સુરતના સિટી લાઈટ રોડ ઉપર મોર્નિંગ વોક કરતી એક વૃદ્ધાને અજાણી કારે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. વૃદ્ધા આશાબેનના બે દીકરા અને પતિ ત્રિલીંગેશ્વર સોમનાથ મંદિરના પૂજારી હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે બનેલી હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટેલા વૃદ્ધાને લઈ ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 10 દિવસમાં આ રોડ ઉપર બીજો મોટો અકસ્માત થયો હોવાનું પૂજારી પરિવારે જણાવ્યું છે.
અકસ્માત બાદ વાહન ચાલક નાસી ગયો
પોલીસે જણાવ્યું હતું કે, વહેલી સવારની હતી. એક વૃદ્ધાને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લઈ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે વૃદ્ધાનો મૃતદેહ મળ્યો હતો. તપાસ કરતા મરનાર આશાબેન ગોવિંદભાઈ દવે (ઉ.વ. 58) રહે. આશીર્વાદ વિલા ન્યૂ સિટી લાઈટના રહેવાસી હતા. પરિવાર સોસિયો સર્કલ પાસેના મંદિરમાં પૂજારી છે. હાલ તપાસ ચાલી રહી છે. લગભગ ઘટના CCTVમાં કેદ હોય એની પણ તપાસ કરીશું.
10 વર્ષથી મોર્નિગ વોક પર જતાં હતા
ધર્મેશભાઈ (પીડિત પુત્ર) એ જણાવ્યું હતું કે, મમ્મી છેલ્લા 10 વર્ષથી મોર્નિંગ વોક પર જતાં હતાં. આજે અચાનક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો ને ખબર પડી કે કોઈ વાહન મમ્મીને અડફેટે લઈ ભાગી ગયો છે. ઘટના સ્થળે આવતા મમ્મીનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બે ભાઈઓ અને પિતા ત્રિલીંગેશ્વર સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.