GIDC દુર્ઘટના:MPથી પ્રેમ લગ્ન કરી 6 મહિના પહેલાં સુરત આવેલા દંપતીનું ગેસ ગૂંગળામણથી મોત, પત્નીના પેટમાં 2 મહિનાનો ગર્ભ હતો

સુરત12 દિવસ પહેલાલેખક: આશિષ મોદી
સારવાર મળે એ પહેલાં જ પતિ-પત્નીનાં મોત નીપજ્યાં હતાં.
  • રોજગારીની શોધમાં સુરત આવેલા શ્રમિકોનું ભરનીંદરમાં જ મોત

વતનમાં પ્રેમ લગ્ન લોકો નહીં સ્વીકારે એ ડરથી પતિ-પત્ની તરીકેની નવી જીવનયાત્રા સુરતમાં શરૂ કરી હતી. છ મહિના પહેલાં જ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કાલી અને સુલતાનની સફરનો અંત કેમિકલના ગંદા વેપલાએ કર્યો છે. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની કાલી ઉર્ફે કિરણ અને સુલતાન વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમને મૂર્ત સ્વરૂપ આપવા બન્નેએ ભાગીને લગ્ન કર્યાં હતાં. બાદમાં રોજગારી અને શાંતિના જીવન માટે તેઓ સુરતની સચિન જીઆઈડીસીની મિલમાં નોકરી કરીને જીવન ગુજારતાં હતાં. મધુર લગ્નજીવનની મીઠી યાત્રામાં કાલીને બે માસનો ગર્ભ પણ હતો. પતિ-પત્ની બેમાંથી ત્રણ બનવાનો આનંદ ઊજવી રહ્યાં હતાં, એવામાં જ ભરનીંદરમાં મોત મળતાં દંપતીની સાથે કામ કરતા લોકો પણ શોકમાં ગરક થઈ ગયા હતા.

મળેસ્કે સર્જાયેલી દુર્ઘટનામાં મૃતકો ચીસ પણ પાડી શક્યા નહોતા.
મળેસ્કે સર્જાયેલી દુર્ઘટનામાં મૃતકો ચીસ પણ પાડી શક્યા નહોતા.

તરફડીને મોત મળ્યું
પતિ-પત્ની તરીકે નવા જીવનની શરૂઆત કરનારા કાલી અને સુલતાન રોજેરોજ મિલમાં મજૂરી કરીને શાંતિનો રોટલો ખાઈ રહ્યાં હતાં. જોકે સુમધુર દાંપત્ય જીવન જીવતાં કાલી અને સુલતાનની પ્રેમકહાણી કહો કે લગ્નજીવન પર કેમિકલ વેપલો ચલાવનારા માફિયાઓની જાણે નજર લાગી ગઈ હતી. વહેલી પરોઠના ચારેક વાગ્યે કેમિકલ ઠાલવવામાં આવતાં જ બન્ને પતિ-પત્ની ઊંઘમાં જ તરફડવા લાગ્યાં હતા, સાથે કામ કરતા અન્ય કામદારો એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ લાવ્યાં હતાં. જોકે સારવાર મળે એ પહેલાં જ બન્ને પતિ-પત્નીનાં મોત નીપજી ચૂક્યાં હતાં.

ટપોટપ શ્રમિકોનાં ભરનીંદરમાં જ મોત નીપજ્યાં હતાં.
ટપોટપ શ્રમિકોનાં ભરનીંદરમાં જ મોત નીપજ્યાં હતાં.

બે માસના ગર્ભનું પણ મોત
કાલી અને સુલતાની પ્રેમયાત્રાના પરિપાક સ્વરૂપે કાલી ઉર્ફે કિરણને બે માસનો ગર્ભ પણ રહ્યો હતો. ગર્ભ રહ્યાના પહેલા જ દિવસથી બન્ને ખુશ હતાં. બેમાંથી ત્રણ બનવાની યાત્રા પણ બન્ને સાથે જ જીવી રહ્યાં હતાં. સુલતાન કિરણ માટે રોજેરોજ કામ પરથી છૂટીને કંઈ ને કંઈ સારી વસ્તુ ખરીદી લાવીને કિરણને ખુશ રાખવાનો પ્રયાસ કરતો હતો. જેથી આવનારું બાળક પણ ખુશ રહે. જોકે ગર્ભસ્થ બાળક આ દુનિયામાં આવે એ પહેલાં જ કેમિકલને તેનો શ્વાસ રુંધી દેતાં આ ફાની દુનિયામાં આવ્યા પહેલાં જ બાળક પણ જતું રહ્યું હતું.

સ્થાનિકો જોળી કરીને તમામને સારવાર માટે લઈ ગયા હતા.
સ્થાનિકો જોળી કરીને તમામને સારવાર માટે લઈ ગયા હતા.

ખૂબ પ્રેમાળ જોડી હતી
સાથે કામ કરનાર શ્રમિકે કહ્યું હતું કે કાલી અને સુલતાન બહુ પ્રેમાળ જોડી હતી. બન્ને વચ્ચેનો પ્રેમ અમારા ટોળામાં ખૂબ જ સરાહનીય હતો. અમે તેમના મોતને હજુ સુધી સ્વીકારી શકતા નથી. સુલતાન ત્રણ ભાઈમાં બીજા નંબરનો દિલદાર હતો. જ્યારે કાલી ઉર્ફે કિરણ પણ ખૂબ જ સોહામણી હતી. કિરણ ગર્ભવતી થઈ ત્યારથી સુલતાન પણ ધીરે ધીરે વધારે સ્થિર અને જવાબદારીવાળો બની ગયો હતો. જોકે આ દંપતી સહિત છ જણને મોતનો રસ્તો દેખાડનારા સામે યોગ્ય કાર્યવાહી થાય એ જ અમારી માગ છે.