આપ 'પર' ઘાત:'AAP'ને 7 કલાકમાં જ ત્રણ ઝટકા, સુવાળા બાદ સવાણીએ પાર્ટી છોડી, કહ્યું-હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ

સુરત4 મહિનો પહેલા
  • મને કોઈ હોદ્દાનો મોહ નથી. હવે હું સેવા સાથે જ જોડાઈશઃ મહેશ સવાણી

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આજે સિંગર વિજય સુવાળા સહિત બે નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી છે. ત્યારબાદ હવે 7 મહિના પહેલા 'આપ'માં જોડાયેલા સુરતના ઉદ્યોગપતિ એવા મહેશ સવાણી આમ આદમી પાર્ટી છોડી છે. મહેશ સવાણીએ કહ્યું હતું કે, આપમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરું છું, હું હવે આમ આદમી પાર્ટીમાં નથી. હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું, મને કોઈ હોદ્દાનો મોહ નથી. હવે હું સેવા સાથે જ જોડાઈશ.

દારૂકાંડ બાદ ઈમાનદાર નેતાઓ પાર્ટી છોડવા લાગ્યા?
આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કમલમમાં 20 ડિસેમ્બરે થયેલા ઘર્ષણ બાદ ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂતે આપના નેતાઓ પર દારૂ પીને છેડતી કરવાના આક્ષેપ કર્યા હતા. તેમજ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. આ ઘટનાના એક મહિનામાં જ હવે નવો રાજકીય વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીને દારૂકાંડ નડી ગયું હોય તેમ લાગી રહ્યું છે. આપના બે મોટા નેતા ગણાતા વિજય સુવાળા અને મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. આ બન્ને નેતાઓએ આપને બાય બાય કહ્યા બાદ ઈમાનદાર નેતાઓ પક્ષ છોડી રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

લોક ગાયક વિજય સુવાળા આપ છોડી ભાજપમાં જોડાયા
જાણીતા લોક ગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે. 'આપ'માં જોડાયાના સાત મહિનામાં જ સુવાળા રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે. 22 જૂન, 2021ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

આપના અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ ભાજપમાં જોડાયા
આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આજે વિઘિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.

જાણીતા લોકગાયક વિજય સુવાળા આપ છોડી ભાજપમાં જોડાયા.
જાણીતા લોકગાયક વિજય સુવાળા આપ છોડી ભાજપમાં જોડાયા.

કોણ છે મહેશ સવાણી?
ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં ‘વલ્લભ ટોપી’ના નામે જાણીતા છે.સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભભાઈએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી. આજે ડાયમંડ,એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી. સવાણી ગ્રૂપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે.

વર્ષોથી અનાથ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવે છે
આશરે 2500 કરોડ રૂપિયાથી વધુંનુ ટર્નઓવર ધરાવતા આ ગ્રૂપના એમડી તરીકે કામ કરી રહેલા મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે. મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે. એટલું જ નહીં છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા હતા. આ ઉપરાંત મહેશભાઈએ ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરનો ખર્ચની જવાબદારી લીધી હતી.

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસ ભાજપમાં જોડાયા.
આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસ ભાજપમાં જોડાયા.

પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં નજીવા દરે સારવાર
પી.પી. સવાણી ગ્રૂપ રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે સાથે શહેરમાં ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ મીડિયમની સ્કૂલો ચલાવે છે. આ ઉપરાંત પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગરીબ દર્દીઓ માટે નજીવા દરે હાર્ટ સર્જરીની સુવિધા વિકસાવી છે.

બિલ્ડરના અપહરણનો લાગ્યો હતો આરોપ
મહેશ સવાણી સાથે જોડાયેલા કેટલાક વિવાદોની વાત કરીએ તો ચારેક વર્ષ પહેલા ટ્રાવેલ્સ એસોસીયેશનના પ્રમુખની સાથે જમીનમાં ચિટિંગ કરી ધમકી આપવા મામલે મહેશ સવાણી અને તેના પિતા વલ્લભભાઈ સવાણી(ટોપી) સામે કતારગામ પોલીસમાં અરજી થઈ હતી. આ ઉપરાંત જાન્યુઆરી, 2020માં બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં મહેશ સવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે તેમના ચાર સાગરીતોને સવાણીની ઓફિસમાંથી પકડી પાડ્યા હતા. આ સમયે મહેશ સવાણી ફરાર થઈ ગયા હતા.

મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે.
મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે.

3 કરોડના બદલે રૂ.19 કરોડ માગવાનો આક્ષેપ થયો હતો
મહેશ સવાણી પર આરોપ લાગ્યો હતો કે, પાર્લે પોઇન્ટની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર ગૌતમ ખોડીકા પટેલના બંગલે મહેશ સવાણી અને તેના સાગરીતોએ બિલ્ડરને કારમાં બેસાડી ઓફિસે લઈ જઈ માર માર્યો હતો. બિલ્ડરની પાસેથી 3 કરોડની રકમના બદલામાં બંગલો લખી આપવા અથવા 19 કરોડની રકમ આપવા દબાણ કર્યુ હતું.

7 મહિના પહેલા આપમાં જોડાયા હતા
2019ની લોકસભા ચૂંટણીમાં મહેશ સવાણીને ભાજપમાંથી સુરત બેઠક માટે ટિકિટ આપવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. પાટીદાર અનામત આંદોલન વખતે રાજદ્રોહના ગુનામાં લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલને બહાર લાવવા માટે મહેશ સવાણીએ ભારે મહેનત કરી હતી. મહેશ સવાણીએ સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થીની કડીરૂપ ભૂમિકા ભજવીને હાર્દિકને જામીન પર છોડાવવા માટે સિંહફાળો આપ્યો હતો. દરમિયાન સાત મહિના પહેલા જૂન 2021માં મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

બીજી લહેરમાં સુરતમાં 11 કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા
સુરતના ઉદ્યોગપતિ અને હજારો દત્તક દીકરીઓના પિતા એવા ભામાશા ગણાતા મહેશભાઈ સવાણીએ કોરોનીની બીજી લહેર સમયે ‘સેવા’ નામે શરુ કરેલા સંગઠનની 11 કોવિડ અઈસોલેશન સેન્ટરો શરૂ કર્યા હતા. તેમજ સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ તેમની ટીમ લઈને કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે પહોંચ્યા હતા.