તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Application To Surat Collector Through 'Aap' To Take Immediate Action For Rural People Including Declining Rainfall In Gujarat, Agriculture farmer

રજૂઆત:ગુજરાતમાં વરસાદની ઘટ, ખેતી-ખેડૂત-પશુપાલક સહિતની ગ્રામીણ જનતા માટે તાત્કાલિક પગલાં ભરવા 'આપ' દ્વારા સુરત કલેક્ટરને આવેદન

સુરત19 દિવસ પહેલા
ખેડૂતોની હાલત કફોડી થતા આપ દ્વારા કેલક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ.
  • રાજ્યમાં વરસાદની 30 વર્ષની સરેરાશ સામે આ વર્ષે વરસાદની 58.29 %ની ઘટ

ગુજરાતના ખેડૂતોની સ્થિતિ આ વર્ષે ખુબ કફોડી છે. પહેલા તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો, હવે વરસાદ હાથ-તાળી દઈ રહ્યો છે. મોટાભાગના ડેમ અને તળાવો ખાલીખમ્મ છે. પથરાળ વિસ્તારોમાં વાવાઝોડાના માવઠા અને આગોતરા વરસાદે જે તળ વધ્યા હતા એ હવે છેડે આવી ગયા છે. એકધારા વાદળછાયા વાતાવરણને કારણે જીવાતના ઉપદ્રવે દવા ખર્ચમાં વધારો કર્યો, મોંઘા ભાવના ડીઝલ બાળ્યા પછી હવે પાક મરી પરવાર્યો છે. રાજ્યમાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાને લઇ ખેતી-ખેડૂત-પશુપાલક સહિતની ગ્રામીણ જનતા માટે તાત્કાલિક પગલાં ભરવા બાબતે આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.

આખા ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 41.71%
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઈટ પર આંકડા મુજબ જૂન-જુલાઈ-27 ઓગસ્ટ સુધીની જિલ્લાવાર વરસાદની ટકાવારી ખુબ ચિંતાજનક છે. આંકડાઓ અનુસાર ગુજરાતના 5 વિસ્તારોમાં 27 ઓગસ્ટ સુધીમાં કચ્છમાં સરેરાશ 31.74 %, ઉત્તર ગુજરાતમાં 31.98%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37.93%, સૌરાષ્ટ્રમાં 37.05% અને દક્ષિણ ગુજરાતમાં 51.31% વરસાદ થયો છે. કચ્છમાં 68.26%, ઉત્તર ગુજરાતમાં 68.02 %,પૂર્વ-મધ્ય ગુજરાતમાં 62.07 %, સૌરાષ્ટ્રમાં 62.95 % અને દક્ષિણ ગુજરાતમાં 68.69 % વરસાદની ઘટ છે. આખા ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 41.71% છે એટલે રાજ્યમાં વરસાદની 30 વર્ષની સરેરાશ સામે આ વર્ષે વરસાદની 58.29 %ની ઘટ છે.

સરકારની યોજનાઓ શરૂ કરવા માંગ
આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખે આમ આદમી પાર્ટી-ગુજરાતની સરકાર પાસે માંગણી કરી છે કે, સરકાર પાસે હાલ જે યોજનાઓ છે તેનો વખતસર અમલ શરુ કરે, લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જરૂર પડે તો નવી યોજનાઓ બનાવી તાત્કાલિક અમલ શરૂ કરે. જેમાં એસડીઆરએફ યોજનામાં ખેડૂતોના ખેતરે ખેતરે સર્વે કરાવીને હેક્ટરદીઠ રોકડ રકમ ચૂકવવી, રકમમાં ભાવવધારાને ધ્યાને રાખી વધારો કરવો જરૂરી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એસડીઆરએફના ધોરણે જ સર્વે કરી જે જે ખેડૂતોને નુકશાન થયું હોય એ પ્રમાણે ભાવવધારાને ધ્યાનમાં રાખી વળતર ચૂકવવું.

સરકાર સમયસર પગલાં ભરે તે જરૂરી
ખેડૂતો નથી એમના માટે દુષ્કાળ મેન્યુઅલમાં વરસાદની આનાવારી (ટકાવારી) પ્રમાણે કરવાનાં કામો - (1) ગામ માટે પીવાના પાણીની વ્યવસ્થા નિશ્ચિત કરવી, (2) ગામનું કોઈ પરિવાર રાશનકાર્ડ ના ધરાવતું હોય છતાં જો સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદવા માગતું હોય તો તમામ માટે પૂરતા અનાજની જોગવાઈ કરવી, (3) પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી, (4) જરૂરિયાત મંદો માટે તરત જ રાહતકામો શરૂ કરવા જોઈએ. જો પાછોતરો વરસાદ પૂરતો ના થાય તો પીવાના પાણીના અંતરિયાળ ગામોમો ગંભીર પ્રશ્નો ઉભા થાય તેવી સ્થિતિ છે ત્યારે સરકાર સમયસર પગલાં ભરે તે જરૂરી છે.