'આપ'ને કાબૂમાં રાખવાનો પ્લાન:સુરતમાં મુખ્યમંત્રી-મંત્રીથી લઈને પાટીલ સુધીના નેતાઓના આંટા ફેરા વધ્યા, દોઢ મહિનામાં ત્રીજું શક્તિપ્રદર્શન

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં આજે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ, મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખ સહિત 30 હજાર કાર્યકરો હાજર રાખવાનું આયોજન
  • રૂપાણી સરકારમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રનો દબદબો હતો, પટેલ સરકારમાં 'આપ'ના કારણે સુરતનો દબદબો વધ્યો

ગુજરાતમાં બે મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવા એકદમ નવા ચહેરા સાથેના પ્રધાનમંડળની રચના કરવામાં આવી છે. જેમાં સુરત જાણે પ્રધાનોનું શહેર બની ગયું હોય તે રીતે ત્રણ રાજ્ય કક્ષાના મંત્રી અને એક કેબિનેટ મંત્ર બનાવવામાં આવ્યાં છે. સુરતમાંથી પ્રધાનો બનાવવા પાછળ રાજકીય તજજ્ઞો આમ આદમી પાર્ટીની સુરતમાં વધતી તાકાતને કાબૂમાં રાખવા માટેની રાજનીતિ હોવાનું પણ ગણાવી રહ્યાં છે. દરમિયાન છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતમાં સુરત કેન્દ્ર સ્થાને આવી ગયું છે. જન આશીર્વાદ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્ણેશ મોદી બાદ આજે ત્રીજું શક્તિપ્રદર્શન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુલી જોડાયા હતા.

10 ઓક્ટોબરે જન આશીર્વાદ યાત્રામાં શક્તિપ્રદર્શન
10 ઓડક્ટોબરના રોજ શહેરના બે મંત્રીઓની વિશાળ જન આશીર્વાદ યાત્રા નીકળી હતી. માર્ગ મકાન મંત્રી બન્યા બાદ પૂર્ણેશ મોદી અને ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પહેલીવાર પોતાના શહેરમાં આવ્યા હતા. પૂર્ણેશ મોદીની જન આશીર્વાદ યાત્રા સરોલીથી અડાજણ સુધી ફરી હતી જ્યાં 54 પોઇન્ટ પર સ્વાગત કરાયું હતું. હર્ષ સંઘવીની યાત્રા કારગિલ ચોક, પીપલોદથી નીકળી અલથાણ ખાતે પૂર્ણ થઇ હતી. પૂર્ણેશ મોદીની યાત્રાની સારોલી-જહાંગીરપુરાથી રામનગર, અડાજણ પાટીયા, ગુજરાત ગેસ સર્કલથી જલારામનગર પહોંચી હતી. અત્યાર સુધી સુરતમાં નરેન્દ્ર મોદીના સ્વાગતમાં અને ત્યારબાદ સી.આર.પાટીલ માટે આટલી ભીડ થઈ હતી. હવે હર્ષ સંઘવી માટે પણ હજારો લોકો ઉમળકાભેર યાત્રામાં જોડાયા હતા. માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીની જન આશીર્વાદ યાત્રા અડાજણ, રાંદેર અને જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં ફરી હતી. જ્યાં અલગ અલગ પોઇન્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.પોતાના વિસ્તારમાં મંત્રી પૂર્ણેશ મોદીએ લોકોના આશીર્વાદ મેળવવા કાઢેલી યાત્રામાં મ્યાનમાંથી તલવાર કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું.

મંત્રીઓ સાથે શક્તિપ્રદર્શનમાં પાટીલ પણ સાથે રહે છે.
મંત્રીઓ સાથે શક્તિપ્રદર્શનમાં પાટીલ પણ સાથે રહે છે.

છેલ્લા 2 મહિનામાં સુરતથી થયેલી મહત્વની જાહેરાત અને કાર્યક્રમો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેવાર વર્ચ્યુલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ચૂક્યા છે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આજે બીજીવાર સુરતમાં આવી રહ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ પાટીલ અને અન્ય રાજ્ય કક્ષાના નેતાઓ સતત લોકોની વચ્ચે જઈ વિકાસના કામો કરી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી 'આપ' પણ શહેરમાં નજરે ન પડતું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. 21 નવેમ્બરના રોજ શિક્ષણમંત્રી જીતુ વાધાણી દ્વારા સુરતથી ધોરણ 1થી 5ની સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 3 નવેમ્બરના રોજ પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરતનો ગોલ્ડન સમય ચાલી રહ્યો છે. સુરત જે માગે છે તેના કરતાં પણ વધુ તેને મળી રહ્યું છે. 22 ઓક્ટોબરના રોજ હર્ષ સંઘવીએ પોતાના સન્માન સમયે જણાવ્યું હતું કે, હું તો આજેય હર્ષ છું અને આજીવન હર્ષ રહીશ. પોતાનાં માતા-પિતાએ તેમના માટે ખૂબ કર્યું છે. પત્નીએ પણ તેમને પળેપળ સહકાર આપ્યો છે. સ્પીચ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. તેમનાં માતા અને પત્ની પણ હર્ષ સાથે ભાવુક થયાં હતાં. 10 ઓક્ટોબરના રોજ હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ પહેલી વખત સુરત આવી પોતાના મત વિસ્તારના લોકોનો સંપર્ક કર્યો હતો. અત્યાર સુધી સુરતમાં નરેન્દ્ર મોદીના સ્વાગતમાં અને ત્યારબાદ સી.આર.પાટીલ માટે આટલી ભીડ થઈ હતી.

10 ઓક્ટોબરના રોજ હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
10 ઓક્ટોબરના રોજ હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં સુરતના ચાર પ્રધાન, એક કેન્દ્રમાં
રાજ્ય સરકારના નવા પ્રધાન મંડળમાં પૂર્ણેશ મોદીને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. જ્યારે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, ઓલપાડના મુકેશ પટેલ અને કતારગામના વિનુ મોરડીયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યાં છે. જ્યારે થોડા સમય અગાઉ કેન્દ્રીય પ્રધાન મંડળના વિસ્તરણ વખતે સુરતના સાંસદ દર્શના જરદોષને કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી બનાવીને સુરતને એક સાથે રાજ્યના ચાર અને કેન્દ્રમાં એક મંત્રી બનાવવામાં આવ્યાં છે.

રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.
રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.

આપને કાબૂમાં રાખવાનું ગણિત
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાંથી આપનો ઉદય થયો હતો. સુરત મહાનગરપાલિકામાં આપની 27 જેટલી બેઠકો છે. સુરતમાં આપ મજબૂત બની રહ્યું છે. આપ પાર્ટીને કાબૂમાં રાખવા માટે ભાજપ દ્વારા નવા પ્રધાન મંડળમાં ચાર ચહેરાઓને પ્રભુત્વ આપવામાં આવ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાં સુરતમાંથી મોટી સંખ્યામાં પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે પ્રધાનપદ આપીને આપને કાબૂમાં રાખવા ભાજપે પ્રધાનપદ આપ્યાં હોવાનું રાજકીય તજજ્ઞોનો માની રહ્યાં છે.

શક્તિપ્રદર્શન દ્વારા સતત લોકો વચ્ચે રહેવાનો પ્રયાસ.
શક્તિપ્રદર્શન દ્વારા સતત લોકો વચ્ચે રહેવાનો પ્રયાસ.

પાટીદારો પર ભાજપ વધુ ધ્યાન આપશે
સુરતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર હોવા છતાં ભાજપ તેમની 12 સિટો અકબંધ રાખવામાં સફળ રહ્યું હતું. જોકે ત્યારબાદ માત્ર એક જ રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યાં હતાં. આર્થિક પાટનગર સમાન સુરતમાંથી રાજકીય નેતાઓને એટલું પ્રભુત્વ આપવામાં આવતું નહોતું. જોકે, આમ આદમીમાં પાટીદારો વળતાં કુમાર કાનાણીની જગ્યાએ આ વખતે પાટીદાર નેતા અને સ્વચ્છ છાપ ધરાવતાં વિનુ મોરડીયાને પ્રધાનપદ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાંથી લોકો સુરતમાં વસવાટ કરી રહ્યા છે. જેમાં મોટાભાગે પાટીદારો છે. સુરતમાં જે રીતનો ચૂંટણીનો માહોલ હોય છે તેની અસર સૌરાષ્ટ્રમાં થતી હોય છે. જેના કારણે ગુજરાતમાં આગામી વિધાનસભા-2022ની ચૂંટણીમાં સુરત એપી સેન્ટર બની શકે છે.