સુરત દેશમાં સ્માર્ટ સિટીઝમાં સૌથી આગળ એવા સુરતમાં સુએઝ સિસ્ટમ ‘સુપર ઇકોમોનિક સિસ્ટમ’ સાબિત થઈ રહી છે. દેશમાં ટીટીપી (ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બાબતે સુરત શહેર સાથે સરખામણી થઈ શકે તેવું કોઈ જ અન્ય શહેર નથી. ડિંડોલી-બમરોલી વિસ્તારના ટીટીપીમાંથી હાલ 115 એમએલડી (રોજનું 11.50 કરોડ લીટર) પાણી સચીન-પાંડેસરાના ઉદ્યોગોને અપાઈ રહ્યું છે.
સુરતમાં વર્ષ 2014થી આ પ્લાન્ટની શરૂઆત કરાઈ હતી, અત્યારસુધી પાલિકાએ 270 કરોડ રૂપિયા ગંદા પાણીને ચોખ્ખુ કરીને કમાઈ લીધા છે. આગામી 15 વર્ષ પાલિકા રો-સુએઝ વોટર, સેકન્ડરી ટ્રીટેડ વોટર, ટર્શરી ટ્રીટેડ વોટર અલગ-અલગ કંપનીઓને વેચશે. આ પાણીથી જ પાલિકા આગામી 15 વર્ષમાં વધુ 11660 કરોડની આવક મેળવી લેશે.
ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આગામી 15 વર્ષનું પ્લાનિંગ
પલસાણા : પલસાણા એન્વિરો પ્રોટેક્શન લિ.ને વર્ષ 2024-25થી સેકન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટર આપવામાં આવશે. આ સંસ્થાને 150 એમએલડી (રોજનું 15 કરોડ લીટર) પાણી પુરુ પાડવામાં આવશે. પહેલા વર્ષે 45 કરોડની આવક થશે, જે તબક્કાવાર વધીને આગામી 15 વર્ષમાં પાલિકાએ 3290 કરોડ રૂપિયા મળશે.
હજીરા : પાલિકા હજીરાની અલગ-અલગ કંપનીને વર્ષ 2024-25થી ટર્શરી ટ્રીટેડ વેસ્ટ વોટર આપશે. આ કંપનીઓને 180 એમએલડી (રોજનું 18 કરોડ લીટર) પાણી અપાશે. પહેલા વર્ષે જ 262 કરોડની આવક થશે, જે તબક્કાવાર ભાવ વધારા સાથે આગામી 15 વર્ષમાં પાલિકાને કુલ 8350 કરોડ આવક થશે.
કલર ટેક્સ : કલર-કેમિકલ્સમાં પણ પાણીનો ઉપયોગ વધુ થાય છે. સુરતમાં કલરટેક્સ ઇન્ડસ્ટ્રીને ટીટીપીમાંથી વર્ષ 2023-24થી રો-સુએઝ વોટર આપવાની તૈયારી કરાઈ છે. આ કંપનીને 30 એમએલડી (રોજનું 3 કરોડ લીટર) પાણી અપાશે. પહેલા વર્ષે 1.20 કરોડની આવક થશે, જે 15 વર્ષે કુલ રૂપિયા 20 કરોડ થશે.
ડ્રેનેજ પાઈપ નેટવર્ક અને ઈન્ડસ્ટ્રીઝને કારણે સફળતા
ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા શહેરમાં સુએઝ સિસ્ટમ સારી હોવી જોઈએ. શહેરના લોકો જે પાણી યુઝ કરીને ગટરમાં નાખે છે તે પાણી એકત્ર કરીને કોઈ એક સ્થળે ભેગુ કરવા માટેની ડ્રેનેજ પાઇપ નેટવર્ક હોવું જોઈએ. જે સ્થળે ટીટીપી બનાવવામાં આવે તે સ્થળ નજીક ઇન્ડસ્ટ્રીઝ હોવી જોઈએ અને તે પણ વોટર બેઝ્ડ એટલે કે ડાઇંગ મીલ, કલર-કેમિકલ્સ જેવા ઉદ્યોગો હોવા જોઈએ કે જેમને પાણીની વધુ જરૂર પડતી હોય. તેઓ પણ ટ્રીટેડ પાણી ખરીદવા તૈયાર હોવાથી સુરતમાં આ બધું જ શક્ય બન્યું છે.
પરંતુ દેશના અન્ય શહેરોમાં આ બધુ જ અનુકુળ રહ્યું નથી. આ ઉપરાંત ટીપીપીનું મેઇન્ટનન્ટ પણ ખૂબ મોંઘુ હોય છે, જે અન્ય પાલિકાઓ ચલાવી શકે તેમ નથી. આ કારણોથી સુરત અન્ય સ્માર્ટ સિટીની સરખામીણીમાં નંબર-1 બની ગયું છે.
35% તો રિન્યુએબલ એનર્જીનો જ ઉપયોગ
પાલિકાએ બનાવેલા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે એનર્જીનો ઉપયોગ થાય છે તેમાંથી 35 ટકા રિન્યુએબલ એનર્જી છે, પાલિકા તેમાં પણ રૂપિયા બચાવી રહી છે. એટલે કે જેટલી વીજળી પાણીને ટ્રીટ કરવા વપરાય છે તેમાંથી 35 ટકા સોલાર એનર્જી અને વીન્ડ પાવર એનર્જીથી આવે છે.
પ્રથમ ક્રમે સુરત, બીજા ક્રમે તમિલનાડુનું શહેર
સુરતમાં હાલ 115 એમએલડી પાણી ટીપીપીથી ઇન્ડસ્ટ્રીઝને અપાય છે, દેશમાં બીજા નંબર પર જે શહેર છે તે તામિલનાડુનું તિરૂપુર છે જેનું પ્રોડક્શન 3 એમએલડી છે. > બંચ્છાનિધી પાની, કમિશનર,પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.