વ્યાજખોરો સામે કાર્યવાહી:સુરત પોલીસે વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે લોકદરબાર યોજ્યો, ત્રણ વ્યાજખોરો સામે કાર્યવાહી કરાઈ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત પોલીસ દ્વારા વ્યાજખોરોની સામે જનજાગૃતિ માટે લોક દરબારનું આયોજન. - Divya Bhaskar
સુરત પોલીસ દ્વારા વ્યાજખોરોની સામે જનજાગૃતિ માટે લોક દરબારનું આયોજન.

સુરત શહેરમાં ગરીબ અને લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉઠાવી ઉંચાદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે સુરત પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે.તો બીજી તરફ લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરાઈ રહ્યું છે. સુરતમાં કાપોદ્રા પોલીસ મથકમાં લોકદરબારનું આયોજન કરાયું હતું. જેમાં નાના મોટા વેપારીઓને વ્યાજખોરો હેરાન કરતા હોય અથવા ગેરકાયદે ઉચું વ્યાજ વસુલતા હોય તો માહિતી આપવા પોલીસે અપીલ કરી હતી. આવા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. આ ઉપરાંત પોલીસે વરાછા અને સારોલી પોલીસ મથકની હદમાં 3 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી પણ કરી હતી.

જનજાગૃતિ માટે લોક દરબારનું આયોજન
ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે 31 જાન્યુઆરી સુધી સુરત શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલાક બનાવોમાં લોકો પોલીસ ફરિયાદ કરતા પણ ડરી રહ્યા છે તો બીજી તરફ લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને સુરત પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાનના ભાગરૂપે લોકદરબારનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે કાપોદ્રા પોલીસ મથકમાં પણ લોકદરબારનું આયોજન કરાયું હતું. આ લોકદરબારમાં કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. અહીં શાકભાજી, પાથરણાવાળા સહીત વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા નાના મોટા વેપારીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરો જો હેરાન કરતા હોય અથવા ઉચું વ્યાજ વસુલતા હોય તેની માહિતી પોલીસને આપવા અપીલ કરી હતી અને આવા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

૩ વ્યાજખોર સામે પણ કાર્યવાહી
સુરતની વરાછા પોલીસે ઉચું વ્યાજ લઇ વ્યાજ વટાવનો ધંધો કરતા બે વ્યાજખોર સામે પણ કાર્યવાહી કરી હતી. વરાછા પોલીસે માહિતીના આધારે વરાછા સપના સોસાયટી પાસેથી લોભાભાઈ રાહાભાઈ ભુવાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી નાની મોટી 4 ડાયરીઓ તથા રોકડા રૂપિયા 27,650 અને એક મોબાઈલ ફોન મળી કુલ 32,650ની મત્તા કબજે કરી હતી. જયારે બીજા બનાવમાં વરાછા ડાહ્યા પાર્ક સોસાયટી ખાતેથી વલ્લભભાઈ સાર્દુલભાઈ કાતરીયાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે 1 ચોપડો અને 3 ડાયરીઓ, 19870 ની રોકડ અને એક મોબાઈલ ફોન મળી કુલ 24,870ની મત્તા કબજે કરી હતી. આમ બંને વ્યાજખોરની વરાછા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે સારોલી પોલીસે પણ એક વ્યાજખોર સામે કાર્યવાહી કરી હતી.

કોઈ પણ જાતના ડર વિના પોલીસને જાણ કરો : પોલીસ
પોલીસે જણાવ્યું હતું કે વ્યાજખોરોના ડરથી ઘણી વખત લોકો ફરિયાદ કરવા તૈયાર થતા નથી.જેથી પોલીસ દ્વારા લોક જાગ્રતિના ભાગરૂપે લોકદરબાર સહીતના કાર્યક્રમો કરવામાં આવી રહી છે. જે અનુસંધાને શહેરના કપોદ્રા, વરાછા, પુણા સારોલી પોલીસ મથકમાં લોકદરબારનું આયોજન કરાયું હતું. આ લોકદરબારમાં ફરિયાદો સામે આવી હતી અને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. લોકોને અપીલ છે કે કોઈ પણ વ્યાજખોરોના ત્રાસથી લોકોએ આત્મ હત્યા કરવી જોઈએ નહિ, કોઈ પણ તકલીફ હોય તો કોઈ પણ જાતના ભય રાખ્યા વિના પોલીસનો સંર્પક કરો પોલીસ તમારી મદદ કરવા માટે તત્પર છે. વ્યાજના ચુંગલમાં ફસાઈને લોકો બરબાદ થઇ જતા હોય છે અને આવા વ્યાજખોરોના ત્રાસના કારણે કેટલાક બનાવોમાં તો લોકોએ જિંદગી પણ ટુકાવી લીધી હોવાના બનાવો સામે આવી ચુક્યા છે ત્યારે આ પ્રકારના બનાવો ન બને અને લોકો આવા વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત થાય તે માટે સુરત પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી પણ શરુ કરી છે અને લોકો જાગૃતિ માટે લોકદરબાર કાર્યક્રમનું આયોજન પણ કરાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...