કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા અમરોલી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લારીઓ પર ફળો, સ્વેટર સહિતના રેડીમેટ કપડા તેમજ શાકભાજી વિક્રેતાઓની લારીઓ લઈ જતા વાતાવરણ તંગ થયું હતું. મનપાના અધિકારીઓને કામગીરીને લઇને નાના વેપારીઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. લારીના વેપારીઓ દ્વારા દબાણ ખાતાની ટીમ ઉપર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. એક ઈસમની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે આ હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાની વેપારીઓની રજૂઆત
અમરોલી વિસ્તારમાં મનપાની ટીમ દ્વારા દબાણ હટાવવા માટે સવારે એસઆરપીની ટુકડી સાથે પહોંચી હતી. મનપાના અધિકારીઓ તેમજ અન્ય દબાણ ખાતાના સ્ટાફ દ્વારા કામગીરી શરૂ કરતાની સાથે જ સ્થાનિક લારીઓના વેપારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય તે રીતે તેઓ રજૂઆત કરી રહ્યા હતા. અધિકારીઓ કયા કારણસર તેમની લારીઓ આ રીતે ઊંચકી જઈ રહ્યા છે તેવી દલીલો કરતા મામલો વધુ બીચક્યો હતો. લારીના વેપારીઓ દ્વારા દબાણ ખાતાની ટીમ ઉપર પથ્થરમારો પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો થયો
નાના વેપારીઓ અને મનપાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારા સુધીની સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે મનપાના અધિકારીઓ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસના આવતાની સાથે જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોતાની લારી ન ઉંચકી જવા માટે દબાણ ખાતાના અધિકારીઓની સામે વેપારીઓ ઊભા રહી ગયા હતા અને પોતાની લારી ન લઈ જવા માટે સતત માથાકૂટ કરતા જોવા મળ્યા હતા. વેપારીઓનો વિરોધ વધતો દેખાતા અમરોલી પોલીસે આખરે એક ઈસમની ધરપકડ કરી હતી.
મહાનગરપાલિકાના અધિકારીઓ સામે આક્ષેપ
મહાનગર પાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા અલગ-અલગ ઝોનમાં આ પ્રકારની કામગીરી સમયાંતરે કરવામાં આવતી હોય છે. પરંતુ કોઈ નક્કર પોલિસી ન હોવાને કારણે ખોટી રીતે નાના વેપારીઓને કનડગત કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો પણ સામાન્ય રીતે જોવા મળ્યા છે. નાના વેપારીઓ પોતાના ગુજરાન ચલાવવા માટે લારી પર વેચાણ કરતા હોય છે. પરંતુ નામ માત્ર મનપાના અધિકારીઓ લારી લઈ જાય છે અને ફરીથી રૂપિયા ખંખેરીને લારી પરત આપી દેતા હોય છે. અને વેપારીઓ ફરીથી લારી લગાવી દેતા હોય છે આ જ પ્રકારની સ્થિતિ વારંવાર જોવા મળતી હોય છે. ત્યારે ઘણી વખત એવું લાગે છે કે મનપાના દબાણ ખાતાના અધિકારીઓ માત્ર વેપારીઓ પાસે લારી છોડાવવા માટે રૂપિયા ખંખેરી લેવા માટે જ આ પ્રકારની કાર્યવાહી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.