ગૌરવ:સુરતી સાયકલિસ્ટે ગુરુશિખર સાયકલ રેસમાં મેદાન માર્યું, કપરા ચઢાણ સાથેનું 183 કિમીનું અંતર 6.55 કલાકમાં કાપી પ્રથમ નંબર મેળવ્યો

સુરત17 દિવસ પહેલા
મહેસાણાના 28 સાયકલિસ્ટો સાથે રાજ્યભરમાંથી કુલ 58 સાયકલિસ્ટોએ આ રેસમાં ભાગ લીધો હતો
  • માઉન્ટ આબુ અને ગુરુશિખરના સતત ચઢાણવાળા રસ્તામાં સ્પર્ધા યોજાઈ
  • લગભગ 1900 મીટરનું ચઢાણ ચઢી યોગેશભાઈ કટારિયા વિજેતા બન્યાં

મહેસાણાની ઈન્ડિયન સાયકલ ક્લબ દ્વારા રવિવારે યોજાયેલી ગુરુશિખર ચેલેન્જ સાયકલ રેસમાં સુરતના સાયકલિસ્ટ યોગેશ કટારિયાએ મેદાન માર્યું છે. ખૂબ જ કપરા ચઢાણ ચઢીને મહેસાણાથી ગુરુશિખર સુધીનું 183 કિમીનું અંતર 6 ક્લાક અને 55 મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ નંબર મેળવ્યો છે. રવિવારે આ રેસ સવારે પાંચ વાગ્યે મહેસાણાથી શરૂ થઈ હતી. ભાગ લેનારા સાયકલિસ્ટોએ માઉન્ટ આબુના ગુરુશિખર સુધી 183 કિ.મી. સાયકલ ચલાવીને સાંજે 5 વાગ્યા પહેલાં પહોંચવાનું હતું.

58 સાયકલિસ્ટોએ ભાગ લીધો
મહેસાણા ઈન્ડિયન સાયકલ ક્લબના સભ્યો સહિત મહેસાણાના 28 સાયકલિસ્ટો સાથે રાજ્યભરમાંથી કુલ 58 સાયકલિસ્ટોએ આ રેસમાં ભાગ લીધો હતો. જેમાં ત્રણ મહિલા સાયકલિસ્ટો પણ હતી. ભાગ લેનારા સ્પર્ધકો પૈકી 31 સાયકલિસ્ટો જ સાંજે પાંચ વાગ્યા સુધી એટલે કે કટ-ઓફ સમયમાં આ સ્પર્ધા પૂરી કરી શક્યા હતા.

31 સાયકલિસ્ટો જ સાંજે પાંચ વાગ્યા સુધી એટલે કે કટ-ઓફ સમયમાં આ સ્પર્ધા પૂરી કરી શક્યા
31 સાયકલિસ્ટો જ સાંજે પાંચ વાગ્યા સુધી એટલે કે કટ-ઓફ સમયમાં આ સ્પર્ધા પૂરી કરી શક્યા

33 કિમી ચઢાણ ચડવાનું હોય
ઈન્ડિયન સાયકલ ક્લબના પ્રેસિડેન્ટ ડૉ. મુકેશભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, આ રેસમાં લગભગ 150 કિ.મી. પ્રમાણમાં સપાટ રોડ પર સાયકલ ચલાવવા સિવાય બાકીના 33 કિમી, માઉન્ટ આબુ અને ગુરુશિખરના સતત ચઢાણવાળા રસ્તામાં લગભગ 1900 મીટરનું ચઢાણ ચડવાનું હોય છે. સુરતના યોગેશભાઈ કટારિયા આ રેસ 6-કલાક અને 55 મિનિટમાં પૂરી કરીને પ્રથમ વિજેતા બન્યા હતા.

રાષ્ટ્રીય કક્ષાના સાયકલિસ્ટોએ ભાગ લીધો
આ રેસમાં રાષ્ટ્રીય કક્ષાના સાયકલિસ્ટોએ પણ ભાગ લીધો હતો. રેસને સફળ બનાવવા ઇન્ડિયન સાયકલ કલબના 40 જેટલા વોલેન્ટીયર્સએ સવારે 4.30થી સાંજે 5 વાગ્યા સુધી અવિરત સેવા આપી હતી. સ્પર્ધા સંપન્ન થયા બાદ માઉન્ટ આબુમાં જ કાર્યક્રમનું આયોજન કરી વિજેતા સાયકલિસ્ટોને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.

સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા હતાં.
સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા હતાં.

કેટેગરી મુજબ વિજેતા સાયકલિસ્ટ્સ
18-39 વર્ષ પુરુષ :

1. યોગેશ કટારિયા (સુરત), 2. માનવ (સુરત),3, દાર (વડોદરા),

40-59 વર્ષ પુરુષ :
1. મુકેશ પટેલ (મહેસાણા), 2. જસપાલ ચૌધરી (મહેસાણા),૩. ડો. નિર્ભય દેસાઈ (મહેસાણા),

60થી મોટા પુરુષ :
1. પિયૂષભાઈ શાહ (અમદાવાદ),

40થી મોટા મહિલા :
1. ડો. હેતલ (સુરત)