સચિનની સાઈનાથ સોસાયટીમાં બહેન સાથેના ઝઘડામાં સમાધાન માટે ગયેલા ભાઈને પાડોશી એ ચપ્પુના 3 ઘા મારી પતાવી દીધો હતો. એટલું જ નહીં બચાવવા દોડેલા પિતરાઈ ભાઈને પણ ઘા મારી હુમલાખોર પાડોશી ભાગી ગયો હતો. 3 દિવસ પહેલા જ બહેન વતનથી આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું.
પાડોશીઓને સમજાવવા ગયો હતો
ઇકબાલ અલી (મૃતકનો ભાઈ) એ જણાવ્યું હતું કે ચાર ભાઈ અને એક બહેનમાં દિલબર શૌકત અલી (ઉ.વ. 18) ત્રીજા નંબરનો ભાઈ હતો. યુપીથી રોજગારીની શોધમાં આવ્યો હતો. બોબીન ભરવાનું કામકાજ કરી પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો.ત્રણ દિવસ પહેલા જ બહેન શબનમ વતન યુપીથી આવી હતી. એક જ સોસાયટીમાં રહેતા હોવાથી બહેનના નાના મોટા કામમાં મદદરૂપ થતાં હતાં. શુક્રવારના રોજ બહેન સાથે પાડોશીનો ઝઘડો થયો હોવાની જાણ બાદ દિલબર પાડોશીઓને સમજાવવા ગયો હતો.
બચાવવા પડેલાને પણ ઈજા
બહેન અને પાડોશીઓ વચ્ચે ચાલતી તુતું મેમે ને લઈ દિલબરે મધ્યસ્થી કરી ઝગડો પતાવી દેવાનો પ્રયાસ કરતા પાડોશી એ દિલબર ને જ ત્રણ ઘા મારી પતાવી દીધો હતો. એટલું જ નહીં પણ દિલબર પર ચપ્પુ લઈ તૂટી પડેલા પડોશીથી બચાવવા ગયેલા પિતરાઈ ભાઈ મૈસુરને પણ ઉપરા ઉપરી ઘા મારી દેવાયા હતા.બહેને નજર સામે ભાઈને છેલ્લા શ્વાસ લેતા જોઈ હેબતાઈ ગઈ હતી. પાડોશી મહિલા અને એના પતિની ક્રૂરતાએ ભાઈનો જીવ લઈ લેતા પોલીસ દોડી આવી હતી. ઝઘડા પાછળ કોઈ ગંભીર કારણ ન હતું. હત્યાને નજરે જોનાર મૈસુર અને બીજા સાક્ષીઓના નિવેદન લઈ પોલીસે ભાગી ગયેલા હત્યારા પાડોશીને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.