સુરતના ટેકસ્ટાઇલ્સ માર્કેટ વિસ્તારમાં લેભાગુ ટોળકી ફરી એક વખત સક્રિય બની છે.જ્યાં આ ટોળકીએ માર્કેટના 25 જેટલા વેપારીઓ સાથે અંદાજિત 4 કરોડ સુધીની છેતરપિંડી આચરતા ભોગ બનેલા વેપારીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.કુબેરજી વર્લ્ડ ટેકસ્ટાઇલ્સ માર્કેટમાં રુદ્રાક્ષ ટેક્સ્ટાઇલ્સ નામથી વેપાર કરતા સંજય કનૈયાલાલ ખત્રી સામે સુરત રીંગરોડ ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા રૂપિયા સાડા 4 કરોડની છેતરપીંડીનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ક્યાં છેતરપિંડીનો ભોગ બનેલા 25થી વધુ વેપારીઓએ આ અંગે સુરત ફોસ્ટાને રજૂઆત કરતાં તમામ વેપારીઓના પ્રતિનિધિ મંડળે સુરત પોલીસ કમિશનરના દ્વાર ખટખટાવ્યા છે.
કમિશનરને રજૂઆત
છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ રુદ્રાક્ષ ટેક્સટાઈલના વેપારી સંજય કનૈયાલાલ ખત્રી સામે ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, અલગ-અલગ માર્કેટના કુલ 25થી વધુ વેપારીઓ પાસેથી સાડા ત્રણ કરોડથી 4 કરોડ રૂપિયા સુધીનો ગ્રે કાપડ અને સાડીનો માલ ઉધાર પેટે લઈ ઠગબાજ વેપારી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. એટલું જ નહીં વેપારીઓ પાસેથી છેતરપીંડીથી મેળવેલ કરોડો રૂપિયાનો માલ જયપુર ખાતેના વેપારીને વેચી માર્યો હોવાના પણ આક્ષેપ કરાયા છે. જ્યાં આ મામલે કાર્યવાહીની માંગ સાથે વેપારીઓએ સુરત પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરતાં પોલીસ કમિશનરે પણ આ મામલે યોગ્ય તપાસની ખાતરી આપી છે.
નાણા ફસાયા
ટ્રેડર્સ વેલ્ફેર કમિટીના ચેરમેન ગોકુલ બજાજે જણાવ્યું કે, ટેક્સ્ટાઇલ માર્કેટમાં હાલ તો 25 જેટલા વેપારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે. જે આંકડો હજુ વધી શકે તેવી શક્યતા છે. પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ તેમણે કહ્યું કે, લેખિતમાં અમને અરજી આપો ક્યા વેપારીના કેટલા રૂપિયા ગયા છે. અમે તમામ માહિતી આપી છે. છેતરપિંડી કરનારાએ તમામની જયપુરમાં વેચ્યો હોવાની પણ માહિતી પોલીસ કમિશનરને આપવામાં આવી છે. અમને આશા છે કે, પોલીસ કમિશનર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લે છે. જે પણ ટ્રેડર્સ નાણા ફસાયા છે. તે ઝડપથી અમને મેળવી આપવામાં મદદરૂપ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.