તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લૂઝિવ:કોરોના થતાં સુરત સિવિલના નર્સ પતિના વોર્ડમાં દાખલ થયાં, બન્ને ઇશારામાં વાત કરતાં, પતિ ICUમાં ગયા પછી ક્યારેય ન મળી શક્યા

સુરત3 મહિનો પહેલાલેખક: આશિષ મોદી
  • ઉર્મિલાબહેન સુરતના ફ્લોરેન્સ નાઈટેંગલ
  • 7 દિવસ પછી રજા લીધી ત્યારે ખબર પડી કે હું ક્યારેય મારા પતિને નહીં મળી શકું
  • મને મારા પતિના મોતના સમાચાર પણ સાંભળવા ન મળ્યા; એ બીમારી કેવી હશે એની કલ્પનાનો અનુભવ મેં કર્યો

ગુજરાતમાં કોરોના મહામારીના પ્રવેશને 19 માર્ચે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. જોકે એક વર્ષ બાદ ફરી ઘડિયાળનો કાંટો ઊલટો ફરીને એ સમય પર જ આવી ગયો છે. રાજ્યમાં ફરી કોરોના બેકાબૂ બન્યો છે. આ એક વર્ષમાં કોરોના વોરિયર્સે પોતાના જીવની કે પરિવારની પરવા કર્યા વિના દર્દીઓની ખડેપગે રહીને સેવા કરી છે. કોરોનાના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે વાત છે સુરતના ફ્લોરેન્સ નાઈટેંગલ( નર્સિગની સેવાને વધુ સરળ બનાવનારા બ્રિટિશ મહિલા) એવાં ઉર્મિલાબહેન લાલસિંગ પ્રધાનની.

‘પતિને ICUમાં લઈ ગયા બાદ ક્યારેય મળી શક્યાં નહીં’
સુરત સિવિલ હોસ્પિટલનાં નર્સ ઉર્મિલાબહેને કોરોનાને કારણે પતિ ગુમાવ્યા બાદ પણ 15-15 દિવસની બે પાળીમાં કોવિડ-19 હોસ્પિટલમાં ખડેપગે રહી ફરજ બજાવી છે. આ અંગે DivyaBhaskar સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે પતિને સંક્રમણ થયાના બીજા જ દિવસે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બન્ને કોવિડ-19 હોસ્પિટલના એક જ વોર્ડમાં સારવાર લઈ રહ્યાં હતાં. જોકે તેમની તબિયત બગડતાં તેમને ICUમાં લઇ ગયા બાદ અમે અલગ પડ્યાં. ત્યાર પછી ક્યારેય મળી શક્યાં નહીં. તેમના મૃત્યુની જાણ પણ મને બે દિવસ પછી કરવામાં આવી હતી.

‘છેલ્લી ક્ષણોમાં સાથે પણ ન રહી શકી એનું દુઃખ છે’
ઉર્મિલાબહેને પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું, 31 વર્ષની નોકરીમાં કોરોના આટલી મોટી જીવલેણ બીમારી હોવાનું પહેલો અનુભવ છે, ભગવાન આવા દિવસ કોઈને ન દેખાડે, એક પરિચારિકા હોવા છતાં હું તેમને ન બચાવી શકી અને છેલ્લી ક્ષણોમાં સાથે પણ ન રહી શકી એનું દુઃખ છે. નોકરીને 31 વર્ષ થઈ ગયા, પ્લેગ, સ્વાઈન ફ્લૂ જેવી જીવલેણ બીમારીઓ સામે કામ કર્યું, પણ આ એક માહામારી સામે હાર માનવી પડી, કારણ કે એ મારા પતિને ભરખી ગઈ.

‘પતિને ચેપ લાગ્યાના બીજા કે ત્રીજા દિવસે મને અસર દેખાઈ’
સુરત સિવિલના આ નર્સે વધુમાં કહ્યું, 6 જુલાઈ 2020નો દિવસ હતો. અચાનક મારા પતિ લાલસિંગને કોરોના સંક્રમણ લાગી ગયું. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલે તેમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા. બધું જ નોર્મલ હતું એવામાં અચાનક બીજા કે ત્રીજા દિવસે મને સંક્રમણની અસર દેખાય અને રિપોર્ટ પોઝિટિવ આવતાં મને પણ મારા પતિના ફ્લોર પર જ દાખલ કરી દીધી. બન્ને એક ફ્લોર અને એક જ વોર્ડમાં હતાં. એકબીજાને જોઈ ઇશારામાં વાત કરી લેતાં હતાં.

‘મારી આંખો છલકાઈ ગઈ હતી’
પરંતુ અચાનક મારા પતિની તબિયત બગડીને તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. બસ, એ દિવસ કહો કે રાત, અમારા બન્નેને છૂટાં પડવાનો છેલ્લો દિવસ હતો. પછી શું થયું એ બાબતે મને કોઈ કહેતું ન હતું. 7 દિવસ પછી મેં હોમ ક્વોરન્ટીન થવાનો નિર્ણય કરી રજા લીધી, ત્યારે ખબર પડી કે હવે હું ક્યારેય પતિને નહીં મળી શકું. 14 જુલાઈ, 2020ના રોજ મારા પતિનું કોરોનામાં મૃત્યુ થયું. મારી આંખો છલકાઈ ગઈ હતી. તેમના ફોટો જોઈ બસ હું રડતી જ રહી, મને આશ્વાસન મળતું રહ્યું. મારી માથે આભ ફાટ્યું હોય એવો સમય હતો, પરંતુ હિંમત ન હારી અને જે મહામારી મારા પતિને ભરખી ગઈ છે એની સામે લડવાનો નિર્ણય કરી, હવે કોઈ મરશે નહીં એવા સંકલ્પ સાથે સેવા એટલે કે નોકરી શરૂ કરી હતી.

માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જ આ બીમારીની એકમાત્ર દવા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે દુઃખોના પહાડ વચ્ચે મેં કોરોના વોરિયર્સ બની 15-15 દિવસની બે પાળીમાં અનેક દર્દીઓની સેવા કરી, તમામને મેસેજ આપ્યા, સાજા થતાં જ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝ જ આ બીમારીની એકમાત્ર દવા છે. આજે હું અને મારા તમામ દર્દી ખુશ છે. હું આ દિવસ ક્યારેય નહીં ભૂલું, મને મારા પતિના મોતના સમાચાર પણ સાંભળવા ન મળ્યા એ બીમારી કેવી હશે એની કલ્પનાનો અનુભવ મેં કર્યો છે, એવો અનુભવ ભગવાન કોઈને ન કરાવે એવી જ પ્રાર્થના કરું છું.

પતિ પીએફ કચેરીના કર્મચારી હતા, દીકરી એન્જિનિયર
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મારા સ્વર્ગવાસી પતિ લાલસિંગ પીએફ કચેરીના નિવૃત્ત કર્મચારી હતા. મારે બે સંતાન છે, જેમાં દીકરી એન્જિનિયર છે અને હાલ ઘરમાં જ છે, જ્યારે દીકરો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. મેં રાજકોટ અને કામરેજ CHCમાં સેવા આપ્યા બાદ છેલ્લાં 5 વર્ષથી સુરત સિવિલ હોસ્પિટલમાં પરિચારિકા તરીકે ફરજ બજાવી રહી રહી છું.

આ એક્સક્લૂઝિવ અહેવાલો પણ વાંચો

ગુજરાતમાં કોરોનાના 1લા પેશન્ટ નદીમે કહ્યું, 'આ તો જેને થાય તેને જ ખબર પડે, 3 મહિના ઘરની ચાર દીવાલમાં રહ્યો, સાજો થતાં જ પુત્રને પેટ પર બેસાડ્યો'

ગુજરાતમાં કોરોનાની 1લી પેશન્ટ રીટાએ કહ્યું, એ 14 દિવસ હું ક્યારેય નહીં ભૂલું, એક તરફ એકલતા અને બીજી તરફ મોત આપતી બીમારી

મને બચાવી લો...મારા પરિવારના 5માંથી 4 લોકો કોરોના સંક્રમિત છે, લોકો સોસાયટી છોડાવવા ધમકી આપે છે

તંત્રએ મને સુપર સ્પ્રેડર જાહેર કરતાં મિત્રો-કુટુંબીજનો સહિતના લોકો મને કોરોનાબોંબ ગણતાં, એ સમયને જીવીશ ત્યાં સુધી ભૂલીશ નહીં

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફરજ પર રહેલા ગુજરાત પોલીસના પહેલા કોરોના પેશન્ટ, ફેમિલીને એમ જ હતું કે કદાચ આ હવે પાછો નહીં આવે

કોરોનાની દહેશત વચ્ચે પપ્પાની તબિયત લથડવા લાગી, અંતિમવિધિ માટે પણ ફાંફાં પડી ગયાં હતાં, એ દિવસ નહીં ભૂલી શકું

અન્ય સમાચારો પણ છે...