ચુકાદો:સુરતના કનાજ ગામે તબેલામાં કામ કરતી 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્ટે આરોપીને કારાવાસની સજાની સાથે સાથે 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.(વીરસિંહની ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોર્ટે આરોપીને કારાવાસની સજાની સાથે સાથે 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.(વીરસિંહની ફાઈલ તસવીર)
  • આરોપી સગીરાના પિતાએ લીધેલા રૂપિયા પરત ન આપે ત્યાં સુધી સંબંધ રાખવા પડશે તેવું કહેતો

સુરતના જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં કનાજ ગામ ખાતે ભેંસના તબેલામાં રહેતા રિક્ષા ચાલકે તેની સાથે જ કામ કરતા પરિવારની 14 વર્ષની સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ સગીરા ઉપર સુરતમાં વારંવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને લઈને રિક્ષા ચાલક મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના પંચમપુરા ખાતે લઇ ગયો હતો અને તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને જેલ હવાલે કર્યો હતો.આ કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

હવસ સંતોષી ધમકી આપતો
ઓલપાડ તાલુકાના કનાજ ગામ ખાતે વિરલ જીતુ પટેલનો ભેંસનો તબેલો આવેલો છે. આ તબેલામાં વીરસિંહ ઉર્ફે કલ્લુ હોતમસિંહ સિકરવાર રહેતો હતો. તેમજ તે રિક્ષા ચલાવતો હતો. તબેલામાં જ રહેતા એક ગરીબ પરિવારની 14 વર્ષની બાળકીને વીરસિંહે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. આ સગીરાને વીરસિંહ એવુ કહેતો હતો કે, તેના બાપે તેની પાસેથી રૂપિયા લીધા છે એ રૂપિયા નહીં આપે ત્યાં સુધી તારે તેની સાથે સબંધ રાખવો પડશે. ઉપરાંત થોડા વર્ષ પહેલા વીરસિંહ સગીરાને લઈને મધ્ય પ્રદેશ જતો રહ્યો હતો. જ્યાં તેણે પોતાની હવસ સંતોષી હતી અને સગીરાને પત્નીની જેમ જ સાથે રાખતો હતો. સગીરાને ઉઠાવી જવા અંગે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

10 હજારનો દંડ પણ કરાયો
સગીરા પર થયેલા દુષ્કર્મને કારણે તે ગર્ભવતી બની ગઇ હતી. પોલીસે આરોપીને વર્ષ 2018માં જેલ હવાલે કર્યો હતો. આ કેસમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલોને ગ્રાહ્ય રાખવા સાથે કોર્ટે રેકોર્ડ પરના પૂરાવાઓને ધ્યાનમાં લઇને આરોપીને અલગ અલગ કલમો હેઠળ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તેમજ રૂપિયા 10 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી હતી. ભોગ બનનાર સગીરાને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે આપવાનો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.