ઉમરપાડા-ગોવટ ગામ ખાતે રહેતી એક સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી તેની નિર્મમ હત્યા કરનારા 20 વર્ષના આરોપીને સ્પેશિયલ પોક્સો જજ કાલાએ આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવા તથા દંડની સજા ફટકારી છે. એપીપી કિશોર રેવલીયાની સમાજમાં દાખલારૂપ સજા આપવાની દલીલોને કોર્ટે માન્ય રાખી છે.
ગણેશોત્સવમાં ગરબા રમતી બાળકીને શિકાર બનાવેલી
ઉમરપાડાના ગોવટ ગામે 20 વર્ષના પ્રકાશ વસાવા રહે છે. સપ્ટેમ્બર 2015માં પોતાના ઘર પાસે ગણપતિ ઉત્સવ હતો. આ દરમિયાન 7 વર્ષની બાળકી ઘર પાસે ગરબા રમવા આવી હતી.ગરબા રમતા રમતા તે થાકી જતા આરોપી પ્રકાશ વસાવાએ તેને પોતાના ખોળામાં લઈ તેની સાથે રમવા લાગ્યો હતો. થાડીવાર બાદ ગરબે રમી રહેલા લોકોની નજર ચૂકવીને વાસનાંધ બનેલો પ્રકાશ તેને ઘરના વાડા પાછળ અંધારી જગ્યાએ લઈ ગયો હતો ત્યાં દુષ્કર્મ ગુજાર્યું હતું.
દુષ્કર્મ ગુજારી હત્યા કરી
પ્રકાશે દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકી લોહી લુહાણ થઈ ગઈ હતી. જેથી અન્ય લોકોને જાણ થઈ જશે તેવું વિચારીને ગળુ દબાવીને પ્રકાશે બાળકીની હત્યા કરી દીધી હતી. બાદમાં ફરાર થઈ ગયો હતો. પોલીસે બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી આરોપીને ધરપકડ કરી હતી. આ કેસની સુનાવણી આજે પુરી થતાં એપીપી કિશોર રેવલીયાની દલીલોને માન્ય રાખીને પ્રકાશ વસાવાને તકસીરવાર ઠેરવીને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી જેલ અને દંડની સજા કરી હતી. પોક્સો કોર્ટના જજ કાલાએ સમાજમાં ગુનેગારોને દાખલો બેસાડતી સજાનો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.