રક્ષાબંધન અને જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનુંના આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ખાણીપીણીના શોખીન સુરતીઓ તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઇ આરોગ્ય લેતા હોય છે. આ દરમિયાન મીઠાઇઓ સ્વાસ્થ્ય માટે જોખમકારક પુરવાર થતી હોય છે. મીઠાઇના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
અખાદ્ય વસ્તુઓ મળશે તો આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઇની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા મીઠાઇની દુકાનમાંથી મીઠાઇના સેમ્પલો લીધા હતા. તહેવાર પૂર્વે આ પ્રકારે કોર્પોરેશન દ્વારા દર વર્ષે કામગીરી કરવામાં આવે છે. સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા બાદ તેનો રિપોર્ટ આવતો હોય છે અને રિપોર્ટની અંદર અખાદ્ય વસ્તુઓનું પ્રમાણમાં મળી આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
અખાદ્ય મીઠાઇ આરોગ્ય માટે નુકસાનકારક પુરવાર થાય છે
રક્ષાબંધનના તહેવાર પહેલા આ પ્રકારની આરોગ્ય વિભાગની ડ્રાઇવ ખૂબ જ જરૂરી છે. રૂપિયા કમાવી લેવાની લહાયમાં મીઠાઇના વેપારીઓ ઘણી વખત અખાદ્ય માવાનો ઉપયોગ કરીને મીઠાઈ બનાવતા હોય છે. જે ગ્રાહકોના આરોગ્ય માટે નુકસાનકારક પુરવાર થાય છે. આરોગ્ય વિભાગ જો તટસ્થતાપૂર્વક સેમ્પલનો રિપોર્ટ તૈયાર કરે તો અનેક દુકાનો સામે કાર્યવાહી થઈ શકે છે.
ભેળસેળ જણાય તેની સામે પગલા લઇએ છીએ
આરોગ્ય ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા તહેવારો પહેલા આ પ્રકારની મીઠાઇના દુકાનોમાંથી સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. જેથી કરીને મીઠાઇમાં વપરાતા માવા કે અન્ય વસ્તુઓની ગુણવત્તા યોગ્ય છે કે, કેમ તે સમયસર તેની તપાસ થઈ જાય છે. જેમાં ભેળસેળ જણાય તેની સામે કાયદાકીય રીતે અમે પગલા લઇએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.