દેખાવો:સુરતના પુણામાં મેયર વિરૂધ્ધ નારેબાજી, વિરોધથી શરમજનક સ્થિતિમાં મૂકાયેલા હેમાલી બોઘાવાલાએ ચાલતી પકડી

સુરત7 મહિનો પહેલા
મેયર વિરૂધ્ધ નારેબાજી થતાં મેયરે ચાલતી પકડી હતી.
  • બંગાળની હિંસાના વિરોધમાં યોજાયેલા કાર્યક્રમમાં મેયર વિરૂધ્ધ નારા લાગ્યા
  • કોરોના કામગીરીને બદલે મેયર રાજનીતિ માટે ઉતર્યા હોવાથી વિરોધ-સ્થાનિકો

પુણા ગામના સીતાનગર ચાર રસ્તા ખાતે ભાજપ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના મેયર હેમાલી બોઘાવાલા વિરોધ પ્રદર્શનમાં હાજર થતાની સાથે જ " હાય રે, મેયર.. હાય હાય"ના નારા લાગ્યા હતા. પરિસ્થિતિ પારખી જતાં મેયર તત્કાળ વિરોધ પ્રદર્શન છોડીને રવાના થયા હતાં. સૂત્રોચ્ચાર શરૂ થતાં મેયર શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા.તેમણે કોઈ પણ ભાજપના કાર્યકર્તા સાથે વાત કરવાનું ટાળીને સીધા પોતાની ગાડીમાં બેસીને રવાના થઇ ગયા હતા.

પૂર્વ કોર્પોરેટર સહિત સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.
પૂર્વ કોર્પોરેટર સહિત સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.

મેયર આવે તે પહેલા જ લોકો આવી ગયેલા
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સત્તા ઉપર આવતાંની સાથે જ રાજ્યભરમાં ભાજપના કાર્યકરો ઉપર હુમલા કરી રહી છે. અમાનવીય અત્યાચારને લઈને ભાજપ દ્વારા દેશભરમાં તૃણમૂલ કોંગ્રેસના વિરોધમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સીતાનગર ચાર રસ્તા ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા હાજર રહેવાના હોવાનું ગઈકાલથી મેસેજ ફરતો થયો હતો. જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો મેયર આવે તે પહેલાં જ ત્યાં એકત્રિત થઈ ગયા હતા. ભાજપના કાર્યક્રમમાં મેયર હાજર થતાની સાથે જ સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હતો.

વિરોધના પગલે મેયર પોતાની ગાડીમાં રવાના થઈ ગયા હતાં.
વિરોધના પગલે મેયર પોતાની ગાડીમાં રવાના થઈ ગયા હતાં.

સ્થાનિકોનો વિરોધ
સ્થાનિક લોકો અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ મેયરનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સુરત શહેરમાં કોવિડ સંક્રમણમાં મેયર યોગ્ય સુવિધાઓ દર્દીઓને આપી શક્યા નથી.રેમડેસિવિર જેવા જીવન રક્ષક ઇન્જેક્શનો સતત અભાવ વર્તાતો જોવા મળ્યો હતો. તેમજ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં ઓક્સિજનની અછત ઊભી થઈ હતી. એ સુવિધાઓ યોગ્ય રીતે ઉભી કરવાને બદલે હજી પણ ગંદી રાજનીતિ રમતા મેયરનો વિરોધ કરવામાં આવ્યો છે.

સ્થાનિક વિરોધ કરનાર સાથે પોલીસનું પણ થોડું ઘર્ષણ સર્જાયું હતું.
સ્થાનિક વિરોધ કરનાર સાથે પોલીસનું પણ થોડું ઘર્ષણ સર્જાયું હતું.

કોરોના કામગીરી જરૂરી છે-પૂર્વ કોર્પોરેટર
સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું કે, શહેરમાં કોરોના સંક્રમણને કારણે ટપોટપ મોત થઈ રહ્યા છે. તેને અટકાવવાને બદલે મેયર આ રીતે વિરોધ પ્રદર્શનમાં પોતાનો સમય વેડફી રહ્યા છે.આ સમયે વિરોધ પ્રદર્શન કરવાનો નહીં. પરંતુ પોતાના શહેરના લોકો માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી હતી.કોર્પોરેશનના જુના કોન્ટ્રાક્ટ પર લેવાયેલા તબીબો હડતાળ પર ઊતરતાં હેલ્થ સેવા ઉપર અસર થઇ રહી છે.તેવા મહત્વના પ્રશ્નો ઉકેલવા ને બદલે તૃણમુલ કોંગ્રેસનો વિરોધ કરીને મેયર હજી પણ પોતાની રાજનીતિ ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયે આ પ્રકારનો વિરોધ પ્રદર્શનએ યોગ્ય ન હોવાની વાત કરી હતી.