સુરત મહાનગરપાલિકા માટે ખૂબ જ દયનીય સ્થિતી આવીને ઊભી રહી હતી. અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરીને ટીપી નંબર 39માં જે મૂળ માલિકનો પ્લોટ હતો તે અન્ય કોઈને અંગત લાભને ધ્યાનમાં રાખીને સોંપી દીધો હતો. જે બાબતની હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તેના ઉપરવટ જઈને અધિકારીઓએ પ્લોટ અન્ય કોઈને સોંપી દેતા હાઇકોર્ટે મનપા કમિશનર શાલીની અગ્રવાલનો ઉઘાડો લીધો હતો. જેને લઈને આજે હાઈકોર્ટમાં પાલિકા કમિશનરે માફી માંગી હતી.
પાલિકા કમિશનરે બિનશરતી માફી માગી
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરીને લઈને હાઇકોર્ટે લાલઆંખ કરી હતી. અને જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યા હતા તેની આકરી ઝાટકણી પણ કાઢી હતી. લિંબાયત વિસ્તારની ટીપી નંબર 39માં જે પ્લોટ મૂળ માલિકનો હતો તેનો અધિકારીઓએ અન્ય કોઈને કબજો સોંપી દીધો હતો. હાઇકોર્ટના ધ્યાને આ બાબત આવતા હાઈકોર્ટે કમિશનરને બિનશરતી માફી માંગવા માટે આદેશ કર્યો હતો અને હાઇકોર્ટમાં આજે હાજર રહેવા માટેનું પણ ફરમાન હતું. આખરે આજે કમિશનર પોતે હાઇકોર્ટમાં હાજર રહીને બિનશરતી માફી માંગી લીધી હતી.
મનપા અધિકારીઓનો ભ્રષ્ટાચાર સામે આવ્યો
હાઇકોર્ટમાં ટીપી નંબર 39ના પ્લોટની કબજા અંગેની સુનાવણી ચાલી રહી હોવા છતાં પણ અધિકારીઓએ પોતાના અંગત વ્યક્તિને લાભ આપવાનો સંપૂર્ણ રીતે પ્રયાસ કર્યો હોવાનું ધ્યાન આવ્યું છે. એક પ્રકારે કહીએ તો અધિકારીઓએ ખૂબ મોટો ભ્રષ્ટાચારનો ખેલ આ પ્લોટનો કબજો આપવામાં કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આખરે આ તમામ કાર્યવાહી જ્યારે હાઇકોર્ટના સમક્ષ આવી ત્યારે હાઇકોર્ટે સુરત મહાનગરપાલિકાના કમિશનરની આંકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને એમણે સ્પષ્ટ કહ્યું હતું કે હાઇકોર્ટના આદેશથી ઉપરવટ જઈને અધિકારીઓએ કાર્યવાહી કરી છે જેને સાખી લેવાય નહીં. હાઇકોર્ટે આ બાબતને એડવોકેટ જનરલના ધ્યાને પણ તાત્કાલિક અસરથી મૂકી હતી.
એડવોકેટ જનરલે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા હાઇકોર્ટની અવમાનના કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. હાઇકોર્ટે આ બાબતને અતિ ગંભીરતાથી લેતા તાત્કાલિક એડવોકેટ જનરલને આ બાબતે સોગંદનામુ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી અધિકારીઓની સામે સુરત મહાનગરપાલિકા કયા પ્રકારના પગલા ભરે છે તે અંગે પણ માહિતી એકત્રિત કરવાનું કહેવાયું હતું. કોર્ટમાં આજે મ્યુનિસિપલ કમિશનરે હાજરી આપીને માફી માંગી લીધી હતી તેમજ એડવોકેટ જનરલ દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું.
મનપના અધિકારીઓએ સબક લેવી જોઈએ
લિંબાયત ટીપી નંબર 39ના પ્રકરણમાં પ્લોટનો કબજો આપવા બાબતે તો અધિકારીઓએ હદ વટાવી હતી અને હાઇકોર્ટના આદેશને પણ ઘોળીને પી ગયા હતા. આખરે હાઇકોર્ટે બરાબરની ફટકાર લગાવ્યા બાદ કમિશનર સહિતના અધિકારીઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. મનપના અધિકારીઓએ સબક લેવાની જરૂર છે કે પોતાના અંગત અને માનીતા લોકોને લાભ કરાવો અથવા તો પોતાના અંગત લાભને કારણે કેટલાક વ્યક્તિઓને લાભ કરાવી દેવાની જે માનસિકતા છે તેમાંથી બહાર આવવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.