વિધાનસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ શહેરમાં સક્રિય થઇ રહી છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે તેમને હક અને અધિકારના શીર્ષક હેઠળ ભાજપના ધારાસભ્યોની જનસંપર્ક કાર્યાલય પર જઈને લોલીપોપ અને બંગડી આપી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપના ધારાસભ્યોની એક બાદ એક કાર્યાલય ઉપર જઈને રજૂઆત કરવાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. કતારગામ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયા અને ઓફિસે જઈને આજે તેમને લોલીપોપ અને બંગડી આપીને કોંગ્રેસના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ ધારાસભ્ય વિનુ મોરડિયાની ઓફિસે પહોંચ્યાં હતા, પરંતુ તેઓ ઓફિસમાં હાજર ન હતા.
સોસાયટીના પ્રશ્નો સહિતના મુદ્દા ઉઠાવ્યા
વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ શરૂ કરવાની માંગ, વરાછા વિસ્તારમાં કબ્જા રસીદવાળી મિલકતો કાયદેસરની માલિકી હક આપવામાં માટેની માંગ, વરાછા વિસ્તારમાં રોડ-રસ્તા વચ્ચે બંધ પડેલ હાઇટેન્સન લાઈનો હટાવી રોડ-રસ્તા ખુલ્લા કરવાની માંગ કરવામાં આવી રહી છે. તેમજ વરાછા સહિત સમગ્ર સુરત શહેરમાંથી પસાર થતી દાગ સમાન ગંધ મારતી ખાડીને પેક કરવાની માંગ જેવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ થાય છે. સુરતમાં જે વિસ્તારોમાં વર્ષો જૂની સરકારી ગ્રાન્ટેડ કોલેજ છે તે વિસ્તારો કરતાં વરાછા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી ભારે વસ્તીવધારો થયો છે. તેમ છતાં વરાછા વિસ્તારમાં એક પણ સરકારી ગ્રાન્ટેડ કોલેજ આવેલ નથી. શહેરી વિસ્તાર કરતાં અનેકગણો વસ્તીવધારો વરાછા વિસ્તારમાં થયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ગ્રાન્ટેડ કોલેજ અનિવાર્ય છે. તેથી વરાછા વિસ્તારમાં વહેલી તકે સરકારી કોલેજ શરૂ કરવા જનતા વતી કોંગ્રેસ પક્ષની માંગ છે.
સ્થાનિક પ્રશ્નો ઉઠાવાયા
કોંગ્રેસના નેતા દિનેશ રાવલીયા જણાવ્યું કે,મહાનગરપાલિકાની બેદરકારી ઉપેક્ષા અને બેજવાબદાર વહીવટને કારણે સુરત શહેરના વરાછા વિસ્તારમાં કબ્જા રસીદથી મિલકતો ઓળખાય છે. જેથી કબ્જા રસીદવાળી મિલકતોને સરકારી દસ્તાવેજીકરણ કરીને કાયદેસરની માલિકી હક આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. રહેણાંક વિસ્તારો છે ત્યાં વીજળીની હાઇટેન્શન લાઈનો હટાવી શહેર, ગામડાના રહેણાંક વિસ્તારની બહાર ખસેડવામાં આવે છે.વરાછા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી દાગ સમાન ગંદી, ગોબરી, ગંધાતી ખાડીને પેક કરવા કૉંગ્રેસ પક્ષ દ્વારા અગાઉ પણ મહાનગરપાલિકાની જનરલ સભામાં વારંવાર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમજ છેલ્લા ત્રણ વર્ષથી આ ખાડીને પેક કરવા વિવિધ વિભાગો સહિત રાજ્ય સરકારને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવેલ હતી. તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી. સરકારી તંત્ર અને મહાનગરપાલિકાના અણઆવડત, તાનાશાહી વહીવટના કારણે સર્જાયેલ સુરતના વરાછા વિસ્તારની આમ જનતા ના વર્ષો જૂના વિવિધ મુદ્દાઓ પર સરકાર વિશેષ ધ્યાન આપી લોકહિતમાં કાર્ય કરે એવી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી જનવેદના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.