ચુકાદો:સુરતમાં કિશોરી પર દુષ્કર્મ આચરી બાળકીની માતા બનાવનાર માસાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

સુરત5 મહિનો પહેલા
આરોપી માસાનું DNA કિશોરીએ જન્મ આપેલ સંતાન સાથે મેચ થયું હતું.
  • માતા-પિતાના મૃત્યુ બાદ કિશોરી માસાની હવસનો શિકાર બની હતી

સુરતના સલાબતપુરા વિસ્તારામાં માતા-પિતાના મૃત્યુ બાદ માસાની વાસનાનો શિકાર બનેલી અને બાળકીને જન્મ આપનાર માસૂમ કિશોરી સાથેના દુષ્કર્મ કેસમાં કોર્ટે સજા સંભળાવી હતી. સુરત સેશન કોર્ટે આરોપી માસાને આજીવન કેદની સજા આપતો હુકમ ફરમાવ્યો છે. સાથે જ કોર્ટે માનવતા દાખવીને ભોગ બનનાર પીડિતાને 10 લાખની સહાય અને આરોપીને 7 હજારનો દંડ ફટકાર્યો છે. DNA રિપોર્ટમાં આરોપી પીડિતાની બાળકીનો પિતા હોવાનું બહાર આવતા કોર્ટે વીડિયો કોલિંગ દ્વારા ચુકાદો આપ્યો હતો.

પાડોશમાં રહેતા માસાએ દુષ્કર્મ આચરેલું
કિશોર વિઠ્ઠલદાસ રેવલિયા (સરકારી વકીલ)એ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ ઘટના બની હતી. માતા-પિતાના મૃત્યુ બાદ 14 વર્ષની કિશોરી મજૂરી કરી પેટિયું રળી ખાતી હતી. આ કિશોરીની એકલતાનો લાભ લઇ પાડોશમાં રહેતા માસા શૈલેષ મગનભાઈ રાઠોડએ એની ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે આખી ઘટના 7 મહિના બાદ કિશોરીનું પેટ બહાર આવતા જોઈ ગયેલા પિતરાઈએ સિવિલમાં તપાસ કરાવતા કિશોરીને ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જેથી તાત્કાલિક પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

સરકારી વકીલે કિશોરીને ન્યાય અપાવતી દલિલો કરી હતી.
સરકારી વકીલે કિશોરીને ન્યાય અપાવતી દલિલો કરી હતી.

DNA રિપોર્ટમાં માસા જ દુષ્કર્મી નીકળ્યો
પીડિત કિશોરીએ માસા બળજબરીથી ગંદુ કામ કરતા હોવાનું અને પોતાની વાસના સંતોષતા આવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે શૈલેષ રાઠોડની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી કિશોરીને ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો.દુષ્કર્મ પ્રકરણમાં પીડિત કિશોરીએ સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપતા પોલીસે DNA તપાસ કરાવી હતી. DNA રિપોર્ટ આવી ગયા બાદ આજે સુરત સેશન કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 7 હજારનો દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં પણ ભોગ બનનાર પીડિત કિશોરીને 10 લાખ આપવા જણાવ્યું હતું.