હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી માદરે વતન જવા માટે સુરત એસટી બસ ડેપો ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે વતન જઈ રહ્યા છે. તો બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. છેલ્લા 4 દિવસમાં એસટી વિભાગે 565થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવી હતી. જેને લઈને 73 લાખથી વધુની આવક એસટી વિભાગને થઇ છે.
વધારાની બસો દોડાવતા મુસાફરોને રાહત
સુરતએ મીની ભારત તરીકે જાણીતું શહેર છે. અહીં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને છતીસગઢ તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી લાખોની સંખ્યામાં લોકો વસે છે અને રોજગારી મેળવે છે. વાર-તહેવારે આ લોકો માદરે વતન જતા હોય છે. ત્યારે હોળી ધૂળેટીના પર્વને લઈને લોકો માદરે વતન જઈ રહ્યા છે. સુરતના એસટી બસ ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ છોટાઉદેપુર તરફ મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોની ભીડને ધ્યાને લઈને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી હતી.
એસટી વિભાગને થઈ આવક
સુરત એસટી વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે સુરત એસ.ટી. વિભાગ દ્વારા હોળી ધુળેટીના પર્વ નિમિત્તે તારીખ 3, 4 અને 5ના રોજ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં અંદાજીત 50 હજારથી વધુ મુસાફરોએ લાભ લીધો છે. તેમજ એસટી વિભાગને 73 લાખથી વધુની આવક થવા પામી હતી.
ક્યાં કેટલી એસટી બસો દોડી?
સુરતથી દાહોદ 156, સુરતથી ઝાલોદ 200, સુરતથી લુણાવાડા 11, સુરતથી છોટાઉદેપુર 10, સુરતથી કાવટ 7, રામનગર ઝાલોદ 58, સુરતથી અમદાવાદ 16 અને ગોરીગરમાં 107 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.