સ્કૂલ ચલે હમ:સુરતમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓનું શાળાના પ્રવેશ દ્વાર પર ફૂલો પાથરી ખંજરી વગાડી સ્વાગત,40% સ્ટુડન્ટ હાજર રહ્યાં

સુરત10 દિવસ પહેલા
ખંજરી વગાડીને વિદ્યાર્થીઓને ગેટથી ક્લાસ રૂમ સુધી લઈ જવામાં આવ્યાં હતાં.
  • બાળકોએ ખુશ થઈને શિક્ષકોને શાળા શરૂ કરવા માટે " થેંક્યુ" કહ્યું

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 5ના વર્ગોને શરૂ કરવાની જાહેરાત કરતાની સાથે જ સુરત શહેરમાં વિવિધ સ્કૂલોમાં અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લાંબા સમય બાદ બાળકો પોતાની શાળાએ આવતા બાળકો અને શિક્ષકોમાં એકસરખો ઉત્સાહ દેખાયો હતો. શિક્ષકોએ પ્રવેશદ્વાર ઉપર ફૂલો પાથરીને ભૂલકાઓનું સ્વાગત કર્યું. તો બીજી શાળાઓમાં બાળકોને ખંજરી વગાડીને નાચગાન સાથે વર્ગખંડ સુધી લઈ જવાયા. બાળકોને તિલક કરી ચોકલેટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો. બાળકોને મુકવા આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ દેખાયા હતા.આજે 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

40 ટકા બાળકોની હાજરી જોવા મળી
શાળાઓમાં ઓફલાઈન વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ધીરે ધીરે વધારો થતો દેખાઈ રહ્યો છે. બાળકો આજે પોતાની શાળા ઉપર સંમતિ પત્ર સાથે પહોંચ્યા હતા. વાલીઓએ પણ ઉત્સાહભેર સંમતિ પત્ર લઈને પોતાના બાળકોને શાળાએ પ્રવેશ કરાવ્યો હતો. છેલ્લા દોઢ-બે વર્ષથી શાળાનું શૈક્ષણિકને કોરોના સંક્રમણના લીધે મોટી હાનિ પહોંચી છે. આખરે આથી બાળકો ઓફલાઈન શિક્ષણ મેળવવા માટે શાળાએ પહોંચ્યા હતા. કેટલીક સ્કૂલોમાં 20% તો કેટલીક સ્કૂલોમાં 40 % જેટલી બાળકોની હાજરી જોવા મળી હતી.

શાળાઓમાં હળવા વાતાવરણમાં વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યાં હતાં.
શાળાઓમાં હળવા વાતાવરણમાં વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યાં હતાં.

ખંજરી વગાડી સ્વાગત કરાયું
સુમલ રોડ ઉપર આવેલી ધ બ્રાઇટ લેન્ડ ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તનું પટેલે કહ્યું કે, અમે શાળાના ગેટ પર આવેલા વિદ્યાર્થીઓને ખંજરી વગાડતા વગાડતા શાળાના વર્ગ સુધી લઈ ગયા હતા. બાળકોમાં ઉત્સાહનો સંચાર થાય પોતાની શાળાએ તેનું સ્વાગત થઈ રહ્યું છે એવો તેમને ભાવ થાય તેવા હેતુથી અમે આ પ્રકારનું આયોજન કર્યું હતું. દોઢ-બે વર્ષના સમયગાળા બાદ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને જોયા છે તેનો આનંદ પણ તેમના ચહેરા ઉપર હતો અને અમે પોતે પણ આ બાળકોથી દૂર હતા આજે વર્ગખંડ શરૂ થતા અમે પણ ખૂબ જ ઉત્સાહી હતા. વાલીઓ પોતાના બાળકોની સાથે સંમતિ પત્ર મોકલ્યા હતા. તમામ બાળકો હર્ષભેર શાળામાં પ્રવેશ્યા હતા. બાળકોને છેલ્લા થોડા સમયથી જે પ્રકારે અભ્યાસમાં મુશ્કેલી થઈ છે એ તમામ મુશ્કેલીઓને દૂર કરવાનો અમારા માટે મોટો પડકાર છે.