર્મીઓ શહેરમાં ગંદકીની સફાઇમાં જોતરાઇ જાય છે. આ સાથે જ નાઇટ બ્રશિંગ પ્રક્રિયામાં પાલિકાના 23 મિકેનિકલ સ્વિપર સહિત કોન્ટ્રાક્ટ હેઠળના સફાઇ કર્મીઓ મધરાત સુધી શહેરને સ્વચ્છ રાખવામાં પાવરધા સાબિત થયાં છે.
સુરતીઓનો આભાર : હવે પાલિકા અને લોકોની ભાગીદારીથી નંબર 1 બનવા મહેનત કરીશું વોટર પ્લસ સિટીમાં ફાઈવ સ્ટાર રેટિંગ મળતાં આપણે બીજા નંબર પર ટકી શકયા છે. હવે, પાલિકાની ટીમ અને લોકોની ભાગીદારીથી નંબર-1 માટે મહેનત કરીશું. > બંછાનિધિ પાની, પાલિકા કમિશનર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.