કોરોના સુરત LIVE:શહેરમાં 4 અને જિલ્લામાં 5 કેસ, 7 વિદ્યાર્થી પોઝિટિવ આવતાં ક્લાસીસ 14 દિવસ માટે બંધ, પોઝિટિવનો આંક 143850 થયો

સુરત2 મહિનો પહેલા
ક્લાસીસને બંધ કરીને પાલિકા દ્વારા વિદ્યાર્થીઓના અન્ય જગ્યાએ ટેસ્ટ વધારી દીધા છે.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 84 થઈ ગઈ

શહેર અને જિલ્લામાં ધીમા પગલે કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. આજે શહેરમાં 04 અને જિલ્લામાં 05 કેસ સામે આવ્યા છે. જેથી પોઝિટિવ કેસનો આંક 143850 પર પહોંચી ગયો છે. એક્ટિવ કેસ પૈકી હાલ સિવિલમાં 3 અને સ્મીમેર હોસ્પિટલમાં 2 દર્દીઓની હાલત ગંભીર છે. સિટીલાઈટના જ્ઞાનવૃદ્ધિ ક્લાસીસમાં મનપા દ્વારા એક વિદ્યાર્થી જ્યારે કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યારે અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 7 જેટલા વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા ક્લાસીસને 14 દિવસ બંધ કરાવવામાં આવ્યું છે.

ક્લાસીસમાં પણ ટેસ્ટ કરાય છે-પાલિકા
મનપાના આસિસ્ટન્ટ આરોગ્ય કમિશ્નર ડો.આશિષ નાયકે જણાવ્યું કે, સિટીલાઈટ વિસ્તારના જ્ઞાનવૃદ્ધિ ક્લાસીસમાં વિદ્યાર્થી પોઝિટિવ આવતાની સાથે જ અમે ક્લાસીસ બંધ કરાવી દીધા છે. જે રીતે શહેરની શાળાઓની અંદર સંજીવની રથ ટેસ્ટિંગ માટે જાય છે.તેવી રીતે અમે તમામ ક્લાસીસમાં પણ આરોગ્ય સંજીવની રથની મદદથી કોરોના ટેસ્ટીંગની કામગીરી ખૂબ જ ઝડપથી કરી રહ્યા છીએ.ઓફલાઈન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકોને અમે સૂચનાઓ આપી છે.તેમણે સરકારે આપેલી SOPનું પાલન જરા પણ બેદરકારી રાખ્યા વગર કરવાનું રહેશે. કારણ કે ઓફલાઈનમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે, અને તેઓ કોરોના સંક્રમિત થાય તો ચિંતા વધી શકે છે. તેને કારણે પહેલેથી જ સાવચેતીના ભાગરૂપે સંચાલકોને સતત સૂચના આપી રહ્યા છીએ.

પોઝિટિવ કેસનો કુલ આંક 143850 થયો
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, ગતરોજ શહેરમાં 04 અને જિલ્લામાં 05 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 09 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143850 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. ગતરોજ શહેરમાંથી 04 અને જિલ્લામાંથી 04 મળી 08 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141654 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 84 થઈ ગઈ છે.

બીજા ડોઝ માટે સેન્ટર વધારાયા
સુરત મહાનગર પાલિકા દ્વારા અગાઉ મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ઝડપથી શહેરીજનોને બન્ને ડોઝ વેક્સિનના મળી રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે 28 સેન્ટર પર પ્રથમ ડોઝ,70 સેન્ટર પર બીજો ડોઝ અને 2 વિદેશ જનારા લોકો માટે તથા 37 સેન્ટર પર એપોઈન્ટમેન્ટથી રસી અપાઈ રહી છે. 10 સેન્ટર પર કોવેક્સિનની રસી અપાઈ રહી છે.