અંકલેશ્વર લૂંટ વીથ મર્ડરના આરોપી ઝડપાયા:ત્રિપલ મર્ડર વીથ લૂંટ કરનાર બે આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા,ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યા હતા

સુરત16 દિવસ પહેલા
અંકલેશ્વરમાં બનેલ ત્રીપલ મર્ડર વિથ લુટ કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

અંકલેશ્વર રૂરલમાં બનેલા ચકચારી ત્રિપલ મર્ડર સાથે ધાડના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા બંને આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા હતા. જો કે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આખરે બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

બાતમીના આરોપીને ઝડપી પાડ્યા
સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે અંકલેશ્વર રૂરલમાં બનેલા ચકચારી ત્રિપલ મર્ડર સાથે ધાડના ગુનામાં સંડોવાયેલા બે આરોપી સુરત શહેરમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી વેડ દરવાજા પાસેથી આરોપી વિકાસ ઉર્ફે ટકો નાગુસિગ ચૌહાણ અને મહેન્દ્ર ઉર્ફે મહેશ ઉર્ફે માયા ઉર્ફે મનીયો હરીભાઈ ભીલારે ને ઝડપી પાડ્યા હતા.

છ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો
પોલીસે બંને આરોપીઓની કડક પૂછપરછ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે ગત ૧૭-૦૯-૨૦૧૯ ની રાતે અંકલેશ્વર ઉટીયાદરા ગામની સીમમાં પી.જી. ગ્લાસ નામની બંધ કંપનીમાં અજાણ્યા ધાડપાડુ ટોળકીએ પ્રાણઘાતક હથીયારો સાથે કંપનીના 6 જેટલા સિક્યુરીટી ગાર્ડ પર હુમલો કરી આંતક મચાવ્યો હતો. આ હુમલામાં કંપનીના 3 સિક્યુરીટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ખૂન અને ધાડનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આ બંને આરોપીઓ સંડોવાયેલા હતા અને તેઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા હતા. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ બંને આરોપીઓને ઝડપી પાડી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...