અણઘડ વહિવટ:સુરતમાં પાલિકા પાસે રસીનો જથ્થો ખૂટયો, વેક્સિન માટે સતત ત્રીજા દિવસે લોકોએ વિલા મોઢે પરત ફરવું પડ્યુ

સુરત4 મહિનો પહેલા
વેક્સિન માટે સેન્ટરમાં પહોંચેલા લોકોને રસી મળતાં ધરમના ધક્કા થઈ રહ્યાં છે.
  • સુરત કોર્પોરેશન પાસે જરૂરીયાત કરતા ઓછી વેક્સિન હોવાથી લોકોને હાલાકી

કોરોનાના ત્રીજા તબક્કાના ડર વચ્ચે લોકોમાં રસીકરણને લઈને ભારે જાગૃતિ જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા જૂન માસમાં અલગ-અલગ 230 જેટલા વેક્સિન સેન્ટરો શરૂ કરીને એક સાથે વેક્સિનેશન મોટા ઉપાડે શરૂ કર્યું હતું. પરંતુ હવે સ્થિતિ ધીરે ધીરે વધતી દેખાઈ રહી છે. વેક્સિન સેન્ટરો ઉપર તાળાં લાગેલાં જોવા મળી રહ્યા છે. વેક્સિનેશન સેન્ટર ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે, તો કેટલાક સેન્ટરો ઉપર કોર્પોરેશનના અધિકારી અને લોકો વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યા છે. વેક્સિન ન મળતાં આજે સતત ત્રીજા દિવસે લોકોએ વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું.

વેક્સિન ન મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વેક્સિન ન મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વેક્સિનનો જથ્થો પૂરતો નથી
કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન માટે વિવિધ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતાં. જેમાં સરકારી હોસ્પિટલોથી લઈને એનજીઓની પણ મદદ લઇને અલગ-અલગ વિસ્તારોમાં સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતાં. લોકો પણ વિશ્વાસપૂર્વક વેક્સિનેશન સેન્ટર ઉપર જઈને વેક્સિન મૂકાવી રહ્યા હતા. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી રીતે હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે. લોકોને સેન્ટરો ઉપર તાળાં લાગેલાં જોવા મળી રહ્યા છે, અથવા તો વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનનો પૂરતો જથ્થો હોતો નથી.

લોકોને વેક્સિન ન મળતા વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું.
લોકોને વેક્સિન ન મળતા વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું.

સવારથી લાઈનો લાગે છે
લોકો વહેલી સવારથી વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા રહેલા જોવા મળતા હોય છે. પરંતુ સૌથી દુઃખદ બાબતે છે કે, કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ કોર્પોરેશનના રસીકરણ કેન્દ્ર ઉપર ફરજ બજાવતા સ્ટાફ દ્વારા કહેવામાં આવે છે કે, અત્યારે વેક્સિનનો પૂરતો જથ્થો નથી માટે અમે વેક્સિન આપી શકીશું નહીં. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ આ પ્રકારનો જવાબ મળતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના પાલ, પુણા જેવા વિવિધ વિસ્તારોમાં વેક્સિનેશન સેન્ટર ઉપર લાંબી કતારો જોવા મળી અથવા તો તાળા લાગેલા જોવા મળ્યા છે.

ઓનલાઈન વ્યવસ્થા કરાશે-આરોગ્ય અધિકારી
કોર્પોરેશનના ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, અત્યારે આપણી પાસે વેક્સિન મર્યાદિત છે. તેથી તમામ સેન્ટરો ઉપર વેક્સિન આપી શકાય તેમ નથી. પૂરતા પ્રમાણમાં વેક્સિન આવશે કે, તરત જ લોકોને તે આપવાનું શરૂ કરી દેવાશે. અમારી કોર્પોરેશનની ડિજિટલ ટીમને આજે જ આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ ઓનલાઇન એવી વ્યવસ્થા ગોઠવે કે, લોકો સુધી વ્યક્તિ અંગેની તમામ માહિતીઓ પહોંચાડી શકાય. કયા સેન્ટર ઉપર કેટલી વેક્સિન ઉપલબ્ધ છે. કયા સેન્ટર પર આપી શકાય તેવી સ્થિતિ છે, અને ક્યાં વેક્સિન આપી શકાય તેમ નથી- એવી તમામ બાબતો લોકોને માહિતગાર કરવાના પ્રયાસ આજથી શરૂ કરવામાં આવશે.

કોવિશિલ્ડ વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી સતત ત્રીજા દિવસે લોકો પરેશાન
રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી આજે સતત ત્રીજા દિવસે શહેરના વિવિધ રસીકરણ સેન્ટર પર ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા. વેક્સિનેશન સેન્ટરો પર લિમિટેડ ટોકન મળતાં ઘણા લોકો રસી મુકાવ્યા વગર પરત ફર્યા હતા. મંગળવારથી કોવેક્સિનના સેન્ટર 7થી વધારી 16 કરવામાં આવ્યા છે. જ્યારે કોવીશીલ્ડના 98 રસીકરણ સેન્ટર કાર્યરત રહેશે. દરેક ઝોનમાં 10થી 12 સેન્ટરો પર રસીની વ્યવસ્થા કરવામાં આવી છે.

2 માસમાં 10 લાખ ડોઝ
16 જાન્યુ.થી 8 એપ્રિલ 2021 સુધીના 84 દિવસમાં 10 લાખ ડોઝ મુકાયા હતા. 9 એપ્રિલથી 27 જૂન વચ્ચે 80 દિવસમાં વધુ 10 લાખ ડોઝ મળી આંકડો 20 લાખ થયો છે.

વેક્સિનની મુદ્દત લંબાવવા કૈટ દ્વારા સરકારને રજૂઆત
રાજ્ય સરકાર દ્વારા 30 જૂન 2021 પહેલાં તમામ વેપારી અને કર્મચારીઓને વેક્સિન લઈ લેવા આદેશ કરાયો છે, પરંતુ હાલમાં સ્ટોકના અભાવે વેક્સિન મળી રહી નહીં હોય 30 જૂન સુધીમાં સંપૂર્ણ રસીકરણ શક્ય નથી, જેથી વેપારીઓના રાષ્ટ્રીય સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આજે રાજ્ય સરકારને પત્ર લખી વેક્સિનનેશનની મુદ્ત લંબાવવા વિનંતી કરવામાં આવી છે. કૈટના ગુજરાતના પ્રમુખ પ્રમોદ ભગત કહે છે કે, વેક્સિનનો સ્ટોક ન હોવાથી સરકારે 30 જૂનને બદલે 31 જુલાઈ સુધીમાં મુદ્દત લંબાવવી જોઇએ.’