ઢાકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી બાંગ્લાદેશ દ્વારા આજે ભારતની સુરત સહિતની પાંચ ચેમ્બર ઓફ કોમર્સ સાથે વેબ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની દિશામાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં બાંગ્લાદેશમાં ભારતથી થતા ફેબ્રિકના એક્સપોર્ટ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડવા માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઢાકા ચેમ્બર ઓફ કોમર્સને રજૂઆત કરવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં શરૂ થનારા 100 જેટલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે માહિતી આપી
ભારતની ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ-ઇન્ડિયા, ત્રિપુરા ચેમ્બર ઓફ કોમર્સ, એસોચેમ અને ફેડરેશન ઓફ કર્ણાટકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે વેબ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢાકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સેક્રેટરી જનરલ અફસારુલ આરિફીને ભારતની ઉપરોકત પાંચેય ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તથા પ્રતિનિધીઓને ભૂતકાળમાં થયેલા એમઓયુના આધારે વર્ચ્યુઅલ એકઝીબીશન, ઇન્વેસ્ટમેન્ટ ડાયલોગ અને પ્રોડકટ સ્પેસિફીક બીટુબી મિટીંગ કરવા માટે અનુરોધ કર્યો હતો. બાંગ્લાદેશમાં શરૂ થનારા 100 જેટલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે માહિતી આપી તેમણે ભારતમાંથી રોકાણકારો મળી રહે તે માટે પ્રમોશન કરવા ચેમ્બર ઓફ કોમર્સને અનુરોધ કર્યો હતો.
સુરતથી એક્સપોર્ટ થતા ફેબ્રિકની કસ્ટમ ડ્યુટી ઘટાડવા બાંગ્લાદેશ સરકારને જણાવાશે
સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરતમાંથી સૌથી વધારે ફેબ્રિક સપ્લાય થાય છે. પરંતુ ચાઇના અને શ્રીલંકા કરતા ભારતથી બાંગ્લાદેશમાં થતા એક્સપોર્ટ ઉપર કસ્ટમ ડ્યુટી વધારે છે. આથી બાંગ્લાદેશ સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવશે તો સુરતમાંથી વધુમાં વધુ ફેબ્રિક એક્સપોર્ટ કરી શકાશે. આ સંદર્ભે અફસારુલ આરિફીને જણાવ્યું હતું કે ચાઇના અને શ્રીલંકા કરતા ભારતથી આયાત થતા માલ ઉપર કસ્ટમ ડ્યુટી વધારે હશે તો તેને ઘટાડવા માટે તેમના તરફથી બાંગ્લાદેશ સરકારને ચોક્કસપણે જણાવવામાં આવશે.
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ચેમ્બર તરફથી અવગત કરાશે
આશિષ ગુજરાતીએ સુરતમાં ઉત્પાદિત થતા વિસ્કોસ ફિલામેન્ટ ફેબ્રિક, લિનન, પોલીસ્ટર અને નાયલોન વિગેરે ફેબ્રિકના સપ્લાય માટે પણ વ્યવસ્થા ઉભી કરવા તેમજ મેડીકલ ટુરિઝમને પ્રમોટ કરવા માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું. તેમણે બાંગ્લાદેશમાં શરૂ થનારા 100 જેટલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંગે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ચેમ્બર તરફથી અવગત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ટેક્નોલોજી સપોર્ટ પણ સુરતથી આપવામાં આવશે
સુરતમાં ટેકસટાઇલ એન્જિનિયરીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકાર પરેશ ઠુમ્મરે સુરત ખાતે ડેવલપ થયેલી રેપીયર અને એરજેટ મશીનરી વિશે માહિતી આપી હતી. તેમણે બાંગ્લાદેશમાં લુંગી ફેબ્રિક બનાવવા માટે એક પાયલોટ પ્રોજેકટ પાર્ટનરશિપમાં શરૂ કરી શકાય અને તેના માટે ટેક્નોલોજી સપોર્ટ પણ સુરતથી આપવામાં આવશે તેમ કહી ઢાકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.