વિધાનસભા ચૂંટણીમાં વિજયી થઇ ધારસભ્ય બનેલાઓને માનદ વેતન મળી ગયા ત્યાં સુધી ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મીઓને મહેનતાણાની રકમ મળી ન હોવાની ફરિયાદ વચ્ચે સુરત શહેરમાં એક ધારાસભ્ય એવાં પણ છે કે જેમણે માનદ વેતન તરીકે મળતી પૂરેપૂરી રકમ વિધવા બહેનો અને તેમની દીકરીઓના અભ્યાસ પાછળ ખર્ચી નાખવાની નેમ જાહેર કરી છે.
સુરત ઉત્તર વિધાનસભા બેઠક પરથી સતત બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કાંતિ બલરે જણાવ્યું કે, વર્ષ 1995માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થઇ કોર્પોરેટર બન્યાં હતાં. ત્યારે એક કિસ્સો સામે આવ્યો હતો કે, એક વિધવા બહેને પરિવારની નબળી આર્થિક સ્થિતિના લીધે તેમના સંતાનોને પણ શિક્ષણથી અળગા રાખવાની નોબત પડી હતી.
એ કપરી સ્થિતિનો પ્રસંગથી તે એટલા વ્યથિત થયા હતાં કે તેમણે કોર્પોરેટર તરીકે જ મળતા માનદ વેતન નહીં લઇ તે પેટેની રકમ વિધવા બહેનો ઉદ્ધાર તેમજ તેમની દીકરીઓના અભ્યાસ માટે વાપરવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે, સતત ત્રણ ટર્મ સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહ્યા ત્યાં સુધી માનદ વેતનની રકમ વિધવા બહેનો માટે જ ફાળવી હતી.
આ સિલસિલો તેમણે ધારાસભ્ય બન્યાં ત્યારે પણ યથાવત્ રાખ્યો હતો. જોકે આ અંગે કોઇને જાણ સુદ્ધા કરી ન હતી પરંતુ તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા પાલિકા કર્મીઓને મહેનતાણું ચુકવાયું નથી ત્યાં ધારાસભ્યોને માનદ વેતન મળ્યા મુદ્દે કાંતિ બલર જોડે વાત કરી હતી.
ગત ટર્મમાં પણ માનદ વેતન લીધું ન હતું
કાંતિ બલરને ડિસેમ્બર-2022નું માનદ વેતન મળી ગયું? તે જાણવા વાતચીત કરી હતી. જેમાં કાંતિ બલરે નિખાલસતાથી કહ્યું હતું કે, માનદ વેતન મળી ગયુ અને સેવામાં વપરાઇ પણ ગયું છે. તેમણે જણાવ્યું કે, કોર્પોરેટર તરીકેની 3 ટર્મ અને ધારાસભ્ય તરીકેની ગઇ 5 વર્ષની ટર્મમાં પણ મળવાપાત્ર માનદ વેતન લીધું નથી બલ્કે તે રકમ દર મહિને જરૂરિયાતમંદોને તેમજ વિધવા બહેનો અને તેમની દીકરીઓના કલ્યાણકારી કાર્યોમાં વાપરવાનું નક્કી કર્યું છે. આગળ પણ આ સિલસિલો યથાવત્ રહેશે તેમ પણ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.