સમયાંતરે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિવાદમાં આવતી રહે છે. ફરી એક વખત નવા પરિપત્રને લઈને વિવાદ ઉભો થયો હતો. શાળાના કાર્યક્રમોમાં રાજકીય પક્ષના હોદ્દેદારોને ફરજિયાત આમંત્રણ આપી પ્રોટોકોલ જાળવવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર બહાર પડતાં જ વિવાદ શરૂ થયો હતો અને આખરે પરિપત્રમાં સુધારો કરાયો.
પરિપત્રમાં સુધારો કરાયો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો કે શાળાના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમમાં જન પ્રતિનિધિ અને જે તે પાર્ટીના હોદ્દેદારોને આમંત્રણ આપવું ફરજિયાત રહેશે. જેને લઈને વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વધુ વકરે તે પહેલાં જ ઉપશાસનાધિકારીએ જુનો પરિપત્ર પરત ખેંચી નવો પરિપત્ર જાહેર કરીને નવા પરિપત્રમાં કાર્યકરોને આમંત્રણ શબ્દ બાદ કરવા સાથે ફરજિયાત આમંત્રણ શબ્દ કાઢીને શાળાએ થતાં કાર્યક્રમની જાણ કરવાનો ઉલ્લેખ કરી દીધો છે.
વિવાદનું બીજું નામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મોટાભાગના નિર્ણયોમાં રાજકીય દખલગીરી વધુ જોવા મળતી હોય તેવું ભૂતકાળમાં પણ સામે આવ્યું છે. ઉપશાસનાધિકારીએ જે પરિપત્ર જાહેર કર્યો હતો તેમાં શાળામાં થતાં તમામ કાર્યકરોમાં શિક્ષણ સમિતિના સભ્યો, પદાધિકારીઓ સાથે કોર્પોરેટરો ઉપરાંત સ્થાનિક કાર્યકરોને ફરજિયાત આમંત્રણ આપવું અને તેનો પ્રોટોકોલ જાળવવો તેવો ઉલ્લેખ કર્યો હતો. સમિતિના કાર્યક્રમોમાં શાળા કક્ષાએથી ચુંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવે છે અને પ્રોટોકોલ પણ જાળવવામાં આવે છે. પરંતુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને પણ ફરજિયાત બોલાવવાની વાતને લઈને સ્વભાવિક રીતે જ વિવાદ ઊભો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.