કોરોના સુરત LIVE:ઓમિક્રોનના ખતરા વચ્ચે વધુ 5 કેસ નોંધાયા, હાઈરિસ્ક દેશમાંથી આવેલા યુવકે હોમ ક્વોરન્ટીનનો ભંગ કરતા 2500નો દંડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં તમામ નાગરિકોને વેક્સિન મળી રહે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
શહેરમાં તમામ નાગરિકોને વેક્સિન મળી રહે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 47 થઈ

સુરતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ જતાં પાલિકા સતર્ક બની છે. આજે કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. ત્યારે ચિંતાજનક રીતે કોરોના બાળકોમાં પણ પ્રસરી રહ્યો છે. જહાંગીરપુરા રહેતો અને ભુલકા વિહાર સ્કુલમાં ધોરણ 9માં ભણતો વિદ્યાર્થી સંક્રમીત થયો છે.સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. વેક્સિનના બે ડોઝ ન લેનારા પર પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. દરમિયાન ઓમિક્રોનને લઈને હાઈરિસ્ક દેશમાંથી આવેલા મગદલ્લા રોડ પર રહેતા યુવકે હોમ ક્વોરન્ટીનનો ભંગ કરતા 2500નો દંડ ફટકારવામાં આવ્યો છે.

તાંઝાનિયાથી આવેલા યુવકે હોમ ક્વોરન્ટીનનો ભંગ કર્યો
ઓમિક્રોનના કેસ જે દેશોમાં વધુ જોવા મળી રહ્યા છે. તે દેશોને હાઈ રિસ્ક દેશોમાં ગણવામાં આવી રહ્યા છે. 11 ડિસેમ્બરના દિવસે સાઇલેન્ટ ઝોનમાં રહેતા એક ઇસમ તાંઝાનિયાથી આવ્યો હતો. હાઈ રિસ્ક દેશમાંથી આવ્યો હોવાથી તેને હોમ ક્વોરન્ટીનમાં રહેવાનું સૂચન આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું. આજે મગદલ્લા રોડ વિસ્તારની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળની આકસ્મિક તપાસ કરતા યુવાન પોતાના રહેઠાણના સ્થળે જોવા મળ્યો ન હતો. જેથી આરોગ્ય વિભાગ દ્વારા એપેડેમીક ડિસીઝ એક્ટ હેઠળ રૂ. 2500નો દંડ ફટકાર્યો હતો.

પોઝિટિવ કેસનો આંક 1,44,167 પર પહોંચ્યો
શહેરમાં આજે વધુ 05 અને જિલ્લામાં 00 કેસ સાથે કુલ 05નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,44,167 થઈ છે. શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. જ્યારે શહેરમાંથી 06 દર્દીઓ અને જિલ્લામાંથી 04 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 1,42,003 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 47 થઈ છે.

રસીકરણની કામગીરી તેજ કરાઈ
પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યાં છે. આજે પાલિકા દ્વારા રસીકરણના પ્રથમ ડોઝ માટે 45 સેન્ટર અને બીજા ડોઝ માટે 99 સેન્ટર શરૂ કરાયા છે. આ સાથે જ કોવેક્સિન રસી માટે 11 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પણ અલગથી 2 સેન્ટર યથાવત રખાયા છે. જેથી કુલ 157 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.