સ્ટ્રાઈક:સુરતમાં પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર લેવાયેલા નવા તબીબોને વધુ પગાર અપાતા કોન્ટ્રાક્ટ હેઠળના જૂના તબીબોની હડતાળ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પગાર વધારાની માગ સાથે તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. - Divya Bhaskar
પગાર વધારાની માગ સાથે તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે.
  • જૂના મેડિકલ ઓફિસરોએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવા નિર્ણય લીધો

સુરત કોર્પોરેશનમાં જૂના કોન્ટ્રાક્ટ પર લેવાયેલા તબીબો સાથે અન્યાય થતો હોવાની લાગણી જોવા મળી રહી છે. જૂના કોન્ટ્રાક્ટના તબીબોને રૂપિયા 60,000 વેતન આપવામાં આવી રહ્યું છે. જ્યારે નવા કોન્ટ્રાક્ટ ઉપર લેવાયેલા તબીબોને 1,25,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જેને કારણે જૂના તબીબો સાથે અન્યાય થતો હોવાની લાગણી પ્રસરી છે. છેલ્લા થોડા દિવસોથી જૂના કોન્ટ્રાક્ટના તબીબોએ મ્યુનિસિપલ કમિશનરને અને મુખ્યમંત્રી સુધી લેખિતમાં પોતાની લાગણી પહોંચાડી હતી, પરંતુ તેમના પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા આજથી તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.

હડતાળથી કામગીરી ઉપર અસર થશે
સુરત કોર્પોરેશનના જૂના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ડોક્ટર આજથી કામથી અળગા રહેશે. સમરસ કોવિડ સેન્ટર પર ફરજ નિભાવતા ડોક્ટરો સાથે હડતાળ પર ઉતરી જતા કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર કેવી રીતે મળશે તે મોટો પ્રશ્ન સર્જાયો છે. સ્મીમેર ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા 30 કરતા વધુ ડોક્ટરો હડતાળ પર જતાં રહ્યાં છે. કેટલાક સંજીવની રથ અને હેલ્થ સેન્ટરોમાં ફરજ બજાવતા હતા. તે તમામ કામગીરી ઉપર અસર દેખાશે એક તરફ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સમરસ કોવિડ કેર સેન્ટર તેમજ સ્મીમેર ડેડીકેટેડ કોવિડ સેન્ટરમાં વધી રહી છે. તેવા સમયે ડોક્ટરોએ હડતાલનું શસ્ત્ર ઉગામતા તબીબી સેવાઓ ઉપર તેની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે.

રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા હડતાળ શરૂ કરાઈ છે.
રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા હડતાળ શરૂ કરાઈ છે.

યોગ્ય ઉકેલ ન આવતા હડતાળ
જૂના કોન્ટ્રાક્ટના મેડીકલ ઓફિસરોએ ગઈ કાલે કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી પરંતુ કોઇ યોગ્ય ઉકેલ ન આવતા આજે તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, મેડિકલ ઓફિસરોને 1,25,000 જેટલો પગાર ચૂકવવામાં આવશે. જો નવા લેવાયેલા તબીબોને આટલો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. તો જૂના કોન્ટ્રાક્ટ પર કામ કરતાં તબીબોને શા માટે પગાર ચૂકવવામાં નથી આવતો તે અંગે કોઈ યોગ્ય જવાબ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો નથી.

તબીબો હડતાળ પર ઉતરતા કોરોના કામગીરી ખોરવાય તેવી શક્યતા છે.
તબીબો હડતાળ પર ઉતરતા કોરોના કામગીરી ખોરવાય તેવી શક્યતા છે.

વેતન બાબતે ભેદભાવ શા માટે?
ડોક્ટર પૂર્વેશે જણાવ્યું કે, જુના કોન્ટ્રાક્ટના મેડિકલ ઓફિસરોને રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ વેતન ચૂકવવામાં આવી રહ્યું નથી. જૂના મેડિકલ ઓફિસરો કોવિડ માટે દિવસ રાત ફરજ આપી રહ્યા છે. તો શા માટે અમારી સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી હેલ્થ કમિશનરને વારંવાર રજૂઆત કરવા છતાં આ અંગે કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો નથી. જો આ પ્રમાણે અમારી માંગણી નહીં સ્વિકારવામાં આવે તો અમે સામૂહિક રાજીનામાં પણ આપવાનું વિચારી રહ્યા છીએ.