સુરતની દીકરી રાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ માટે પસંદગી પામી છે. નેશનલ ચેમ્પિયનશિપ પંજાબના અમૃતસરમાં "યુથ એન્ડ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા" દ્વારા 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. જેમાં વિજેતા થયા બાદ હવે આગામી દિવસોમાં નેપાળના પોખરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ માટે જશે. 21 વર્ષિય નીધિનું કહેવું છે કે, 'યોગને એક રમત તરીકે પસંદગી મળે અને ઓલિમ્પિક સુધી જાય એવી જ ઈચ્છા રાખું છું. જેના માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખવાની છું. નેપાળમાં આયોજિત ઇન્ટરનેશલ યોગ સ્પર્ધામાં ગુજરાતમાંથી અલગ અલગ કેટેગરીમાં 5 અને સુરતમાંથી એક માત્ર તેમની પસંદગી કરાઈ છે. પાંચેય દીકરીઓ યોગમાં પણ ગોલ્ડ મેડલ લાવી ગુજરાતનું નામ ઇન્ટરનેશનલ લેવલ પર ખ્યાતિ પામે તેવી આશા રાખે છે.'
10 વર્ષથી સ્પર્ધામાં ભાગ લે છે
નીધિ કિશોરભાઈ વાઘેલા (યોગ ખેલાડી) એ જણાવ્યું હતું કે, એમ તો 10 વર્ષથી યોગ કરું છું અને અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. 5 નેશનલ અને 3 ઇન્ટરનેશનલ કોમ્પિટિશન રમી છું. જેમાં 8 ગોલ્ડ મેડલ અને 9 સિલ્વર મેડલથી સન્માનિત થઈ ગઇ છું. તાજેતરમાં નેશનલ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેળવ્યા બાદ નેપાળમાં આયોજિત થવા જઈ રહેલી આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપમાં પસંદગી પામી હોવાનો ખૂબ આનંદ છે. હું સુરતનું નામ ઇન્ટરનેશનલ લેવલ પર પ્રસિદ્ધ કરી શકું એના કરતાં મોટી ખુશી કોઈ ન હોય શકે. આ કોમ્પિટિશનમાં ગુજરાતની 5 દીકરીઓ પસંદગી પામી છે.
યોગ ઓલિમ્પિકમાં સામેલ થાય તેવા પ્રયાસ
નીધિએ વધુમાં જણાવ્યું કે, મેં હાલ B.P.E.Sના છેલ્લા વર્ષની પરીક્ષા આપી છે અને માસ્ટરની તૈયારી કરી રહી છું. એક નાનો ભાઈ ધોરણ-12માં અભ્યાસ કરે છે. માતા હાઉસ વાઇફ અને પિતાની પેપરની એજન્સી છે. મારી આ પ્રસિદ્ધિ પાછળ માતા-પિતાનો મોટો ફાળો રહ્યો છે. યોગને ઓલમ્પિકમાં દરજ્જો મળે એ માટે હું સરકાર અને ખાસ કરીને મોદીજીને વિનંતી કરું છું. મારું એક સ્વપ્ન એ પણ છે કે, હું ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરું અને સુરતનું નામ રોશન કરું. આ માટે આગામી દિવસોમાં હું મોદીજીને પત્ર લખી વિનંતી પણ કરીશ. હાલ નેપાળમાં થવા જઈ રહેલી આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહું છું અને ગોલ્ડ મેડલ હાંસલ કરી દેશના સફળ વડા પ્રધાન મોદીજીને સમર્પિત કરીશ અને યોગને ઓલિમ્પિકમાં સ્થાન મળે એ માટે વિનંતી કરીશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.