વૃક્ષોએ પર્યાવરણ માટે ફેફસાંની ગરજ સારે છે. ત્યારે પર્યાવરણને બચાવવા અને સમાજને તંદુરસ્ત રાખવા માટે શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટના પાંચ હજાર રત્નકલાકારોના પરિવાર દ્વારા વૃક્ષારોપણનો મહાકાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 300 વીઘા જમીન પર ઉભરાટ વિસ્તારમાં એક લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. આ દરેક વૃક્ષને નામ આપવામાં આવ્યાં છે. સાથે જ તેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. સાથે જ નેચર પાર્કમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણ કરાયું હતું.
વૃક્ષને જીવનભર ઉછેરવા સંકલ્પ લેવાયો
રત્નકલાકાર પરિવાર દ્વારા જે વૃક્ષ રોપ્યું હોય તે વૃક્ષ પર પોતાનું નામ લખી અને તે વૃક્ષને જીવનભર ઉછેરવા માટે સંકલ્પ પણ લેવાયો હતો. વૃક્ષારોપણ કર્યા બાદ દરેક પરિવાર પોતે રોપેલું વૃક્ષ પોતાના નામથી તેને કાયમ ઉછેર કરશે પોતે તો પહેલું વૃક્ષ કદાચ કોઈ સંજોગોમાં ઉતરે નહિ તો તે જગ્યાએ બીજુ વૃક્ષ પણ રોપવામાં આવશે. બધા જ વૃક્ષો નો ઉછેર થાય તેવો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે.એક જ સ્થળે એક જ સમયે એક જ એસઆરકે પરિવારના કર્મચારીઓ દ્વારા એક લાખ વૃક્ષારોપણ કરીને નવો દાખલો બેસાડવા પ્રયાસ કરાયો હતો.
નેચર પાર્કમાં વૃક્ષારોપણ
સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જ્યાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એન. વી. ઉપાધ્યાય પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા. પર્યાવરણીય ચળવળ 'સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન' અંતર્ગત વિરલ દેસાઈએ અત્યારસુધીમાં સરથાણા નેચર પાર્કમાં જૂદા-જૂદા તબક્કે 8000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આગામી સમયમાં સરથાણા નેચર પાર્કમાં થીમ બેઝ્ડ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે.
અદાણી હજીરા પોર્ટે ઉજવ્યો પર્યાવરણ સપ્તાહ
પર્યાવરણ સંવર્ધન અને હરીત વિકાસ માટે પ્રતિબદ્ધ અદાણી ગ્રૂપની સુરત નજીક આવેલા અદાણી હજીરા પોર્ટ લી. (AHPL)એ વિશ્વ પર્યાવરણ દિવસની પરંપરાગત એક દિવસની ઉજવણીની જગ્યાએ આખો સપ્તાહ પર્યાવરણ જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરી હતી. અદાણી હજીરા પોર્ટ લિમિટેડ(AHPL)એ ઓનલાઈન ક્વિઝ, વેબિનાર, ઓફ-લાઇન ક્વિઝ, કામદારો અને સમુદાયો વચ્ચે પર્યાવરણ જાગૃતિ વાર્તાલાપ, ચિત્ર સ્પર્ધા, કવિતા, સ્લોગન સ્પર્ધા અને જ્યુટ બેગ વિતરણ, નેચર વોક, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું સમગ્ર સપ્તાહ દરમિયાન આયોજન કર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.