નકલી નોટોની હેરાફેરી:સુરતમાં 40 લાખથી વધુની 500-2000ની ડુપ્લીકેટ નોટોના કેસમાં નોટોની હેરાફેરી કરનારા ત્રણ આરોપીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે

2017માં શહેરમાં 40 લાખથી વધુની કિંમતની 500 અને 2000ના દરની ચાર હજારથી પણ વધુ ડુપ્લીકેટ નોટો ફરતી કરવાના ચકચારીત કેસમાં ચાર યુવકોને કોર્ટે તકસીરવાર ઠેરવીને સજા કરી હતી. આ સજામાં નોટોની હેરાફેરી કરનારા ત્રણને ત્રણ વર્ષની સજા અને ઓફિસમાં ડુપ્લીકેટ નોટો બનાવનારને 6 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બે યુવકોને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરાયો હતો.

આ કેસની વિગત મુજબ સને-2016ના નવેમ્બર મહિનામાં જૂની નોટ બંધ કરીને તેની જગ્યાએ રૂા. 500 અને રૂા. 2000ની નવી નોટો અમલમાં આવી હતી. આ અમલવારીના છ મહિના બાદ જ શહેરમાં ડુપ્લીકેટ નોટો ફરતી થઇ ગઇ હતી. ત્યારે સુરત પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા રીંગરોડ ઉપર જૂની સબજેલની પાસે વોચ ગોઠવીને ત્યાંથી અજય હસમુખકુમાર પટેલ (રહે. મનપા આવાસ, ન્યુ આરટીઓ, પાલ રોડ), બાબુલાલ મહાદેવ વાનખેડે (રહે. મહાદેવ નગર, ડિંડોલી), વાસુ ઉર્ફે બંગાલી કાશીનાથ કર્મકર (રહે. સોફીમોલ, સરકારી સ્કૂલની પાસે, ચોકબજાર)ને પકડી પાડ્યા હતા.

તેઓની તપાસ દરમિયાન રૂા. 25.35 લાખની કિંમતની ડુપ્લીકેટ નોટો મળી આવી હતી. પુછપરછ બાદ અન્ય ત્રણ નામો રવિ અશોકભાઇ ગાંધી (રહે. આકાશ રો હાઉસ, પાંડેસરા), રજનીકાંત ઉર્ફે રાજુ મોતીલાલ ગાંગાણી (રહે. સંતતુકારામ સોસાયટી, રાંદેર), ચિરાગ ઉર્ફે ચીકુ હસમુકભાઇ પટેલ (રહે. સંકલ્પ રો હાઉસ, રાંદેર)નું નામ બહાર આવ્યું હતું. પોલીસે તેઓની પાસેથી પણ વધુ 15 લાખ જેટલી ડુપ્લીકેટ નોટો કબજે લીધી હતી. એસઓજીએ કુલ્લે 40 લાખથી વધઉની કિંમતની 4933 ડુપ્લીકેટ નોટો કબજે લઇને તમામની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. આ કેસમાં અજય, વાસુ અને બાબુલાલ નોટની હેરાફેરી કરતા હતા જ્યારે રવિ ગાંધી પોતાની ઓફિસમાં લેપટોપમાં એડોબ ફોટોશોપ મારફતે ડુપ્લીકેટ નોટો બનાવીને તેનું પ્રિન્ટઆઉટ કરી બજારમાં ફરતી કરતો હતો.

બીજી તરફ રજનીકાંત અને ચીરાગની સામે કોઇ પુરાવો મળ્યો ન હતો. પોલીસે પોતાની તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી અજય પટેલ, બાબલુ વાનખેડે અને વાસુ કર્મકરને ત્રણ વર્ષની સજા કરી હતી. જ્યારે રવિ ગાંધીને છ વર્ષની સજા કરવામાં આવી હતી. જ્યારે રજનીકાંત અને ચીરાગને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...