આહલાદક નજારો:સુરત હિલ સ્ટેશન બન્યું, માવઠાંના વરસાદી ઝાપટા વચ્ચે સવારે શહેરમાં ધુમ્મસના ઓળા ઉતર્યા

સુરત11 દિવસ પહેલા
મોર્નિંગ વોકર્સને ધુમ્મસનો અલભ્ય નજારો જોવા મળ્યાનો અનુભવ વ્યક્ત કર્યો હતો
  • ધુમ્મસમાં હાઈરાઈઝ બિલ્ડીંગનો ગરક થઈ જતાં અલભ્ય નજારો સર્જાયો

સુરત શહેરના હવામાનમાં ફેરફાર નોંધાતા છેલ્લા થોડા દિવસોથી માવઠાંના વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. ત્યારે આજે સવારે ધુમ્મસના ઓળા ઉતર્યાં હતાં. વહેલી સવારથી શરૂ થયેલા ધુમ્મસમાં વેસુ વિસ્તારની હાઈરાઈઝ ઈમારતો ગરક થઈ ગઈ હતી. જેથી મોર્નિંગ વોકર્સને આ અલભ્ય નજારો જોવા મળ્યાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. ભર શિયાળે પણ ગરમીનો અનુભવ કરતાં લોકોને ધુમ્મસથી ઠંડક આપતાં દ્રશ્યોથી મજા પડી હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

વેસુ વિસ્તારની હાઈરાઈઝ ઈમારતો ગરક થઈ ગઈ હતી
વેસુ વિસ્તારની હાઈરાઈઝ ઈમારતો ગરક થઈ ગઈ હતી

તાપમાનમાં ઘટાડો
હવામાન કચેરીના જણાવ્યા મુજબ માવઠા બાદ હવે ઠંડીમાં વધારો થશે. આ આગાહીના પગલે આજે સવારથી જ સુરત શહેરનું હવામાન બદલાયુ હતુ. આકાશમાં ચારેબાજુ વાદળોનું સામ્રાજય જોવા મળવાની સાથે ઠંડો પવન ફુંકતા શહેરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવુ જોવા મળ્યુ હતુ. આવા વાતાવરણના કારણે આજે દિવસનું અધિકતમ તાપમાન ચાર ડિગ્રી ઘટીને 25.4 ડિગ્રી, લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા, હવાનું દબાણ 1011.9 મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના છ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

ધુમ્મસથી વિજિબિલિટી ઘટી ગઈ હતી.
ધુમ્મસથી વિજિબિલિટી ઘટી ગઈ હતી.

ઘર-બેઠાં હિલસ્ટેશનની મજા
મોર્નિંગ વોકર રાજેશભાઈ પાડલિયાએ જણાવ્યું હતું કે, વરસાદ બંધ થવાની સાથે જ હવે ધુમ્મસનું સામ્રાજ્ય શરૂ થયું છે. જેથી હવે વરસાદ નહી પડે પરંતુ આગામી સમયમાં ગરમીમાંથી રાહત મળશે. સાથે જ ઠંડી પણ વધશે. જો કે, આજે સવારે ધુમ્મસમાં વોક કરવાની ભારે મજા આવી હતી. ઉંચી ઉંચી બિલ્ડીંગો ધુમ્મસમાં દેખાતી નહોતી અને વિજિબિલિટી પણ ઘટી ગઈ હતી. આમ આજે શહેરીજનોએ ઘરબેઠા જ હિલ સ્ટેશન જેવુ વાતાવરણ માણ્યુ હતુ.